નેશનલમનોરંજન

સલમાન ખાનના નિવાસસ્થાન પર ગોળીબાર કરવા શૂટરોને 40 કારતૂસ આપવામાં આવી હતી

શૂટરો ત્રણ મોબાઈલની મદદથી સૂત્રધારના સંપર્કમાં હતા, જેમાંથી એક મોબાઈલ હસ્તગત કરાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાના કેસની તપાસમાં પોલીસને કેટલીક ચોંકાવનારી માહિતી મળી રહી છે. ગોળીબાર કરનારા શૂટરોને 40 કારતૂસ પૂરી પાડવામાં આવી હતી અને ધાક ઊભી કરવા માટે વધુમાં વધુ રાઉન્ડ ફાયર કવાની સૂચના આપવામાં આવી હતી. ગોળીબાર પહેલાં અને પછી શૂટરો ત્રણ મોબાઈલ ફોનની મદદથી તેમના સૂત્રધારોના સંપર્કમાં હતા, જેમાંથી એક મોબાઈલ પોલીસને મળી આવ્યો હતો.

સલમાન ખાનના નિવાસસ્થાન બહાર 14 એપ્રિલની વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ગોળીબાર કરી બે શૂટર બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-9ના અધિકારીઓએ ગુજરાતના ભુજ ખાતેથી બે આરોપી વિકી કુમાર ગુપ્તા (25) અને સાગર કુમાર પાલ (21)ને પકડી પાડ્યા હતા. ભુજના માતાનો મઢ મંદિરમાં સંતાયેલા બન્ને આરોપીની 16 એપ્રિલે કચ્છ પોલીસની મદદથી ધરપકડ કરાઈ હતી.

ગુપ્તા અને પાલને કોર્ટે 25 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. કસ્ટડી પૂરી થતી હોવાથી ગુરુવારે બન્નેને ફરી કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. આરોપીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ગુનામાં વપરાયેલી પિસ્તોલ હસ્તગત કરવામાં આવી છે અને બન્ને આરોપી તપાસમાં પોલીસને સહકાર આપી રહ્યા હોવાથી તેમની પોલીસ કસ્ટડીની જરૂર નથી.
જોકે પોલીસે આરોપીઓની કસ્ટડી મેળવવા માટેનાં કેટલાંક સબળ કારણો કોર્ટ સમક્ષ રજૂ કર્યાં હતાં.

બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ એલ. એસ. પધેને ગુપ્તા અને પાલની પોલીસ કસ્ટડી 29 એપ્રિલ સુધી લંબાવી હતી. આ કેસમાં પોલીસે જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ અને વિદેશમાં ફરાર થઈ ગયેલા તેના ભાઈ અનમોલ બિશ્ર્નોઈને ફરાર આરોપી દર્શાવ્યા છે.

આપણ વાંચો: સલમાન ખાન ફાયરિંગ કેસમાં દયા નાયકની એન્ટ્રી, રિવોલ્વર શોધવા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી

બિહારના વતની બન્ને આરોપી રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં રહેતા સાગરીતો સાથે સંપર્કમાં હતા. આમાંથી કોણે બન્ને શૂટરોને આ કામ સોંપ્યું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં જણાયું હતું કે બન્ને શૂટરોને પિસ્તોલ સાથે 40 કારતૂસ પૂરી પાડવામાં આવી હતી અને વધુમાં વધુ રાઉન્ડ સલમાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન પર ફાયર કરવાની સૂચના આપવામાં આવી હતી.

જોકે શૂટરો માત્ર પાંચ રાઉન્ડ ફાયર કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે અત્યાર સુધીમાં 17 કારતૂસ જપ્ત કરી છે. 23 કારતૂસો આરોપીઓએ ક્યાં સંતાડી છે તેની તપાસ પણ પોલીસ કરી રહી છે.

ગોળીબાર પછી ફરાર થયેલા શૂટરોએ સુરતની તાપી નદીમાં પિસ્તોલ ફેંકી હતી, જે પોલીસે શોધી કાઢી હતી. શૂટરો ત્રણ મોબાઈલ ફોનથી આ કાવતરાના સૂત્રધારના સંપર્કમાં હતા, જેમાંથી એક મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. બે મોબાઈલ અંગે પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. આરોપીઓની પૂછપરછમાં તેમના કેટલાક સાથીઓની ઓળખ મેળવવામાં આવી છે. આ સાથીઓની માહિતી એકઠી કરવાના પ્રયાસ પોલીસે હાથ ધર્યા હતા.

તપાસ દરમિયાન પોલીસે નવ સાક્ષીના જવાબ નોંધ્યા હતા. વળી, ગુનો આચરતી વખતે ઓળખ છતી ન થઈ જાય તે માટે બન્ને શૂટરે હેલ્મેટ પહેરી હતી. આ હેલ્મેટ જ્યાંથી વેચાતી લીધી હતી તે સ્થળે લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પોલીસે હસ્તગત કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી