સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારની તપાસ છ રાજ્યમાં ફેલાઈ
પંજાબથી પકડાયેલા બન્ને આરોપીને 30 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારના કેસની તપાસ છ રાજ્યમાં ફેલાઈ હોવાથી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ રાજ્યોમાં મોકલવામાં આવી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે. ગોળીબાર કરનારા બન્ને શૂટરને શસ્ત્રો પૂરાં પાડવાના આરોપસર પંજાબથી પકડાયેલા બન્ને આરોપીને કોર્ટે 30 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા બે શૂટર સાગર પાલ (21) અને વિકી ગુપ્તા (24)ની પૂછપરછમાં પંજાબના ફાજિલકા જિલ્લામાં રહેતા સોનુકુમાર સુભાષચંદ્ર બિશ્ર્નોઈ ઉર્ફે ચંદર (35) અને અનુજ ઓમપ્રકાશ થાપન (23)નાં નામ સામે આવ્યાં હતાં. માહિતીને આધારે પોલીસની ટીમ પંજાબ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી સોનુ અને અનુજને સંગરુર સ્થિત ભવાની ગઢ પરિસરમાંથી તાબામાં લીધા હતા.
સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરનારા બન્ને શૂટરો પનવેલ પરિસરમાં ભાડેની રૂમમાં રહ્યા હતા. પંજાબથી આવેલા સોનુ અને અનુજ ત્રણેક કલાક આ રૂમમાં રોકાયા હતા અને બે પિસ્તોલ અને 40 કારતૂસ શૂટરોને આપી રવાના થઈ ગયા હતા, એમ પોલીસનું કહેવું છે.
આપણ વાંચો: સલમાન ખાન ગોળીબાર કેસ: શૂટરો સુધી પિસ્તોલ અને કારતૂસો પહોંચાડનારા બે પંજાબમાં ઝડપાયા
દરમિયાન બન્ને આરોપી સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુરુવારની રાતે મુંબઈ પહોંચી હતી. શુક્રવારે બન્નેને મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. આરોપીના વકીલ અજય દુબેએ કોર્ટમાં જણાવ્યું હતું કે સોનુ અને અનુજ પનવેલ આવ્યા નહોતા અને કોઈ શસ્ત્રો પૂરાં પાડ્યાં નહોતાં. બન્ને બિશ્ર્નોઈ ગૅન્ગ સાથે સંકળાયેલા ન હોવાનું પણ દુબેએ કહ્યું હતું. જોકે કોર્ટે બન્ને આરોપીને 30 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડીનો આદેશ આપ્યો હતો.
આ કેસની તપાસ મહારાષ્ટ્ર સહિત ગુજરાત, બિહાર, રાજસ્થાન, હરિયાણા અને હવે પંજાબ સુધી ફેલાઈ છે. વળી, ફેસબુકના માધ્યમથી ગોળીબારની જવાબદારી સ્વીકારનારો અનમોલ બિશ્ર્નોઈ વિદેશમાં છે. પોલીસ આ કેસમાં શસ્ત્રોની હેરફેર કરનારી આખી ચેઈન શોધી કાઢવાના પ્રયત્ન કરી રહી છે. આરોપી સોનુ અને અનુજને કોણે શસ્ત્રો આપ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસનો દાવો છે કે અનુજ રેકોર્ડ પરનો આરોપી છે અને લૉરેન્સ ગૅન્ગનો સભ્ય છે. હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી જેવા ગંભીર ગુનામાં તે સંડોવાયેલો હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસને શંકા છે કે ગોળીબારનું કાવતરું પંજાબમાં ઘડવામાં આવ્યું હોઈ શકે. પરિણામે એક ટીમ તે દિશામાં તપાસ કરવા ફરી પંજાબ મોકલવામાં આવશે.