અમદાવાદ: ગુજરાતની અનેક શાળાઓમાં વિદેશમાં રહીને પણ સરકારી પગાર ખાતા શિક્ષકોનું ભોપાળું ખુલ્લું થયા બાદ હવે ઘોર નિંદ્રામાં પોઢેલી સરકારની આંખો ઊઘડી છે. શાળા શરૂ હોય અને ફરજ પરથી ગેરહાજર રહેનાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સરકારે શિક્ષાત્મક કાર્યવાહી કરતાં 134 જેટલા શિક્ષકોને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. જેમાંથી 3 શિક્ષકો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા ઘણી સરકારી શાળાઓમાં અનેક શિક્ષકો ગેરહાજર રહીને વિદેશમાં રહીને સરકારનો લાખોનો પગાર ચાઉં કરી જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ત્યારે હવે સરકારની અને શિક્ષણ વિભાગની આંખ હવે ઊઘડી છે. આ પ્રકારની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી સરકારને સોંપવામાં આવી હતી. અહેવાલ મળ્યા બાદ સરકારે 134 શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં ભર્યા છે.
આ પણ વાંચો: અરે વાહ, બધા શિક્ષકો આટલી ધગશથી શિખવાડે તો, જૂઓ વાયરલ વીડિયો
પ્રાપ્ત થતી વિગતોના આધારે રાજ્ય સરકારને મળેલા રિપોર્ટ બાદ 134 શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ માસથી 90 દિવસ કરતાં લાંબી રજા પર હોય તેવા કુલ 151 શિક્ષકો છે. રાજ્યનાં 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાનું અને 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણાં સમયથી ગેરહાજર હોવાનું ખૂલ્યું છે.
વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકોમાંથી 44ને નોટીસ આપવામાં આવી છે. નગર શિક્ષણ સમિતિ હસ્તકના 3 શિક્ષકોને બરતરફ અને 3ના રાજીનામાં સ્વીકારાયા છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા 70માંથી 58 શિક્ષકોને નોટીસ પાઠવવામાં આવી છે. રાજ્યમાં 17 જિલ્લાઓના 31 શિક્ષકો વિદેશ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. આ આંકડો તો સરકારી છે પરંતુ હકીકત શું છે તે કોણ જાણે છે. હવે સરકારે આવા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.