ધર્મતેજ

હોળી બહુ જ પ્યારો દિવસ છે, કારણ કે હોળી પોતાનામાં ખૂબ જ `હોલી’ છે

માનસ મંથન -મોરારિબાપુ

અમારે રાજકોટના એક યુવાનને મોબાઈલની દુકાન ચાલુ કરવી હતી. મને કહે બાપુ મુહૂર્ત તમે આપો. મેં કહું ભાઈ હું મુહૂર્ત આપનારો માણસ નથી. તો કહે નહીં, તમે જે દિવસ કહો ત્યારે મારે દુકાનનું ઉદ્ઘાટન કરવું છે. મેં કહ્યું મને પૂછ્યું છે તો જરા મુશ્કેલ લાગે તેવી વાત કરીશ. કહે બાપુ, તમે જે કહો તે. મેં કહ્યું હોળીને દિવસે ઉદ્ઘાટન રાખ. એણે ખૂબ સરસ કાર્ડ છપાવ્યું કે મારી દુકાનનું ઉદ્ઘાટન હોળીને દિવસે ! બાપુ, હોળી બહુ પ્યારો દિવસ છે. શુભ કાર્યો હોળીને દિવસે કરો. માં માનો તો તમારાં શુભ કાર્યો હોળીને દિવસે કરો, કારણ કે હોળી તો પોતાનામાં જ `હોલી’ છે, પણ મનથી કોઈનો દ્રોહ ન કરો. તમને બળ બહુ મળશે. તમે જલદીથી ભક્તિમાં સફળ થશો. આજે તો સંસારમાં માનસિક ચિત્તદિશા એવી થઈ ગઈ છે કે કોઈ કોઈને માટે કહે કે ફલાણો માણસ બહુ સજ્જન છે, તો આપણા મનમાં તરત જ થશે કે તમારો કોઈ સગો હશે. એવું લાગે છે, સારો છે, એની ખાતરી શી ? પણ કોઈ આપણને કહે કે ફલાણો માણસ ખરાબ છે, તો વિના વિચારે આપણે કહીએ કે હા, એ તો અમને પહેલેથી ખબર છે. આપણને એ જન્મ્યા ત્યારથી ખબર છે. તને જન્મ્યો ત્યારથી ખબર છે ? મૂર્ખા ! તું આ જ ધંધો કરે છે ? તારી પ્રવૃત્તિ જ આ છે ? અદ્રોહ: સર્વભૂતેષુ મનસા, કર્મણા-માનવીનું માનસિક સ્તર કેટલું નીચે છે તેનું આ પ્રમાણ છે. એટલે મેં ગઈ કાલે કહ્યું કે નિદ્રાવાળો સારો, તંદ્રાવાળો ખરાબ. નિદ્રાવાળો સારો, ક્ષમાને પાત્ર કે બિચારો સૂઈ ગયો છે, પણ તંદ્રાવાળો ખરાબ છે. અદ્રોહ: સર્વ ભૂતેષુ…પ્રાણીમાત્રનો દ્રોહ ન કરવો. વનસ્પતિમાં પણ જીવ છે, એથી કોઈનો દ્રોહ ન કરવો.

