રાયબાકિનાને શનિવારે સબાલેન્કા સામે 2023ની હારનો બદલો લેવાનો મોકો

મેલબર્નઃ રશિયામાં જન્મેલી કઝાખસ્તાનની ટોચની મહિલા ટેનિસ ખેલાડી એલેના રાયબાકિનાનો શનિવારે અહીં ઑસ્ટ્રેલિયન ઓપનની સિંગલ્સની ફાઇનલમાં બેલારુસની વર્લ્ડ નંબર-વન અરીના સબાલેન્કા સામે મુકાબલો છે અને એ જીતીને 2023ની આ જ ગ્રેન્ડ સ્લૅમ ચૅમ્પિયનશિપની ફાઇનલની હારનો બદલો લેવાનો રાયબાકિનાને બહુ સારો મોકો છે. હજી બે મહિના પહેલાં રાયબાકિનાએ ડબ્લ્યૂટીએ ફાઇનલ્સની નિર્ણાયક મૅચમાં સબાલેન્કાને હરાવીને બાવન લાખ ડૉલરનું પ્રથમ ઇનામ જીતી લીધું હતું.
વર્લ્ડ નંબર-થ્રી રાયબાકિના (Rybakina)ને 2023ના નિર્ણાયક જંગમાં સબાલેન્કા (Sabalenka)એ 4-6, 6-3, 6-4થી હરાવી હતી. સબાલેન્કાનું એ સૌથી પહેલું ગ્રેન્ડ સ્લૅમ સિંગલ્સ ટાઇટલ હતું અને ત્યાર બાદ તે બીજા ત્રણ ટાઇટલ જીતી હતી. સબાલેન્કા કુલ બે ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ (2023, 2024) જીતી ચૂકી છે, પણ રાયબાકિના પાસે ઑસ્ટ્રેલિયન ઓપનની એક પણ ટ્રોફી નથી. તે 2022માં વિમ્બલ્ડનનું ટાઇટલ જીતી ત્યાર બાદ એક પણ મોટું ટાઇટલ નથી જીતી, પણ હવે શનિવારે જીતી શકે.
સેમિ ફાઇનલમાં એલીના સ્વિતોલિનાને હરાવીને સતત ચોથા વર્ષે ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચી છે. બીજી બાજુ, રાયબાકિનાએ સેમિ ફાઇનલમાં જેસિકા પેગુલાને પરાસ્ત કરી હતી.
સબાલેન્કાએ વર્તમાન ટેનિસ સિઝનની શરૂઆત બ્રિસ્બેન ઇન્ટરનૅશનલ જીતીને કરી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં તે સતત 11 મૅચ જીતી છે. રાયબાકિનાએ કહ્યું છે કે ` 2023માં અહીં સબાલેન્કા સામે હું જે ફાઇનલ હારી હતી ત્યાર બાદ અમે ઘણી મૅચો રમ્યાં. અમને ઘણો અનુભવ મળી ગયો છે. મુકાબલામાં અંત સુધી લડવાની મારી વૃત્તિ છે અને આશા રાખું છું કે આ વખતની ફાઇનલ હું જ જીતીશ.’
આ પણ વાંચો રણજી ટ્રોફીમાં જયદેવ અને સિરાજના ચાર-ચાર વિકેટના તરખાટ…



