ભુજ

ડિજિટલ એરેસ્ટનો ખતરનાક ખેલ: લંડન રહેતા વૃદ્ધે વતનમાં ગુમાવ્યા રૂ. ૧.૧૧ કરોડ, તમે પણ ચેતી જજો!

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ ડિજિટલ એરેસ્ટ’ નામની હવે જૂની થઇ ચુકેલી બલા અંગે ખુદ દેશના વડા નરેન્દ્ર મોદી ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે અને સાયબર ફ્રોડ અંગે જાગૃતિ આણવા માટે સતત થઇ રહેલા પ્રયાસો છતાં પણ નાગરિકો સતત લૂંટાઈ રહ્યા છે તેવામાં લંડન ખાતે રહેતા, મૂળ કચ્છના કેરા ગામના માદરે વતન આવેલા ૭૧ વર્ષીય મનજી રામજી પટેલ નામના વડીલને સાયબર ક્રિમિનલોએ સતત નવ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને કુલ રૂા. ૧,૧૧,૦૦,૦૦૦ પડાવી લેવાનો બનાવ સામે આવતાં ભારે ચકચાર પ્રસરી છે.

આ અંગે લંડનના હેરોના એડવર્ડ રોડ ખાતે રહેનારા મૂળ કેરાના મનજીભાઈએ બોર્ડર રેન્જ-ભુજ સાયબર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ દર વર્ષે શિયાળો ગાળવા માટે કચ્છ આવતા રહે છે. આ દરમ્યાન ગત ૨૯મી ડિસેમ્બરના રોજ એક અજાણ્યા નંબર પરથી તેમને એક મહિલાનો ફોન આવ્યો હતો અને માનજીભાઈના નામનું સીમકાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલું હોવાનું, સીમ બંધ થઈ જશે. વધારે માહિતી જાણવી હોય તો આ કોલ કોલાબા પોલીસ મથકમાં ફોરવર્ડ કરવાનું જણાવતાં તેઓ ડરી ગયા હતા.

થોડીવાર બાદ હિન્દી ભાષામાં વાત કરનારા શખ્સે પોતે કોલાબા પોલીસ મુંબઈથી બોલતો હોવાનું જણાવી, તમારા નામનું સીમકાર્ડ મળ્યું છે જે ખોટા કેસોમાં સંડોવાયેલું હોવાની માહિતી મળી છે. આથી તુરંત કોલાબા પોલીસ મથકે અન્યથા ધરપકડ માટે તૈયાર રહેવાનું કહ્યું હતું. માનજીભાઈએ તેઓ ગુજરાતમાં હોઈ તાત્કાલિક કોલાબા પોલીસ મથકે નહીં આવી શકે તેમ કહીને ફોન કટ કરી દીધો હતો.

થોડીવાર બાદ ફરિયાદીને વોટ્સઅપ પર પોલીસના યુનિફોર્મમાં બેઠેલા ગઠીયાઓનો ગ્રુપ વીડિયો કોલ આવ્યો હતો. જેમાં આ વડીલને તેમનું એટીએમ કાર્ડ એક કેસના મુખ્ય આરોપી નરેશ ગોયલના ઘરેથી મળ્યું છે. તમારા નામના સીમકાર્ડથી નરેશ ગોયલ સાથે વાતચીત થઈ હોવાનું મળ્યું છે. આથી તમારા ઉપર કેસ થયો છે, ફોન કટ કરશો તો તમારો સીમકાર્ડ બંધ થઈ જશે. તપાસ અર્થે તમારા પાસે જે સંપતિ છે જેની વિગતો આપવી પડશે તેમ જણાવતાં ફફડાટમાં આવી ગયેલા ફરિયાદીએ પોતાના નામની એફ.ડી. બેન્ક ખાતા અને પરિવારના સભ્યોની માહિતી આપી હતી.

વૃદ્ધ હાલ એકલા હોવાનું પામી ગયેલા સ્માર્ટ સાયબર ક્રિમિનલોએ તેમને વધુ ડરાવા એરેસ્ટ, કોર્ટના ધક્કા ખાવા પડશે. કેસથી બચવું હોય તો અમને સહયોગ આપવો પડશે તેવું જણાવીને જાળમાં સપડાવી લીધા હતા. આ બાદ ભયમાં આવેલા મનજીભાઈને ટ્રાઈ અને ઈડી દ્વારા ઈસ્યુ ઓર્ડર મોકલ્યા હતા. આ ડિજિટલ ઠગબાજોએ સતત ફોનનો મારો ચલાવી નવ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રખાવી ફોનને પણ સતત ચાલુ રખાવી માનસિક યાતના આપી હતી અને મનજીભાઈના તમામ બેન્ક ખાતાની માહિતી મેળવી અને છઠી, સામતી અને આઠમી જાન્યુઆરીના ગઠિયાઓએ ટુકડે-ટુકડે ૫૦ લાખ, ૨૭ લાખ, ૧૬ લાખ અને ૧૮ લાખ એમ કુલ્લે રૂા. ૧.૧૧ કરોડ રૂપિયા જુદા-જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા હતા.

આ બાબતે મનજીભાઈએ તેના ભાણેજને વાત કરતા તેણે કહ્યું કે તમારી સાથે ફ્રોડ થયો હોવાનું જણાવીને ડિજિટલ એરસ્ટથી છોડાવ્યા હતા.

આ બાદ સાયબર હેલ્પલાઈન ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ એલ.પી. બોડાણાએ આઈ.ટી એક્ટની વિવિધ કલમો તળે સાયબર માફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

અત્રે નોંધનીય છે કે, આવા ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં નાણાં જેના ખાતામાં ગયા હોય અને ત્યાંથી અનેક ઉથલપાથલ થાય તે પૂર્વે જ વહેલી તકે સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરવામાં આવે તો નાણાં પરત મળવાની સંભાવના વધી જાય છે.

આ પણ વાંચો…ગુજરાત ભાજપના ક્યા નેતાને ડિજિટલ એરેસ્ટ કરવાનો થયો પ્રયાસ ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button