ભારતીયોનું આ સંશોધન છે કે પત્થરમાંયે અતિ સૂક્ષ્મ પ્રમાણમાં ક્યાંક જીવ પડ્યો છે. અને દસ-વીસ વર્ષોમાં એવી શોધ થાય કે પત્થર સાથે મીટર બાંધી એના હૃદયના ધબકારા નોંધવામાં આવે. એ પત્થર પર કોઈ જલ ચઢાવતું હોય, ચંદન ચઢાવતું હોય, ત્યારે મીટર કંઈ જુદું બતાવતું હશે અને કારણ વગર કોઈ ઘણ મારતું હશે, ત્યારે એ મીટર કંઈક જુદું બતાવતું હશે. બનવા જોગ છે. એનામાં ચેતન તત્ત્વ ન હોત તો બે પત્થરો ઘસતાં એમાંથી ચકમક નહિ ઝરતે, એમાંથી આગ ઉત્પન્ન નહિ થાત અને અગ્નિ ચેતન તત્ત્વ છે. ભલે એને પ્રકૃતિમાં જડ તત્ત્વ તરીકે ગણ્યું છે. પણ એ કંઈક પ્રકાશ કરે છે, એનો ચમકારો થાય છે, એમાંથી તણખો ઝરે છે. ચેતનતાના ગુણો એમાંથી મળે છે. વૃક્ષમાં તો લાગણી તત્ત્વ છે એવું અમેરિકામાં સંશોધન થયું જ છે. વૃક્ષને પાણી પાઓ તો એની પ્રસન્નતા મીટરમાં દેખાય, એનાં પાન વગર કારણે તોડો કે એને કુઠારાઘાત કરો તો એ નારાજ થાય છે, એવા પ્રમાણો વિજ્ઞાનીઓએ સિદ્ધ કર્યા છે. કોઈનામાં ચેતના અતિ સૂક્ષ્મ છે, તો માનવ ભાગ્યશાળી છે કે ચેતના એનામાં પ્રગટ થાય છે. કોઈનો પણ દ્રોહ ન કરો. આ દેશ દરેક પત્થરને શાલિગ્રામ કહેતો રહ્યો. કંકરને શંકર ગણ્યા છે. બધા જ પત્થરને કંઈ પૂજવાની વાત નથી, શિવતત્ત્વ છુપાયેલું છે. હરેક કંકર શંકર છે, શિલા શાલિગ્રામ છે. હિંદુઓ ઘણા બુદ્ધિમાં છે. એમનાં આચાર્યો, અન્વેષકો અદ્દ્ભુત, એમનું અકાટ્ય દર્શન છે, જે સમાજને આપ્યું છે. એવું દર્શન આપનાર સમાજને કોમવાદી કહેવો એ અપરાધ છે. હશે કોઈ જડ વાતો કરે, એ વાત જુદી છે પણ ભારતીય સભ્યતા છે, હિંદુસ્તાની છે, આત્મદર્શન છે. એને મૂળમાં તમે જુઓ. ઉપર ઉપરથી ન જુઓ. સકલ જડ ચેતનમાં પ્રભુ છે. આ બધું રામમય છે. કંઈ ન હોય, પણ પત્થર પર સિંદૂર લગાડી દો તો માણસો પગે લગતા થઈ જાય ! પછી ભયથી કે ગમે તે રીતે, પણ એને એમાં પ્રાણતત્ત્વ દેખાવા માંડે ! અદ્રોહ: સર્વભૂતેષુ મનસા, કર્મણા, ગિરા-મન, કર્મથી કોઈનો દ્રોહ ન કરો તો તમે શીલવાન છો. એવા શીલવંત સાધુને પાનબાઈ, વારેવારે નમીએ ને, બદલે નહિ વ્રતમાન રે… શીલ ન કસ અસ હોહિ ‘ તો શીલની એવી વ્યાખ્યા છે, અદ્રોહ: સર્વભૂતેષુ મનસા, વચસા, ગિરા-મનથી પણ કોઈનો દ્રોહ થાય એવું વિચારવું નહિ; કર્મથી કોઈને ચોટ લાગે એવું વર્તન કરવું નહીં અને વાણીથી પણ કોઈનો દ્રોહ થાય એવું વચન ઉચ્ચારવું નહીં.

એક ફૂલ, એને તમે આમ મસળી નાખો ચૂંટીને, તો જોનારને પણ નહિ ગમે, તમને પણ નહિ ગમે અને ફૂલને શું થતું હશે એ તો ફૂલ જાણે ! ફૂલને આમ ચગદી નાખો તો ફૂલનું શું થતું હશે ? એક સુમનને ચગદવાનું આટલું પાપ લાગે તો માણસના મનને ચગદી નાખો તો એનું કેટલું પાપ લાગે ? કોઈના મનને મુરઝાવી નાખવાનું કેટલું પાપ થાય ? કોઈના મનની હત્યા કરવાનું કેટલું પાપ લાગે ? અને તેથી સત્સંગ કરનારાઓએ મનના વિચારો પણ એવા નહિ કરવા કે કોઈનું મન દુ:ખી થાય; એવી પ્રવૃત્તિ નહિ કરવી, એવું વર્તન નહિ કરવું કે કોઈનો દ્રોહ થાય.
(સંકલન : જયદેવ માંકડ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…