ઉત્સવ

ખરેખર હવે આ લોકો નહીં સુધરે…?

ચૂંટણી ટાંકણે જ શાસક પક્ષના અગ્રણીઓ સામે ‘મૌત કે સોદાગર.. ચાયવાલા… નીચ આદમી….’ જેવા અપમાનજનક શબ્દપ્રયોગો કરીને કોંગ્રેસીઓ સામે ચઢીને બદનામ થવા ઉપરાંત મતદારોની સહાનુભૂતિ પણ ગુમાવતા આવ્યા છે.

કવર સ્ટોરી -વિજય વ્યાસ

લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે જ ‘ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ’ના પ્રમુખ સામ પિત્રોડાએ વારસાઈ ટેક્સ વિશે નિવેદન કરીને ભાંગરો વાટી નાખ્યો છે. પિત્રોડાએ દાવો કર્યો છે કે, અમેરિકામાં વારસામાં મળતી મિલકતો પર ૫૦ ટકા વારસાઈ ટેક્સ’ લાગે છે અને આ ખૂબ જ રસપ્રદ કાયદો છે. ભારતમાં એવો કોઈ કાયદો નથી, પણ મને લાગે છે કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ…’

ભાજપે આ વાતને આબાદ રીતે ટ્વિસ્ટ આપીને -એને બીજી રીતે રજૂ કરીને ‘કોંગ્રેસ હવે દેશમાં વારસાઈ ટેક્સ લાવવા માગે છે અને તમે સંતાનોને સંપત્તિ આપી જાઓ તેના પર પણ ટેક્સ લગાવીને લૂંટ કરવા માગે છે…’ એવો પ્રચાર શરૂ કરીને કોંગ્રેસીઓની વાટ લગાવી દીધી છે.

રાહુલ ગાંધીએ લોકોની સંપત્તિનો સર્વે કરવાની વાત કરી તેને તોડીમરોડીને ભાજપ એ રીતે રજૂ કરેલી કે, ‘કોંગ્રેસ સત્તામાં આવશે તો હિંદુઓ પાસેથી સંપત્તિ પડાવીને મુસ્લિમોને આપશે.’ મોદીએ કહેલું જ કે, કોંગ્રેસ લોકોની લૂંટેલી સંપત્તિ ઘૂસણખોરોને આપી દેશે, મારી માતાઓ અને બહેનોનું સોનું-ચાંદી વધારે બાળકો છે એમને આપી દેવાશે ને કોંગ્રેસ તમારાં મંગળસૂત્ર પણ છીનવી લેશે.
હવે પિત્રોડાએ ભાંગરો વાટતાં નરેન્દ્ર મોદીએ એ વાતને પકડીને કહી દીધું કે, કોંગ્રેસે માતા-પિતા પાસેથી મળેલી વારસાગત સંપત્તિ પર પણ ટેક્સ લગાવવાની છે એ જોતાં કોંગ્રેસની સરકાર આવશે તો તમે તમારી મહેનતથી જે સંપત્તિ ભેગી કરો છો તે તમારાં બાળકોને નહીં મળે, પણ કોંગ્રેસના પંજા છીનવી લેશે… કોંગ્રેસનો મંત્ર છે : જિંદગી કે સાથ ભી,જિંદગી કે બાદ ભી… જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી કોંગ્રેસ તમને ભારે ટેક્સ લાદીને મારશે ને મર્યા પછી તમારી સંપત્તિ લૂંટીને તમારાં સંતાનોને મારશે.

ભાજપના આ પ્રહારો પછી કોંગ્રેસના નેતા બચાવ કરી રહ્યા છે પણ તેનો હવે અર્થ નથી. ચૂંટણી વખતે જ પિત્રોડાએ બકવાસ કરીને ભાજપને એક મુદ્દો આપી દીધો છે ને ભાજપ તેનો પૂરો કસ કાઢીને જ જંપશે.

