વેપાર અને વાણિજ્ય

સોનામાં ₹ છનો સાધારણ સુધારો, ચાંદી ₹ ૩૧ નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે આજે મોડી સાંજે જાહેર થનારા ફુગાવાના ડેટા પર રોકાણકારોની નજર હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, વર્તમાન ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૧.૨ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. તેમ જ ચાંદીના ભાવમાં પણ ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલો વચ્ચે સ્થાનિક ઝવેરી બજારમાં પણ પાંખાં કામકાજો વચ્ચે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. છનો સાધારણ સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૧નો મામૂલી ઘટાડો નોંધાયો હતો.

આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૧ના સાધારણ ઘટાડા સાથે રૂ. ૬૯,૩૧૨ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. છના સાધારણ સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૯૯૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૨૪૧ના મથાળે રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વે બે ટકા ફુગાવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને આ લક્ષ્યાંક હાંસલ થતાં નાણાનીતિ હળવી થવાની શક્યતા બળવત્તર બને છે. આથી રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર સ્થિર હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૦૩૦.૬૨ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ૨૦૩૮.૮૦ ડૉલર તથા હાજરમાં ચાંદીના ભાવ ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૩૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં ફેડરલના અમુક અધિકારીઓએ જણાવ્યું હતું કે લક્ષ્યાંકિત ફુગાવો હાંસલ કરવામાં હજુ થોડો સમય લાગશે, પરંતુ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા નકારી ન શકાય. અગાઉ ટ્રેડરો વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ પાંચ વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા મૂકી રહ્યા હતા, તેની સામે હવે માત્ર ત્રણ વખત ઘટાડાનો અંદાજ મૂકી રહ્યા છે. તે જ પ્રમાણે અગાઉ મે મહિનાથી વ્યાજદરમાં કપાત શરૂ થવાની ધારણા સામે હવે જૂન મહિનાથી કપાત શરૂ થવાની ધારણા મૂકી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વહેલાસર કપાતની આશા પર પાણી ફરી વળતા સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ ઘટીને જુલાઈ, ૨૦૧૯ પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…