મેટિની

હિન્દીમાં હીરોઈન હોલિવૂડમાં ઝીરોઈન

‘મિસ વર્લ્ડ’નોખિતાબ કે હિન્દી ફિલ્મ ઉદ્યોગની ટોપ સ્ટાર જેવી સફળતા હોલિવૂડમાં કામ મેળવવામાં પ્રિયંકા ચોપડાને જરાય કામ નહોતા લાગ્યા.

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘લોરેન્સ ઓફ અરેબિયા’ (૧૯૬૨)ના કામ કરવાની દિલીપ કુમારેના પાડ્યા પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ ‘મારું બોલિવૂડ છે રૂડું, હોલિવૂડ નહીં રે આવું’ ગાણું ગાયું છે અને વિદેશી ફિલ્મોને વહાલી નથી કરી.

જો કે, ૨૧મી સદીમાં ઐશ્ર્વર્યા રાય, અમિતાભ બચ્ચન, ઈરફાન ખાન, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ સુધીના કલાકારોએ હોલિવૂડમાં હાથ અજમાવી જોયો છે. આ યાદીમાં એક નામ છે પ્રિયંકા ચોપડા – જોનાસનું. અન્ય કલાકારોની સરખામણીએ શ્રીમતી ચોપડા-જોનાસ હોલિવૂડમાં વધુ વ્યસ્ત છે. કહો કે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લગભગ રામ રામ કરી વિદેશની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તેણે વહાલી કરી દીધી છે.

આ અભિનેત્રીએ ‘ક્વોન્ટિકો’ સાઈન કરી એને દસકો વીતી ગયો છે અને આજની તારીખમાં એની બોલિવૂડની ડાયરીનાં પાનાં કોરાકટ છે, જ્યારે હોલિવૂડમાં બે ફિલ્મ અને એક ટીવી સિરીઝ સાથે એનું નામ જોડાયેલું છે. કામ- નામ ને દામ મળી રહ્યા હોવાથી પ્રિયંકા માટે હવે ‘હોલિવૂડ ઈઝ હોમ’ જેવી પરિસ્થિતિ છે.

અલબત્ત, મિસ ચોપડા માટે અત્યારે જે સ્થાને પહોંચી છે ત્યાં સુધીની મજલ આસાન જરાય નહોતી. બલકે કપરાં ચડાણ હતાં. ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. ખુદ પ્રિયંકાએ આ વાત શબ્દો ચોર્યા વિના તાજેતરમાં એક મુલાકાતમાં જણાવી છે.

ઘર આંગણે ગમે એટલી સફળતા – નામના – કીર્તિ મેળવ્યા હોય એ બધી મૂડી આંગણાની બહાર એટલે કે વિદેશમાં કામ નથી આવતી એ અભિનેત્રીની વાતમાં સાફ સાફ સમજાઈ જાય છે. ટૂંકમાં હોલિવૂડ ખાવાના ખેલ નથી. કદાચ એટલે જ હિન્દી ફિલ્મઉદ્યોગના અનેક નામી અને અનામી કલાકારો એનાથી છેટું રાખવાનું પસંદ કરે છે. પ્રિયંકાએ તો હોલિવૂડને જ કર્મભૂમિ બનાવી હોવાથી હવે પાછું વળીને જોવાને અવકાશ જ નથી. હા, વારે- તહેવારે પીસી (એનું હુલામણું નામ) ભારત દર્શને આવે છે. વિજ્ઞાપન વગેરે કરે છે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાણો ચાંપી જુએ છે, પણ વાત વાતચીતના દોરથી આગળ વધી હોવાનાકોઈ વાવડ નથી.

પ્રિયંકા ચોપડાનું તાજેતરનું એકરારનામું વિદેશની ભૂમિ પર વાવટો લહેરાવવા ઉત્સુક કલાકારોમાટે એક સંદર્ભ તરીકે ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. પ્રેરણા પૂરી પાડી શકે એમ છે અને નવી પાટી પર નવો એકડો ઘૂંટવાનોહોય ત્યારે બધા પ્રયાસ નવેસરથી કરવા પડે છે એની સમજણ પૂરી પાડે છે. હિન્દી ફિલ્મોમાં ટોપ હીરોઈને જેવી નામના હોલિવૂડમાં ઝીરો સાબિત થતી હોય છે.
૧૮ વર્ષની ઉંમરે ૨૦૦૦ની સાલની સૌંદર્ય સ્પર્ધામાં ‘મિસ વર્લ્ડ’નો ખિતાબ મેળવનારીપીસીનાનામનાડંકા હિન્દી ફિલ્મજગતમાં ‘અંદાઝ’ (૨૦૦૩)થી સંભળાવાના શરૂ થયા. દસ વર્ષમાં અભિનેત્રી એની બ્યુટિ કોન્ટેસ્ટમાં પાછળ રાખી દેનારી ‘મિસ યુનિવર્સ’ લારા દત્તા કરતાં હિન્દી ફિલ્મોમાં ઘણી આગળ વધી ગઈ. ટોચન બેનર, ટોચના એક્ટર સાથે ફિલ્મો કરી, પણ અચાનક ૨૦૧૭માં એણે પશ્ર્ચિમની બારી ખોલી અનેપહોંચી ગઈ હોલિવૂડ. બધું અચાનક – અણધાર્યું બની ગયું.

ગયા વર્ષે હોલિવૂડ હેંડવાના નિર્ણય પાછળની હકીકત એણે જાહેર કરી હતી : મારે ફિલ્મો કરવી હતી, ચેલેન્જિંગ રોલ કરવા હતા, પણ મને લાગ્યું કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હું હાંસિયામાં ધકેલાઈ રહી છું. કોઈ મને સાઈન કરવા નહોતું માગતું. કેટલાક લોકો સાથેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. મને પોલિટિક્સ રમતા નથી આવડતું અને એટલે હુંકંટાળી ગઈ. એવામાં યુએસથી મ્યુઝિક વીડિયોનીઓફર આવી અને મેં એ તક ઝડપી લીધી.

