સુરતમાં જર્જરિત આવાસો ખાલી કરાવવા મામલે ઘર્ષણ : પોલીસ અને સ્થાનિકો આમને-સામને
સુરત: સચિન અને પાલી ગામમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા જૂના જર્જરિત ગુજરાત સ્લમ બોર્ડના જૂના અને જર્જરિત આવાસો ખાલી કરાવવાની કામગીરી તંત્રએ આદરી છે. સચિન અને પાલી વિસ્તારના લોકોને આ આવાસો સ્વૈચ્છાએ ખાલી કરીને તંત્રની કામગીરીમાં સહકાર આપવા સમજાવાયું હતું.
તંત્ર દ્વારા આ મામલે નોટિસ પાઠવી હોવી છતા લોકોએ આવાસો ખાલી ન કરતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવાસોનાં વીજ કનેક્શન અને નળ કનેક્શન કાપવામાં આવી રહ્યાં છે, આ દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
સુરતના ઉધના બી ઝોનમાં સચિન વિસ્તારમાં 1985 માં 215 બિલ્ડિંગ ગુજરાત સ્લમ બોર્ડ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ગુજરાત સ્લમ બોર્ડ હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડથી ઓળખાય છે. આ આવાસો ખૂબ જૂના છે અને તેની હાલત જર્જરિત થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં અહી રહેવું ઘણું જોખમકારક છે અને આથી છેલ્લા 7થી 8 વર્ષથી તંત્ર દ્વારા આવાસો ખાલી કરવા નોટિસ આપવામાં આવી રહી છે તેમ છતાં લોકોએ આવાસો ખાલી નહોતા કર્યા. આથી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આપણ વાંચો: સંભાળજો! મુંબઈમાં ૧૮૮ અતિજોખમી અને જર્જરિત ઈમારતો
જો કે લોકો આ મામલે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા માત્ર કાર્યવાહી જ કરવામાં આવી રહી છે જ્યારે વૈકલ્પિક વ્યવસ્થા મામલે કોઇ સ્પષ્ટતા કરવામાં નહિ આવ્યાનો લોકો આરોપ કરી રહ્યા છે. આવાસો ખલાઈ થવાથી તેમાંથી રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના હજારો પરિવારોની માથેથી છત જતી રહે તેવી સ્થતિ સર્જાય છે. જો કે આ સમયે લોકોએ સમયની માંગ કરી રહી હતી અને અન્યથા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી.
વર્ષ 2018 માં પણ જર્જરિત આવાસોને ખાલી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે 44 જેટલી બિલ્ડિંગોમાંથી લોકોને ખસેડી લેવામાં આવ્યા હતા. જો કે હાલ 171 બિલ્ડિંગમાં 2000 થી વધુ ફ્લેટ છે. જેમાંથી 907 ફ્લેટમાં લોકો રહે છે. આજે સવારથી જ પાલિકા વીજ કનેક્શન અને નળ કનેક્શન પહોંચી હતી. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે તેમ છતાં લોકોમાં રહેલા રોષને લીધે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું.