ધર્મતેજ

હિસાબ

ટૂંકી વાર્તા -ડો. હિતા મહેતા

“હિસાબ કરવા આવી જજે.
બાનો કાગળ આવ્યો ને મહેશનાં કપાળે કરચલી પડી, જયારે પણ માનો આ ‘હિસાબ કરવા આવી જજે’વાળો પત્ર આવે એટલે ફરી એક ખર્ચ, ક્યારેક ખોરડું રંગાવવું હોય તો ક્યારેક ડેલી રીપેર કરાવવી હોય તો કયારેક નાના જમણવારનો ખર્ચ હોય.

“કયારેક તો ગામને જમાડવું પડે ને. બધા મારું આખું વર્ષ ધ્યાન રાખતા હોય તો વર્ષે એક વાર તો મારે જમાડવા જોઇને? બા પાસે બધા જવાબ હાજર જ હોય.
પત્ની મનોરમા મહેશને તાકી રહી હતી. ચહેરાની લીપી ઉકેલવા મથી રહી હતી.

મહેશે મનોભાવ છુપાવવા મો પર હાથ ફેરવ્યો, પણ એમ કઇ મનોભાવ થોડા છુપાવી શકાય છે?
“હવે શું કરશો? પત્નીએ પૂછયું.

“જોઉં, જવું તો પડશે જ પત્નીથી નજર ચોરતા મહેશ બોલ્યો.

“હમ…મ મનોરમાનાં અવાજમાં અણગમો હતો.

મનોરમાનો પણ કઇ વાંક નહોતો, મહેશ વિચારી રહ્યો. જિંદગીનાં પચ્ચીસ વર્ષ કરકસરમાં જ કાઢયાં હતાં એણે પ્રાઇવેટ ફર્મની કારકુની મહિનો પૂરો થવા આવે ત્યા જવાબ દઇ દેતી હતી. દીકરી પ્રિતીએ એમ. બી. એ. હમણાં જ પૂરું કર્યું હતું. તેના લગ્નના પડઘમ ગમે ત્યારે વાગે તેમ હતાં. દીકરો નીરવ બારમાં ધોરણમાં હતો. તેણે પણ સાયન્સ લીધું હતું.

બચતના નામે મીંડું હતું, જે થોડી બચત હતી તે નીરવનાં સાયન્સનાં મોંઘા ટયૂશન્સ તથા જીદ્ી યૌવનનાં બાઇકમાં વપરાઇ ગઇ હતી. હવે શું? એ પ્રશ્ર્ન મોં ફાડીને ઊભો હતો.

ત્યાં આ બાનો પત્ર…
એટલી ભગવાનની મહેર હતી કે વીસ વર્ષના શહેરી વસવાટમાં એક બેડ હોલ કિચનનો પોતાનો ફલેટ થઇ શકયો હતો, પરંતુ બાળકો મોટા થતા એ ફલેટ પણ સાંકડો પડતો હતો.

એટલે જ વર્ષો પહેલાં, શહેરમાં પગભર થઇ ગયેલ દીકરાની સાથે હોંશેથી રહેવા આવેલ મહેશનાં બા-વિમળાબા એક જ વર્ષમાં ઘરની સંકડાશન સમજીને પોતાને ગામ જતા રહ્યાં હતાં.

દીકરા-વહુ પણ લાચાર હતાં.

તોયે પોતાની ફરજ રૂપે મહેશ ફિકસ રકમ પોતાની માને મોકલતો હતો ઘરખર્ચ પેટે. વિમળાબાએ દીકરાને એકલે હાથે મોટો કર્યો હતો. મહેશ દસ વર્ષનો હતો ત્યારે તેમના પતિ ટૂંકી બીમારીમાં મૃત્યુ પામ્યાં હતાં. પતિની કરિયાણાની દુકાન અને આવક બંધ થતા થોડા દિવસ તેઓ મૂંઝાયેલા રહ્યાં, પરંતુ તેમનામાં ભરતગૂંથણ તથા સિલાઇકામની ગજબની હાથોટી હતી જેનો ઉપયોગ કરી તેઓ માન તથા સ્વમાન ભેર જીવ્યા અને હજુ જીવતાં હતાં.