કોંગ્રેસીઓએ આ પ્રકારના બકવાસ કરીને ભાજપ અને નરેન્દ્ર મોદીને સામે ચાલીને મુદ્દા આપી દીધા હોય એવું આ પહેલી વાર નથી બન્યું.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તેના થોડા મહિના પછી ગોધરામાં ‘સાબરમતી એક્સપ્રેસ’ના એસ-૬ કોચને સળગાવી દઈને ૫૮ કારસેવકોને મોતને ઘાટ ઉતારવામાં આવેલ. તેની પ્રતિક્રિયારૂપે ગુજરાતમાં ફાટી નીકળેલાં કોમી તોફાનોમાં મુસ્લિમોના ચોક્કસ વિસ્તારોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવેલાં,જેમાં મોટા પાયે હત્યાઓ થઈ હતી.

એ ઘટના પછી કોંગ્રેસે નરેન્દ્ર મોદીના ઈશારે મુસ્લિમોની કત્લેઆમ થઈ છે એવો આક્ષેપ કરીને મોદીને મુસ્લિમોના હત્યારા ગણાવતો કુપ્રચાર જોરશોરથી શરૂ કરી દીધેલો. ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે રમખાણોના મોટો મુદ્દો બનાવેલો. એ વખતે સોનિયા ગાંધીએ મોદી માટે ‘મૌત કા સૌદાગર’ શબ્દો વાપરેલા. આ શબ્દોને પકડીને મોદીએ વિધાનસભાની ચૂંટણીનો તખ્તો જ પલટી નાંખેલો ને કોંગ્રેસને એ ભૂલ બહુ ભારે પડેલી. ૨૦૦૭ની ચૂંટણીમાં ‘મિયાં મુશર્રફ’ના નામે મોદીએ એ જ ખેલ કરેલો,જે કોંગ્રેસ માટે જબરો હાનિકારક પૂરવાર થયેલો.

૨૦૦૮માં માલેગાંવમાં બોમ્બ બ્લાસ્ટ થયેલા ત્યારે કોંગ્રેસની સરકાર હતી. એ વખતે પ્રજ્ઞા ઠાકુર સહિતનાં હિંદુવાદીઓને બ્લાસ્ટ માટે જવાબદાર ગણાવીને કોંગ્રેસના દિગ્વિજયસિંહ અને ચિદમ્બરમ સહિતના નેતાઓએ ‘સેફ્રન ટેટર’ એટલે કે ‘ભગવા આતંક’ શબ્દો વાપરેલા. મણિશંકર ઐયર સહિતના નેતાઓએઆતંકવાદી હફિઝ સઈદને હફિઝ સાહેબ કહીને સંબોધેલા. ઐયરે પણ ભારતમાં ‘હિંદુ આતંકવાદ વકર્યો છે’ તેવા શબ્દો પણ વાપરેલા.

મણિશંકર ઐયરે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીને ‘ચાયવાલા’ કહીને જોરદાર બફાટ કરેલો. ઐયરે એવો લવારો કર્યો હતો કે,એકવીસની સદીમાં મોદી વડા પ્રધાન નહીં બની શકે પણ મોદી અહીં ચા વેચવા માગતા હોય તો અમે એમના માટે ચોક્કસ જગા શોધીકાઢીશું.’ મોદીએ આ વાતને પકડી લઈને લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો ગજાવ્યો હતો ને કોંગ્રેસને એ ભારે પડી ગયેલું.ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ‘ચાયવાલા’ અને ‘સેફ્રન ટેરર’ના મુદ્દાને બરાબર ચગાવેલા. કોંગ્રેસ મુસ્લિમોને ખુશ કરવા માટે હિંદુઓ પર આતંકવાદી હોવાનું લેબલ લગાવી રહી છે એ મુદ્દાએ ભાજપને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવેલી.

