મીરા-ભાઈંદરમાં જર્જરિત મકાનોની સંખ્યા વધવાથી રહેવાસીઓનું જીવન જોખમમાં મુકાયું
1648 બિલ્ડિંગોને સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવાની નોટિસ
મુંબઈ: મીરા-ભાઈંદર પાલિકા દ્વારા શહેરની શંકાસ્પદ 1648 જર્જરિત બિલ્ડિંગોને સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવીને તેનો અહેવાલ રજૂ કરવાની નોટિસ આપવામાં આવી છે. આમાંથી 519 બિલ્ડિંગોના સ્ટ્રક્ચરલ ઓડિટ અહેવાલ અત્યાર સુધી પાલિકાને આપવામાં આવ્યા છે. પાલિકામાં રજૂ કરવામાં આવેલા અહેવાના આધારે શહેરની 29 બિલ્ડિંગને સી-વન શ્રેણીની અતિ જર્જરિત બિલ્ડિંગ (રહેવાલાયક ન હોવાની) જાહેર કરવામાં આવી છે અને એ બિલ્ડિંગોને તોડી પાડવાની નોટિસ પણ મોકલી દેવામાં આવી છે.
બાકીની 1129 બિલ્ડિંગના સ્ટ્રક્ચર ઓડિટ અહેવાલમાં વધારો થવાની સંભાવના છે. મોન્સૂનમાં અતિ જર્જરિત બિલ્ડિંગો કડડડભૂસ થવાની ઘટના વધુ બનતી હોય છે. આ પહેલાં પણ જર્જરિત બિલ્ડિંગો જમીનદોસ્ત થઇ ગઇ હોવાની ઘટના બની ચૂકી છે. આથી જ પાલિકાએ આવી બિલ્ડિંગોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવા માટેની નોટિસ મોકલાવી છે.
આપણ વાંચો: વૃક્ષો પર ઈલેક્ટ્રિક લાઈટિંગના કારણે પાલિકા અને પર્યાવરણ વિભાગને નોટિસ
જર્જરિત મકાનો જમીનદોસ્ત થવાની ઘટના પર લગામ આણવા અને જાનમાલની સુરક્ષાની દૃષ્ટિએ પાલિકા કમિશનર સંજય શ્રીપતરાવ કાટકરના નિર્દેશ પર શહેરનાં 30 વર્ષ કે પછી તેનાથી વધુ જૂની બિલ્ડિંગોના સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાલિકાએ તમામ 6 વોર્ડમાં કરેલાં સર્વેક્ષણમાં 1648 બિલ્ડિંગ જર્જરિત જોવા મળી હતી. પાલિકા દ્વારા સોસાયટીઓને નોટિસ મોકલવામાં આવી હોવા છતાં અનેક બિલ્ડિંગોના રહેવાસીઓ દ્વારા સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવા માગતા ન હોવાનું સામે આવ્યું છે.
સ્ટ્રક્ચરલ ઓડિટ માટે લાગતી ફી અને ટેસ્ટિંગ કરાવ્યા બાદ જો સંબંધિત બિલ્ડિંગને જોખમી જાહેર કરવામાં આવે તો બિલ્ડિંગ ખાલી કરાવવાના ભયથી રહેવાસીઓ ઓડિટ કરાવતા ન હોવાનું જાણવા મળ્યું છે.
અંદાજે એક દાયકા દરમિયાન ખાલી કરાવ્યા બાદ અનેક બિલ્ડિંગોનો પુનર્વિકાસ આજ સુધી થયો નથી. આ જ કારણથી રહેવાસીઓ એ જ જર્જરિત મકાનમાં જ રહે છે. હવે જોવાનું એ રહ્યું કે શું પાલિકા આવા રહેવાસીઓ સામે કોઇ કડક કાર્યવાહી કરશે કે કેમ.