“હવે શું કરવું છે? રાત્રે સૂતા પહેલા મનોરમાએ પૂછયું. “શેનું? અજાણ્યા થઇ મહેશે પૂછયું. આવા કોઇ પ્રશ્ર્નની તેની ધારણા હતી જ. “આ બાનુ બોલતા અવાજમાં અણગમો ભળી ગયો “અહીં તાણ્યાય તૂટતા નથી અને થોડા થોડા વખતે બાને ત્યાં સાહેબી જોઇએ છે. ત્યાં એકલા જીવને ખર્ચ શું હોય? ગામડા ગામમાં તો ઓછી આવકમાં પણ પૂરું થઇ જાય. આમ કયાં સુધી ચાલશે?

થોડીવાર મહેશ કઇ બોલે તેની રાહ જોઇ રહી.

મહેશ મૌન રહ્યો.

“તમે કંઇક તો સમજો, દીકરી જુવાન થઇ છે. શહેરમાં લગ્નનો ખર્ચ જ નાખી દે તો ય બાર-પંદર લાખ તો આવે જ. આપણી જરૂરિયાતો ઉપર કાપ મૂકીએ જ છીએ. ને…અ…ને… જાવ છો તો જરાક બાને કાને વાત પણ નાખતા આવજો કે તેમનું મંગલસૂત્ર દીકરીનાં પ્રસંગમાં આપે. આમ પણ હવે તેને પહેરવું તો નથી. પહેલા આપવું કે પછી આપવું. આટલો તો આપણો હક્ક ખરો કે નહીં?


થોડા-થોડા વખતે મનોરમા સાસુનુ મંગળસૂત્ર યાદ કરી લેતી. વિમળાબા પાસે પતિનાં મૃત્યુ બાદ એક માત્ર ઘરેણું મંગળસૂત્ર હતું, જે તેઓ પહેરતાં નહોતાં. જોકે, તેમના અંગ ઉપર એક પણ ઘરેણું નહોતું. આ મંગળસૂત્ર મનોરમાની જીવાદોરી હતી. બાનાં મૃત્યુ બાદ જો મંગળસૂત્ર મળી જાય તો દીકરીનાં લગ્ન પ્રસંગનો ઘણો ભાર હળવો થઇ જાય તેવી ગણતરી તેની વર્ષોથી હતી, પણ ધાર્યા કરતા બાનું આયુષ્ય વધુ નીકળ્યું અને દીકરી લગ્નની ઉંમરની થઇ ગઇ.

‘ઠીક છે. આજે શુક્રવાર છે. રવિવારે નીકળવાની ગણતરી છે.’ કહી મહેશ પડખું ફેરવી ગયો.
***
બસ ગામમાં પ્રવેશી.

મહેશે આજુબાજુ નજર કરી. તે વર્ષમાં એકાદ બે વાર આવી જતો હતો બા પાસે કે વિમળાબા હિસાબ સમજવા તેડાવતા.

આકાશમાં વૈશાખી બપોરનાં એંધાણ વર્તાતા હતા. જોકે, બજાર ધમધમતું હતું. હવે તો ગામ પણ મીની શહેર થઇ ગયું છે. ધુળિયા રસ્તાને બદલે ડામર રોડ, નવા બિલ્ડિંગ અને થોડી સ્વચ્છતા… મહેશ વિચારી રહ્યો.

બસ સ્ટોપે તે ઊતર્યો. સામાનમાં ખાસ કંઇ નહોતું, ફકત એક બેગ હતી.

“એ રામ-રામ મહેશ, આવી ગયો. રસ્તામાં પશાકાકા મળ્યા.

