બિઝનૅસ ટૅક્સેશનની સમગ્ર યંત્રણા સરળ બનાવવા નિતિ આયોગના સભ્યની રજૂઆત
નવી દિલ્હી: વ્યક્તિગત વેરાની જેમ વ્યાપારી (બિઝનૅસ) વેરાની સમગ્ર યંત્રણા સરળ બનાવવાની આવશ્યકતા હોવાનું નિતિ આયોગનાં સભ્ય અરવિંદ વિરમાણીએ જણાવતાં ઉમેર્યું હતું કે નિર્પેક્ષ આકારણી (ફેસલેસ એસેસમેન્ટ) દરેક કિસ્સાઓમાં કારગત ન નિવડી શકે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઘણાં મોટો કોર્પોરેશન્સ તરફથી સાંભળવા મળે છે કે અમુક સમયે નિર્પેક્ષ આકારણીમાં અમુક પ્રકારની અવગણના જોવા મળે છે કેમ કે બિઝનૅસમાં ઘણી વખત પ્રત્યેક ખર્ચ અંગેના નિર્ણયો લેવા પડતાં હોય છે. તેમ જ વ્યાપારી વેરાઓ સ્વભાવિકપણે સમસ્યારૂપ હોવાથી અમુક સમયે તમારે તેને સમજાવવા પડે.
વધુમાં વિરમાણીએ નોંધ્યું હતું કે વ્યાપારી વેરા એટલે માત્ર કોર્પોરેટ ટેક્સ નહીં, પરંતુ એ વ્યક્તિગત વેરાનો પણ એક ભાગ હોય છે. આમ ૮૦ ટકા કિસ્સાઓમાં તમે નિર્પેક્ષ આકારણી કરી શકો, પરંતુ તેમાં ૧૦ ટકા જેટલી સમસ્યા આવી શકે. મારું મંતવ્ય એ છે કે વ્યાપારી વેરાની સમગ્ર યંત્રણાનું સરળીકરણ થવું જોઈએ. તાજેતરમાં સરકારે ભારતમાં આવક વેરાનું સરળીકરણ કર્યું છે.
ભારતનાં યુરોપિયન યુનિયન, અમેરિકા અને યુનાઈટેડ કિંગ્ડમ સાથેના મુક્ત વેપાર કરાર પર સહીસિક્કા અત્યંત મહત્ત્વના હોવાનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો. તેમ જ તેમણે યુવા બેરોજગારી અંગેના એક પ્રશ્ર્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું હતું કે કૃષિ વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૨૧-૨૨ દરમિયાનના સમયગાળામાં કામદારોની સહભાગીતામાં વધારો થયો છે. તમે પીરિયોડિક લેબર ફોર્સ સર્વેનાં ડેટા ચકાસશો તો ધ્યાન આવશે કે કૃષિ વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૨૧-૨૨ દરમિયાન વેતનમાં અંદાજે પાંચ ટકા જેટલો વધારો થયો છે.
આ ઉપરાંત યુપીએ સરકારના ૧૦ વર્ષ (૨૦૦૪થી ૨૦૧૪) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના નવ વર્ષની તમે કેવી રીતે સરખામણી કરો છો એવું પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ફુગાવા સહિતનાં સુક્ષ્મ આર્થિક ડેટાઓને ધ્યાનમાં લેતાં મોદી સરકારની કામગીરી યુપીએ સરકાર કરતાં સારી રહી છે.