સેલ્ફીથી ન આપો સાયબર ઠગને લૂંટી જવાનું આમંત્રણ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
‘સેલ્ફી’ એટલે ‘સેલ્ફ પોટ્રેઇટ ફોટો’ માટેની ઘેલછા શોધવા જવાની જરૂર પડતી નથી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડસ. ટ્વિટર અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પર સતત હાજરી પુરાવવા અને છવાઇ જવા માટે પોતે મેળે ઇલેકટ્રોનિક કેમેરા કે સ્માર્ટ ફોનથી ફોટો કે વીડિયો મૂકનારાઓને ખબર નહીં હોય કે ઑસ્ટ્રેલિયાના એક સમૂહે વેબસાઇટ બનાવીને ૨૦૦૧ના ડિસેમ્બરમાં પહેલો ડિજિટલ સેલ્ફ-પોટ્રેઇટ અપલોડ કર્યો અને ૨૦૦૨ની ૧૩મી ડિસેમ્બરે પહેલીવાર ‘સેલ્ફી’ શબ્દનો ઉપયોગ થયો.
પરંતુ આ સેલ્ફી લેવામાં ઘણી બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. જોખમી સ્થળે સેલ્ફી લેવામાં કેટલાંકના નામ આગળ અકાળે ‘સ્વર્ગસ્થ’ જોડાઇ ગયાના દાખલા સામે આવતા રહે છે. આવું કંઇ દુર્ભાગ્યપૂર્ણ ન થવાથી પોતે નસીબદાર હોવાના ભ્રમમાં રાચનારાઓ પણ મોટી ભૂલ કરે છે. એ કેવી રીતે?
સેલ્ફી માટે પોઝ આપતી વખતે મોટાભાગના ‘વિ’ ફોર ‘વિકટરી’ની નિશાની માટે હાથની પહેલી બે આંગળી ઊંચી કરે છે, જે કેમેરામાં ઝડપાય છે. ઘણાં વળી વિજય કે મસ્તીમાં અંગૂઠો બતાવે છે. ચહેરા પર અફલાતૂન સ્માઇલ સાથેની સેલ્ફી જોઇને દિલ એકદમ બાગબાગ થઇ જાય છે. પણ એ સેલ્ફી અપલોડ કરવામાં જરાય વાર ન લાગે.
પણ તમે જાણતા નથી કે સેલ્ફીની ફ્રેમમાં આંગળાં કે અંગૂઠો જ ઝડપાઇ ગયા નથી, ફિંગર પ્રિન્ટસ પણ આવી ગયા છે. અને આ જ બાબતનો તમને નુકસાન પહોંચાડવા, લૂંટવા કે હેરાન કરવા ઉપયોગ થઇ શકે છે.
સોશિયલ મીડિયા પર મૂકેલ માત્ર એક સેલ્ફી જીવનમાં ઘણી ઊથલપાથલ મચાવી શકવા જેટલી જોખમી છે. તમે સારી સેલ્ફી માટે મોંઘા કેમેરાવાળા ફોનથી જે કવૉલિટી ઇમેજમાંથી કોઇક ફિંગર પ્રિન્ટ મેળવી શકે છે. એક નવી ટેક્નોલોજી થકી તમારી સેલ્ફીના ફોટામાંથી ઉચ્ચ ગુણવત્તાસભર ફિંગર પ્રિન્ટસ મેળવી શકાય છે, જેમાં એક એક રેખા અને બધી વિગતો એકદમ સ્પષ્ટ હોય.
આ પ્રોસેસથી હેકર્સ ઘણાં કુકર્મ કરી શકે છે, છેતરપિંડી આચરી શકે છે હેકર કે સાયબર ફ્રોડના હાથમાં તમારા ફિંગર પ્રિન્ટસ આવી જાય પછી ડિજિટલ નકલ કરીને મોબાઇલ ફોન અનલોક કરી શકે. આ ઉપરાંત ઘર, કબાટ, તિજોરી કે સેફ ડિપોઝિટ વૉલ્ટ ફિંગર પ્રિન્ટસથી ખુલતા હોય તો એ પણ જોખમમાં મુકાઇ જાય. ફોનમાંથી મહત્ત્વની ખાનગી અને સંવેદનશીલ સામગ્રી સુધી પહોંચી શકે, તમે સૌની પહોંચથી દૂર રાખવા માગતા હો તે સ્થળમાં પ્રવેશ પણ મેળવી શકે. આને લીધે બાયોમેટ્રીક સિસ્ટમને પણ ઉલ્લુ બનાવી શકાય.
આનાથી તમારા બૅન્કના ખાતામાંથી ઉચાપત થઇ શકે, કોઇ અપરાધી પોતાના ગુનાના સ્થળે તમારી ફિંગર પ્રિન્ટના નિશાન છોડી શકે, તમારા નામે મોબાઇલ ફોનનું સિમકાર્ડ ખરીદીને એનાથી અવળા કામ કરી શકે. જોખમી શકયતાઓ અગણિત છે. ઉપાય કે ઇલાજ છે માત્રને માત્ર સાવધાની.
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
સેલ્ફી અનિવાર્ય લાગે તો માત્ર સ્મિત શેર કરો, આંગળા-અંગૂઠા સલામત રાખો.