“હા, કાકા, રામ-રામ મહેશ હસીને બોલ્યો “બાને મળવા આવ્યો છું. પછી તો કઇ કેટલાયે પરિચિતોને મળતો મળવો તે પોતાની ડેલીએ પહોંચ્યો.
“લે, દીકરી આવી ગયો.

મહેશને જોતા જ વિમળાબાનાં ચહેરા પર ઉજાસ પથરાઇ ગયો.

મહેશ બાને પગે લાગી ઓસરીનાં હિંચકા પર બેઠો.

‘બા, મજામાં?’ પાણીનો ગ્લાસ હાથમાં લેતા તે બોલ્યો, પણ પાણીનો ગ્લાસ સ્થિર થઇ ગયો. બા ઘણી લેવાઇ ગઇ હતી. મોઢા પર, હાથ પર કરચલીઓ વધી ગઇ હતી તથા આંખો ઊંડી ઊતરી ગઇ હતી. મોઢા પર નૂર ઓછું થઇ ગયું હતું.

“હો…. વ્વે એ જ લહેકાથી વિમળાબા બોલ્યા.

હમમમ, ઉંમર ઉંમરનું કામ કરે જ ને. મહેશને શાંતી થઇ.

મા-દીકરો બન્ને થોડીવાર વાતે વળગ્યા અને વચ્ચે-વચ્ચે આડોશી-પાડોશી મોઢું બતાવી ગયા.

પછી વિમળાબા રસોડામાં પેઠા.

મહેશે ઘરનું અવલોકન કર્યું. સરસ રીતે સજાવેલું ઘર, દીવાલો રંગરોગાન કરેલી એક પણ ડાઘ વીનાની સ્વચ્છ.

ન ઇચ્છા છતાં મહેશથી સરખામણી થઇ ગઇ. પોતાનો ફલેટ વર્ષોથી કલર માગે છે, ક્યાંક પોપડા પણ ઊખડી ગયા છે, પણ પૈસાનો વેંત થતો નથી અને બાનું ઘર… મહેશનાં મો માં થોડી કડવાશ આવી ગઇ. “આ બાનાં ખર્ચ માટે બોલાવ્યો હશે? તેણે મન મક્કમ કર્યું.

જમાવામાં ઘીથી લથબથ શીરો જોઇ વળી એનું કરકસરભર્યું જીવન અને મહિનાનાં અંતે ઘી-દૂધમાં થતો કચવાટ યાદ આવી ગયો અને તે શીરો વધુ ન ખાઇ શકયો. બા આગ્રહ કરતી રહી પણ તેણે આડો હાથ દઇ દીધો. રાત્રે તે હિંચકે બેઠો.

સામે બા બેઠી.

બન્ને આમ જ બેસતા. ખોરડું નાનું હતું. ઓસરી ઉપરાંત એક નાનો રૂમ અને રસોડું, તેથી ઓસરીએ મોકળાશ રહેતી.

“હં બા તારો કાગળ હતો.
“હા. મને થયું કે હિસાબ સમજાવી દઉં…
“બા મહેશનો બંધ છૂટી ગયો. આ થોડા થોડા વખતે હિસાબ, તને કંઇ સમજાય છે કે હું તને પૈસા કેવી રીતે મોકલું છું? મારું મન જાણે છે. નથી પહોંચાતું મારાથી. મારે પણ મારો કુટુંબ-કબીલો છે. મારે પણ મારી જવાબદારીઓ છે. અમે ત્યાં કેમ રહીએ છીએ તે તને ખબર છે? નથી કોઇ મોજશોખ રાખ્યા કે નથી વર્ષોથી કોઇ નવું ફર્નિચર ઘરમાં વસાવ્યું કે નથી રંગરોગાન કરાવ્યા.
મનની અભાવોની આગ જાણે-અજાણે નીકળી જ ગઇ. હતપ્રભ થઇ ગયા વિમળાબા. દીકરો આ રીતે તો આ પહેલા કદી તેની સામે બોલ્યો નહોતો.

