
IPLની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડી એટલે કે સુરેશ રૈનાએ ક્રિકેટમાં પોતાનું હુનર પાથર્યો જ છે. પરંતુ હવે તે સિલ્વર સ્ક્રીન પર પોતાનો આગવી ઓળખ ઊભી કરવા તૈયાર છે. સુરેશ રૈના તમિલ ઈન્ડસ્ટ્રીની ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. તમિલનાડુમાં ખૂબ લોકપ્રિય રૈનાના આ ડેબ્યૂના સમાચારે ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો છે.
આગામી સમયમાં સુરેશ રૈના ડ્રીમ નાઈટ સ્ટોરીઝ (DKS) પ્રોડક્શનની એક તમિલ ફિલ્મમાં જોવા મળશે. પ્રોડક્શન હાઉસે ટીઝર શેર કરીને રૈનાની કાસ્ટિંગની જાહેરાત કરી છે. ટીઝરમાં કેપ્શન પણ ટાંકવામાં આવ્યું છે, “DKS પ્રોડક્શન નંબર 1માં ચિન્ના થલા સુરેશ રૈનાનું સ્વાગત.” ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી, પરંતુ ટીઝરમાં રૈના ક્રિકેટ સ્ટેડિયમમાં ચાહકો સાથે એન્ટ્રી કરતા જોવા મળે છે.
આપણ વાંચો: સુરેશ રૈનાએ વિરાટ-રોહિત વિશે BCCIને વિનંતી કરી કે…
ડીકેએસ પ્રોડક્શનના ટીઝરમાં સુરેશ રૈના ક્રિકેટ સ્ટેડિયમમાં ચાહકોની હૂંફ સાથે પ્રવેશતા દેખાય છે. ટીઝર પરથી લાગે છે કે ફિલ્મ ક્રિકેટ આધારિત હોઈ શકે. આ ફિલ્મનું દિગ્દર્શન લોગન કરી રહ્યા છે, જ્યારે શ્રવણ કુમાર તેનું નિર્માણ કરે છે. ફિલ્મની વિગતો હજુ અધૂરી છે, પરંતુ તેની થીમ અને રૈનાની ભૂમિકા ચર્ચાનો વિષય બની છે.
સુરેશ રૈનાના તમિલ ફિલ્મ ડેબ્યૂના સમાચારે ચાહકોમાં ખુશીની લહેર લાવી છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ ટીઝર પર કમેન્ટ્સ કરીને રૈનાને ‘કોલીવૂડ’માં આવકાર આપ્યો. એક ચાહકે લખ્યું, “ચિન્ના થલા, કોલીવૂડમાં સ્વાગત!” બીજાએ લખ્યું હતું કે “રૈના કોલીવૂડમાં રાજ કરશે.” એક યુઝરે લખ્યું, “2025 સરપ્રાઈઝથી ભરેલું છે!” ચાહકો રૈનાના નવા અવતારને જોવા ઉત્સુક છે.