આવા સંખ્યાબંધ ભાંગારા વાટ્યા પછી પણ કોંગ્રેસની નેતાગીરીમાં પણ અક્કલ ના આવી તે ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીને ‘નીચ કિસમ કા આદમી’ગણાવી દીધા હતા. ઐયરે એવા શબ્દો વાપરેલા કે ‘યે નીચ કિસમકા આદમીહૈ ઔર ઈસ મેં સભ્યતા નહીં હૈ’. ભાજપે એ વાતને ટ્વિસ્ટ કરી નાંખીને ઐયરે મોદીને નીચ કહ્યા છે’ તેવો દેકારો
શરૂ કરી દીધો. મોદી ગરીબ પરિવારમાંથી આવે છે ને પછાત વર્ગના છે તેથી કોંગ્રેસ એમને ગાળો આપે છે’ તેવું એલાન પણ ભાજપે કરી નાખ્યું. મોદીએ એ વખતે સુરતની ચૂંટણી સભામાં જાહેર કરી દીધું કે, કોંગ્રેસે મન ેનીચલી જ્ઞાતિનો કહ્યો છે ને ગુજરાતીઓ તેનો જવાબ ઈવીએમથી આપશે…! મોદીએ આ લવારાને ગુજરાતનું અપમાન ગણાવ્યું ને કોંગ્રેસીઓ હલકી કક્ષાએ ઉતરી આવ્યા છે તેવું નિવેદન પણ ફટકારી દીધું હતું.

    ઐયરના બફાટના કારણે ભીંસમાં આવી ગયેલી કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ કરવા ઐયર પાસે માફી મગાવી હતી. ઐયરે માફી માગતી વખતે પોતાના બફાટ માટે પોતાના હિન્દી ભાષાના અજ્ઞાનને જવાબદાર ગણાવીને લૂલો બચાવ કરેલો કે પોતે અંગ્રેજીમાં એક શબ્દનો અનુવાદ કર્યો તેમાં આવો  લોચો થઈ ગયો... જો કે,  ઐયરની માફી પહેલાં જે નુકસાન થવાનું હતું તે થઈ ગયું હતું.

    આ અનુભવ પછી પણ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ મોદીને ‘ચોર’ ગણાવેલા. મોદી પોતાને દેશની સંપત્તિના ચોકીદાર ગણાવતા તેના સંદર્ભમાં રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર હૈ ’ એ સ્લોગન રમતું કરી દીધેલું. એ બફાટ પણ કોંગ્રેસને લમણે લાગ્યો હતો. . મોદીને રાહુલે ચોર કહ્યા એ મતદારોને  પસંદ ના આવ્યું તેથી ભાજપને ૩૦૦થી વધારે બેઠકો આપી દીધેલી.

આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ વાસ્તવમાં કોંગ્રેસના નેતાઓના લવારાના કારણે ભાજપને દરેક ચૂંટણીમાં આવા મુદ્દા મળી જ જાય છે ને છતાં કોંગ્રેસીઓમાં અક્કલ નથી આવતી. કોંગ્રેસીઓના આવા એલફેલ લવારાના કારણે ભાજપને દરેક ચૂંટણીમાં ફાયદો થાય છે, છતાં કોંગ્રેસીઓ સુધરતા જ નથી. કોઈ વ્યક્તિ મૂર્ખામી કરે એને માટે ‘સામેથી પગ પર કુહાડી મારવી’ એવો શબ્દ પ્રયોગ થાય છે, જયારે કોંગ્રેસીઓ તો પોતાના જ પગ માટે સામેથી કુહાડી જ શોધતા હોય એવું લાગે છે.

કોંગ્રેસ પક્ષાની તકલીફ એ છે કે, ભાજપના નેતા આવો લવારો કરે તેનો ફાયદો ઉઠાવતાં તેને નથી આવડતું.ભાજપના હીરાલાલા રાજગર નામના નેતાએ લવારો કરેલો કે, સોનિયા – રાહુલ ગાંધીનાં કપડાંકાઢીને નગ્ન કરીને ઈટાલી મોકલી દેવાં જોઈએ.’ ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી દલિતો ઘરે જતા હતા ત્યારે બાબા રામદેવે એવી કોમેન્ટ કરેલી કે, રાહુલ ગાંધી દલિતોના ઘરે પિકનિક અને હનીમૂન મનાવવા જાય છે.’

આ અને આવા તો બીજા અનેક તેજાબી લવારાઓ થયા હોવા છતાં એને કોંગ્રેસ કયારેય મોટા મુદ્દા નથી બનાવી શકી… એ દેશના આ સૌથી જૂના પક્ષ માટે વિધિની વક્ર્તાજ ગણાયને ?!

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત