સુરેશ રૈનાએ વિરાટ-રોહિત વિશે BCCIને વિનંતી કરી કે…
નવી દિલ્હી: લેજન્ડ બની ચૂકેલા ખેલાડી જ્યારે નિવૃત્તિ લે ત્યારે રમતમાંથી તેમની વિદાય સાવ સરળ નથી હોતી. તેમને માન-પૂર્વક ગુડબાય કરવામાં આવે છે કે જેથી આવનારી પેઢીઓ પણ તેમના યોગદાનને સદા યાદ રાખે. મહેન્દ્રસિંહ ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું ત્યાર બાદ બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ તેની નંબર-7 જર્સીને પણ રિટાયર કરી દીધી હતી.
એનો અર્થ એમ કે હવે પછી ક્યારેય કોઈ ભારતીય ખેલાડી પોતાની જર્સીનો નંબર-7 ન રાખી શકે. એ જર્સી હવે રિટાયર્ડ છે. ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટ બોર્ડને વિરાટ કોહલી અને રોહિત શર્મા બાબતમાં બીસીસીઆઇને વિનંતી કરી છે કે આ બે નામાંકિત ખેલાડીઓને પણ માહી જેવા જ માનપાનથી નિવૃત્તિનો અવસર આપો.
વિરાટ કોહલી અને રોહિત શર્માએ શનિવારે વર્લ્ડ કપની સમાપ્તિ સાથે ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. વિરાટની ટી-20માં 18 નંબરની અને રોહિતની 45 નંબરની જર્સી હતી.
એક જાણીતી ચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં રૈનાએ બીસીસીઆઇને વિનંતી કરી છે કે ‘ધોનીની 7 નંબરની જર્સીની જેમ વિરાટની 18 નંબરની અને રોહિતની 45 નંબરની જર્સીને પણ રિટાયર કરી દો. જો આવું કરાશે તો આ બે લેજન્ડરી ખેલાડીને રિટાયરમેન્ટ બદલ પરફેક્ટ અંજલિ આપી કહેવાશે. બીજી રીતે કહીએ તો તેમના બે જર્સી નંબરને પણ માનપાનથી રિટાયર કરવાથી આવનારી પેઢીના યુવા ખેલાડીઓને પ્રેરણા મળશે.
18 અને 45 નંબરવાળી જર્સીના આ બે ખેલાડીએ જે કપરી પરિસ્થિતિમાં ભારતને મૅચો જિતાડી એ જોઈને હવે જે પણ ખેલાડી ભારતીય ટીમમાં સામેલ થાય તે આ બે જર્સીના નંબર તરફ માત્ર જોઈને મૉટિવેટ થઈ શકે એવો હેતુ આ બે જર્સીને રિટાયર કરવા પાછળનો છે.’
રોહિત શર્મા 2007ની ચૅમ્પિયન ટી-20 વર્લ્ડ કપ ટીમમાં પણ હતો અને 2024ના વિશ્ર્વ કપમાં ચૅમ્પિયન-કૅપ્ટન બનીને હવે રિટાયર થયો છે.વિરાટ અને રોહિતની સાથે રવીન્દ્ર જાડેજાએ પણ ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.