સોનામાં ₹ ૪૩નો સુધારો, ચાંદી ₹ ૧૯ નરમ
મુંબઈ: ગત સપ્તાહે અમેરિકા ખાતે બેરોજગારી ભથ્થુ મેળવનારાઓની અરજીની સંખ્યામાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો થવાને કારણે વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા ધૂંધળી બનવાની સાથે આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો અને વાયદામાં ભાવ ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીમાં પણ ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારમાં સોનામાં સુધારો ધીમો પડતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૩નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં પાંખાં કામકાજે કિલોદીઠ રૂ. ૧૯નો ઘટાડો આવ્યો હતો. આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લે-વેચનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૯ના સાધારણ ઘટાડા સાથે રૂ. ૭૩,૦૪૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પાંખી રહી હોવા છતાં વૈશ્ર્વિક બજારનાં પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો પડતાં આયાત પડતર વધી આવતાં હાજરમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૩ના સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૧૯૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૪૩૭ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૯૯૪.૦૯ ડૉલર અને વાયદામાં ભાવ ઔંસદીઠ ૧૯૯૪.૮૦ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા. ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪થી વ્યાજદરમાં કાપ મૂકશે એવા આશાવાદે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ રહેતાં સોનાના ભાવમાં તેજીનો કરંટ રહેતાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૦.૭ ટકાનો વધારો આવ્યો છે. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૬૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં અમેરિકી ફેડરલ રિઝર્વની જાહેર થયેલી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં બહુધા નીતિઘડવૈયાઓ હાલની વ્યાજદરની સપાટી જાળવી રાખવા સહમત થયાના નિર્દેશો હતા. જોકે, ગત સપ્તાહનાં બેરોજગારી ભથ્થુ મેળવવા માટેની અરજીઓની સંખ્યામાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો થતાં પુન: વર્ષ ૨૦૨૪માં વ્યાજદરમાં કપાત શરૂ થવાની શક્યતા ધૂંધળી બનતાં સોનામાં સુધારો ધીમો પડ્યો હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું. ઉ