“અને બા, આજે કહી દેવા દે, તારી પાસે મંગલસૂત્ર હતું. તે મારી દીકરીના પ્રસંગ માટે આપજે જે મને ટેકો થાય તે…
“એ… તો હવે નથી. માંડ માંડ વિમળાબા ક્ષીણ અવાજે બોલ્યા.

ખલ્લાસ.

ફાળ પડી મહેશના પેટમાં… દીકરીના પ્રસંગની એક આશા હતી તે પણ ગઇ.

‘ન…થી, કયાં, ગયું કયાં?’ મહેશના અવાજની તીવ્રતા વિમળાબા માટે અસહ્ય હતી.

“કેમ એમ પૂછે છે? મંદ અવાજે વિમળાબા બોલ્યા.

“કેમ તે, હું તારી સંભાળ લેતો હોઉં તો આટલું પૂછવાનો મને હક્ક નથી?

“હવે એ કયા ખર્ચ્યા તેનો હિસાબ આપીશ મને? મહેશના અવાજમાં હજુ અકળામણ હતી “હતું કે મંગળસૂત્ર દીકરીના લગ્નમાં કામ આવશે? તું દેતી જઇશ, પણ આજ-કાલ માણસોના આયુષ્ય પણ એટલા લાંબા થઇ ગયા છે કે… એકાએક મહેશ અટકી ગયો. ઉતાવળમાં કઇ વધુ જ બોલાઇ ગયું.

વિમળાબા અવાક થઇ ગયા. મા-દીકરાની આંખો મળી અને મહેશ તે આંખોને સહન ન કરી શકયો. ઊભા થઇ અંદરના ઓરડામાં જઇ દરવાજો બંધ કરી દીધો. વિમળાબા પત્થર બની ગયા. પૂતળાની જેમ ત્યાં જ બેસી રહ્યાં. ખબર નહીં કેટલા કલાક આમ જ પસાર થયા. તેનામાં ઊભા થવાની તાકાત જાણે હણાઇ ગઇ. તેમણે ધ્રૂજતા હાથે હિંચકાની સાંકળ પકડી ઊભા થવાનો પ્રયત્ન કર્યો. માંડ ઊભા થયા અને હિંચકા પર જ દાબ દઇ બેસી પડયાં અને ત્યાં જ સૂઇ ગયાં.
***
અને વિમળાબાનું હાડ બેસી ગયું.

આયુષ્ય પૂરું થતું હોય કે આઘાત-ગમે તે હોય પણ બીજે દિવસે સવારે વિમળાબા ઊઠયા જ નહીં. મો પર ગજબની શાંતી હતી, પરંતુ એટલી જ અશાંતી મહેશના હૃદયમાં હતી. ગામ આખું ભેગું થઇ ગયું હતું. હજુ કાલ સુધી હાલતા ચાલતા હતાં. વિમળાબાનાં વહુ છોકરાવ અહીં આવવા નીકળી ગયાં હતાં.

આ બધાથી પર મહેશ જાણે નિષ્પ્રાણ થઇ ગયો હતો. બાનાં મૃત્યુમાં કયાંક પોતે નિમિત્ત બન્યાનો ખટકો કાળજુ કોરી ખાતો હતો. શૂન્ય નજરે તે બધુ જોયા કરતો હતો, પરંતુ જયારે વિમળાબાની અર્થી ઊઠી ત્યારે તે ધોધમાર ચોધાર આંસુએ રડી પડયો. તેને સંભાળવાવાળા ઓછા પડયા.

અંતે વિમળાબા રાખમાં ભળી ગયા.

સાંજે બન્ને પતિ-પત્ની ઓસરીએ બેઠા હતા. ગામ લોકોની અવરજવર ચાલુ જ હતી. બન્ને બાનાં કારજના ખર્ચની ચિંતામાં હતાં. ગામડા ગામમાં હજુ રિત રિવાજો વધારે હતા. મહેશ વિચારતો હતો અત્યારે પશાકાકા પાસેથી ઉછીના પૈસા લઇ લઇશ. પછી ખોરડું વેંચી પાછા આપી દઇશ.