જો કે, સંગીતના સૂરમાં મેળ પડ્યો નહીં અને કોઈએ યુએસમાં એક્ટિંગ માટે કોશિશ કરવાની સલાહ આપી. અમેરિકન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની ‘ક્વોન્ટિકો’ ટીવી સિરીઝમાં કામ મળ્યું અને ઉતરી ગયેલી ગાડી વિદેશી પાટા પર ફરી ચાલતી થઈ. અત્યારે એની ‘હેડ્સ ઓફ સ્ટેટ’ નામની અમેરિકન ફિલ્મનું શૂટિંગ ચાલુ છે અને બીજા પ્રોજેક્ટ પર વાતચીત ચાલી રહી હોવાનું પ્રિયંકા જણાવે છે.
અલબત્ત, અત્યારે એ જે સ્થાને છે ત્યાં સુધી પહોંચવા આકરો સંઘર્ષ કરવો પડ્યો છે. જે આંતરરાષ્ટ્રીય મેગેઝિનની ભારતીય આવૃત્તિમાં એને રાજવી શૈલીનું કવરેજ મળ્યું હતું એ જ મેગેઝિનની અમેરિકન આવૃત્તિના કવર પૃષ્ઠ પર ચમકવા પ્રિયંકાએ લોઢાના ચણા ચાવવા પડ્યા હતા. આ ઉપેક્ષાથી પ્રિયંકાને માઠું જરૂર લાગ્યું હતું, પણ એ નિરાશ ન થઈ, હિંમત ન હારી બેઠી.
કેવેનો જેમ્સ નામના મિત્રના પોડકાસ્ટમાં આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપડા – જોનાસે નિખાલસ પણે જણાવ્યું છે કે હોલિવૂડમાં પગ જમાવવા એણે ખૂબ મહેનત કરી છે. પોતે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોચની અભિનેત્રી હતી એટલે વિદેશમાં સંઘર્ષ નહીં કરવાની એવી ગેરસમજથી ખાસ્સી દૂર રહી છે. કોઈ પણ રસ્તે આગળ વધો ત્યારે વિઘ્નો તો આવ્યા વિના રહે નહીં. એ વિધ્નોથી ગભરાવાનું નહીં, મૂંઝાઈ નહીં જવાનું. બલકે એનાથી બચી આગળ કેમ વધી શકાય એનો વિચાર કરતા રહેવાનો. હિન્દી ફિલ્મઉદ્યોગમાં એટલો બધો જાકારો સહન કર્યો છે કે વિદેશી વાંધા વચકાથી એ ભાંગી ન પડી, નિરાશ ન થઇ.

પ્રિયંકાના જ શબ્દો છે કે ‘મને સમજાઈ ગયું કે મારે એકડે એકથી શરૂઆત કરવાની છે. મેં એ પ્રમાણે કર્યું. મારા દેશમાં એક મેગેઝિનના કવર પર હું છ વાર ચમકી હતી અને યુએસમાં મેગેઝિનવાળા મારી સાથે મીટિંગ ગોઠવવા પણ તૈયાર નહોતા. બહુ કપરો સમય હતો, પણ મેં એ સમય સ્વીકારી લીધો. હું ખૂબ મહત્ત્વાકાંક્ષી છું. ઝડપથી આગળ વધવામાં માનું છું અને દરેક સમસ્યાનો ઉકેલ મારી પાસે હોય છે એવું માનું છું. ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય કે ઉકેલ મળે જ નહીં. ત્યારે એ વાત પડતી મૂકી દેવાની.’

‘ન્યૂ યોર્કમાં વિતાવેલા પ્રારંભના દિવસો કેવા એકલવાયા અને નિરૂત્સાહ કરનારા હતા’ એનો ઉલ્લેખ કરી અભિનેત્રી જણાવે છે કે ‘મન ભરાઈ આવ્યું હોય, રાતના ઊંઘ ન આવતી હોય ત્યારે બે વાગ્યે કોઈને ફોન કરી મન હળવું કરી શકાય એવો સમ ખાવા પૂરતો એક મિત્ર પણ નહોતો. નવાસવા લોકો માટે ન્યુ યોર્કમાં રહેવું આસાન નથી. અનેક પડકારોનો સામનો કરવાનો હોય છે.’
જો કે, મુશ્કેલીઓમાંથી જ માર્ગ શોધી કાઢવાની કુશળતા પ્રિયંકામાં પહેલેથી જ છે. અભિનેત્રી ‘પ્રોબ્લેમ સોલ્વર’ (સમસ્યાનો ઉકેલ લાવનાર) વ્યક્તિ તરીકે જાણીતી છે. સ્વભાવનું આ લક્ષણ પ્રિયંકા માટે યુએસમાં આશીર્વાદ સાબિત થયું. કોઈ પાસા અવળા પડે તો હતાશ થયા વિના અન્ય સંભાવનાની દિશામાં આગળ વધતી રહેતી. હિંમત હાર્યા વિના આગળ વધતા રહેવું એ ભારતીય લાક્ષણિકતા છે અને એના જોરે જ એ નવા મુકામે પહોંચી શકી છે.

ડિસેમ્બર ૨૦૧૮માં તો પ્રિયંકા અમેરિકન સિંગર-એક્ટર નિક જોનાસ સાથે પરણી ગઈ અને આજની તારીખમાં બે વર્ષની દીકરી છે. અંગત અને વ્યાવસાયિક જીવનની વિષમતાને પ્રિયંકા પાછળ છોડી આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button