કંધહારમાં થયેલો સોદો કેટલો ભારે પડ્યો, ત્રણેય આતંકવાદીઓએ મચાવી છે તબાહી…
નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહેલી સિરિઝ IC 814 The Kandahar Hijackને લીધે 25 વર્ષ પહેલાના એ ભયાનક દિવસો તાજા થયા છે. પ્લેન અમૃતસરમાં ન રોકી શકનારા ભારત સરકાર પાસે એક તરફ દેશના નાગરિકોનો જીવ હતો અને બીજી તરફ ખુંખાર આંતકવાદી, જેમને સેનાના જવાનોએ શહીદી વહોરીને પણ જેલના સળિયા પાછળ કર્યા હતા. શરૂઆતમાં હાઈજેકર્સની આ માગણીઓ સ્વીકારવા સરકારે આનાકાની કરી પણ પછી ત્રણ ખુંખાર આતંકવાદીઓને છોડવા પડ્યા હતા. આ ત્રણેયે જેલમાંથી છૂટ્યા બાદ પણ આતંક મચાવ્યો અને હજુ પણ હાથ લાગ્યા નથી.
1999માં છોડવામા આવેલા ત્રણેય આંતકવાદીએ પોતાના નાપાક કરતૂતો છોડ્યો નથી. ભારતને સૌથી વધારે રંજાડનાર મસૂદ અઝહર પણ આમાંનો એક છે.
મસૂદ અઝહર
ભારતનો સૌથી મોંઘો પડ્યો તે મસૂર અઝહરને છોડવાનો નિર્ણય. તે સમયે મસૂદ જમ્મુની જેલમાં હતો. જેલમાંથી છૂટ્યા બાદ તેણે જૈશ-એ-મોહંમદ સંગઠનને ફરી ઊભું કર્યું.
ત્યારથી તે સતત ભારત વિરુદ્ધ નાપાક પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. ભારતીય સંસદ પર હુમલો, મુંબઈમાં હુમલો અને પઠાણકોટ એરબેઝ પર હુમલા પાછળ મસૂદ અઝહરનો હાથ હોવાના અહેવાલો છે. આ સિવાય પુલવામા હુમલામાં તેની સંડોવણીના પુરાવા છે, જેમાં 40થી વધુ CRPF જવાનો શહીદ થયા હતા.
ઓમર શેખ
ઓમર શેખનું પૂરું નામ અહેમદ ઓમર સઈદ શેખ છે. તે પાકિસ્તાની મૂળનો બ્રિટિશ આતંકવાદી છે. 2002માં ઓમર શેખે વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર ડેનિયલ પર્લનું પાકિસ્તાનમાં અપહરણ કરીને હત્યા કરી હતી. આ પછી કોર્ટે ઉમર શેખને પણ ફાંસીની સજા સંભળાવી હતી, પરંતુ સિંધ હાઈકોર્ટે તેની ફાંસીની રજા રદ કરી. તે જેલમાં હોવાનું કહેવાય છે. જોકે ઓમર શેખ વિશે સત્તાવાર માહિતી નથી.
મુશ્તાક ઝરગર
મુશ્તાક ઝરગરને જેલમાંથી બહાર કાઢવા સરકાર જરા પણ ઈચ્છતી ન હતી. મુશ્તાક ઝરગર હજુ પણ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી રહ્યાના અહેવાલો છે. મુસ્તાક ઝરગરની 15 મે 1992ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. મળતા અહેવાલો અનુસાર તે જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાનમાં આતંકી સંગઠન ચલાવી રહ્યો છે. ઝરગર હજુ પણ જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં છે અને કાશ્મીરમાં સક્રિય રીતે આતંકવાદી ઘટનાઓને અંજામ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મુશ્તાક ઝરગરે ઘાટીમાં ઘણા આતંકવાદી જૂથો માટે લોકોની ભરતી પણ કરી છે.
આ અહેવાલ મીડિયા રિપોર્ટ્સ આધારે છે.