ત્યાં તો પશાકાકા જ હળવેથી મહેશ પાસે આવ્યા અને ધીમેથી તેના કાનમાં ફૂંક મારી. “મહેશ, આ ટાણુ આવી વાત કરવાનું નથી પણ આપણા ગામમાં ધીરધારનું કામ કરતા રતીલાલ શેઠ પાસે દર મહિને તારી બા જતી. આ શેઠિયાએ જો ખોરડું ગીરવે લીધું હશે તો તારી મોકલાતી રકમ રતિલાલને વ્યાજ પેટે જ જતી હશે. અને વ્યાજ ભરી-ભરીને જ મરી ગઇ હશે. જો જે શેઠિયાનું જલદી તેડું આવશે એ કોઇને છોડે તેવો નથી.

મહેશનાં મોતીયા મરી ગયા. ખોરડું પણ જાશે તો બાનું કારજ પણ કેમ થશે? બાજુમાં બેઠેલી મનોરમા પણ સાંભળી ગઇ. તેનું મો પણ ફિક્કું પડી ગયું.

અને થયું પણ એમ જ. અનુકૂળતાએ શેઠને મળી જજો. શેઠનો નોકર આવીને કહી ગયો.

મહેશના મોતીયા મરી ગયા. છતાં બીજે દિવસે હિમ્મત ભેગી કરી તે શેઠની હવેલીએ પહોંચ્યો.

‘આવ મહેશ’ શેઠે મહેશને આવકારતા કહ્યું “વિમળાબા ગયા તેનું મને દુ:ખ છે. ખૂબ ગુણવાન હતા તેઓ.
મહેશ મૂળ વાતની રાહ જોઇ રહ્યો. કદાચ બાનું મંગળસૂત્ર પણ વ્યાજમાં જ ગયું હશે.

જો મહેશ, ધ્યાનથી સાંભળ, તું જે રકમ તારી બાને મોકલતો હતો તે તારી બા દર મહિને મારી પાસે જમા કરાવી જતી હતા. તેનાં પર વ્યાજ સાથે કુલ રકમ દસ લાખ જેવી થઇ ગઇ છે, જે તને પરત સોંપું છું. બોલતા બોલતા શેઠે ખાનામાંથી રોકડા તથા હિસાબના કાગળ કાઢયા.

“આ રહ્યો બેટા હિસાબ, મેં તૈયાર જ રાખ્યું હતું.

સ્તબ્ધ થઇ ગયો મહેશ. જાણે તેની વાચા જ હરાઇ ગઇ.

“તો શેઠ ભાંગતા અવાજે મહેશે પૂછી નાખ્યું “મારી બાએ ખોરડું ગીરો નહોતું મૂકયું? તેનું વ્યાજ દેવા નહોતી આવતી?

“અરે ભલા માણસ, મૂકયું હતું ને ખોરડું ગીરો, વર્ષો પહેલા તારા કૉલેજનો ખર્ચ કાઢવા… તું તો શહેરમાં કૉલેજ કરતો હતો, તેને કયાંથી ખબર હોય? પણ બાઇ ઘણી સમજુ હતી એકવાર મંગલસૂત્ર આપી પોતાનું ખોરડું છોડાવી દીધું. મને કહેતા પણ ગયાં-બાપ-દાદાની એક માત્ર નીશાની થોડી જવા દેવાય? મંગળસૂત્રનું તો મારે કરવું છેય શું? મારા દીકરા ઉપર ખોરડું છોડાવવાનો ભાર નાખીને જઉં તો ઉપર એના બાપને શો જવાબ આપું?

શેઠ હજુ બોલવા જતા હતા પણ અટકી ગયા, કારણ કે મહેશે ત્યાં જ ફસડાઇ પડયો હતો અને ચોવીસ કલાકમાં બીજી વાર તે ધોધમાર છૂટા મોં એ, ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તારક મહેતાની સોનૂનું કમબેક લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર