બોલો, પાકિસ્તાનમાં આખી ટ્રેન થઈ હાઈજેકઃ સેંકડો પ્રવાસીને બંધક બનાવ્યાનો દાવો
આર્મી દ્વારા કાર્યવાહી કરવામાં આવી તો પરિણામો ગંભીર આવશેઃ બીએલએની ચેતવણી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આતંકવાદીઓએ એક આખે આખી ટ્રેનને હાઈજેક કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. બલુચ લિબરેશન આર્મી (BLA)એ દાવો કર્યો છે કે ટ્રેનને હાઈજેક કરીને 120 પ્રવાસીને બંધક બનાવ્યા છે.
એની સાથે ચેતવણી પણ આપી છે કે અમારી સામે કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી તો તમામ લોકોને મારી નાખવામાં આવશે. અત્યાર સુધીમાં લશ્કરના છ જવાનની હત્યા કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
બીએલએએ ચેતવણી આપી છે કે અમારી સામે કોઈ કાર્યવાહી કરી તો તમામ પ્રવાસીને મારી નાખવામાં આવશે. આ ટ્રેનમાં લગભગ 120 જેટલા પ્રવાસી છે. બંધકોમાં પાકિસ્તાનની સેના, પોલીસ, આતંકવાદી વિરોધી દળ (એટીએફ) અને ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના એક્ટિવ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો રજાઓ માટે પંજાબ જઈ રહ્યા હતા. જોકે, ટ્રેનમાં લગભગ 400થી વધુ પ્રવાસી હોવાનું કહેવાય છે.
આપણ વાંચો: કંધહારમાં થયેલો સોદો કેટલો ભારે પડ્યો, ત્રણેય આતંકવાદીઓએ મચાવી છે તબાહી…
બેએલએ અમુક જવાનની હત્યા પણ કરી છે. ઓપરેશન દરમિયાન બીએલએના આતંકવાદીઓએ મહિલાઓ, બાળકો અને બલુચ પ્રવાસીઓને છોડી મૂક્યા હતા. મળતી માહિતી અનુસાર ફિદાયિન યુનિટ, મજીદ બ્રિગેડ આ મિશનને લીડ કરે છે, જેમાં ફ્તેહ સ્ક્વોડ, એસટીઓએસ અને ગુપ્તચર વિભાગની શાખા જિરાબનો પણ સમાવેશ થાય છે.
દરમિયાન સેંકડો લોકોને બંધક બનાવ્યા પછી બલુચ લિબરેશન આર્મીના પ્રવક્તા જીયંદ બલુચે કહ્યું હતું કે જૂથે આ ઓપરેશનની જવાબદારી સ્વીકારી છે, જ્યારે આર્મી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવશે.