ઉત્સવ

રંગભૂમિના નવા અધ્યાય માટે સજ્જ થઈ

મહેશ્ર્વરી

દેશી નાટક સમાજ
દેશી નાટક સમાજ. કલા રસિક ગુજરાતી પ્રજાના હૃદય પર વર્ષો સુધી રાજ કરનારી આ નાટક કંપનીના જન્મ પાછળની ઘટના પણ નાટ્યપૂર્ણ છે. કેશવલાલ શિવરામ ‘પાટણકર’ નામના એક અધ્યાપક હતા જે ૧૮૯૦ની આસપાસ જૈન શાળામાં અધ્યાપન કરતા હતા. શ્રી કેશવલાલે સુમતિ વિલાસ અને લીલાવતી નામના દંપતીની સુખ – વિલાસ ભોગવી સંયમ પથ સુધી પહોંચેલી જીવનગાથાને નાટ્ય સ્વરૂપ આપ્યું જે ‘સંગીત લીલાવતી’ નામથી ભજવાયું હતું. ૧૮૯૦ની આસપાસ ભજવાયેલું આ નાટક પાંચ અંકમાં પથરાયેલું હતું જેમાં ૧૯ પાત્ર હતાં અને એમાં ગીતો ઉપરાંત ચોપાઈ અને સોરઠા પણ ગૂંથી લેવામાં આવ્યા હતા. નાટકના અંતે ‘અણહિલપુર પાટણનો વતની, રાજનગર રહું હાલ, જૈનશાળામાં જૈન અધ્યાપક, શિવસુત કેશવલાલ’ એવી સ્પષ્ટતા છે. એના પરથી શ્રી કેશવલાલ શિવરામ પાટણના રહેવાસી હોવાથી તેમના નામ સાથે ‘પાટણકર’ જોડાઈ ગયું હોવું જોઈએ એવું લાગે છે. ઝવેરાતનો વ્યવસાય કરતા ડાહ્યાભાઈ ધોળશાજી નામના વેપારીએ આ નાટક જોયું અને તેમને એ એટલું ગમી ગયું કે શ્રી કેશવલાલ સાથે દેશી નાટક સમાજમાં ભાગીદાર બન્યા અને પછી સ્વતંત્ર માલિક બન્યા. હીરા પારખુ હવે કલા પારખુ થયા અને ‘નાટક દુનિયાનું દર્પણ રૂડું, ગુણદોષ જોવાનું’ ભાવનાને ચરિતાર્થ કરી એક અવિસ્મરણીય યાત્રાના મશાલચી બન્યા. આવી ભવ્ય પરંપરા સાથે જોડાવાનો યોગ મારા નસીબે આવ્યો હોવાથી એક અભિનેત્રી તરીકે મને કેટલો આનંદ થયો હશે એનું વર્ણન કરવા શબ્દો ઓછા પડે. દેશી નાટક સમાજના કાર્યાલય પર હું પહોંચી ત્યારે એક વળાંક પર પહોંચી હોવાનો એહસાસ થયો. રંગદેવતાનું સ્મરણ કરી તેમને મનોમન વંદન કરી ઈન્ટરવ્યૂ આપવા અંદર ગઈ. જઈને જોઉં છું તો માસ્ટર રમણ, ડો. કાશીનાથ માહિમતુરા (કલાકારોની વિનામૂલ્યે તબીબી સારવારમાં મદદરૂપ થતા ડોક્ટર), લાલાભાઈ, મફતલાલ ગ્રુપના માણસો વગેરે ઈન્ટરવ્યૂ લેવા હાજર હતા. ‘એક્ટિંગ સાથે ગાઈને બતાવ’, મને આદેશ મળ્યો. થોડી નર્વસ હતી, પણ સરસ્વતી દેવીનું સ્મરણ કરી મેં લલકાર્યું ‘હેએએએ રોજ સ્નેહની સવાર ને રોજ રઢિયાળી રાત હોય રંગીલી રંગ રાગમાં. હેએએએ મારા સાહ્યબા, હો સાહ્યબા, અંતરની આશાના વ્હાલા વધામણાં, સંસાર સ્નેહીનાં જીવન સોહામણા. હેએએએ ભલે કરીએ તકરાર, ભલે કરીએ પંચાત, તોય રંગીલી રંગ રાગમાં’.પહેલી પરીક્ષા પૂરી થઈ. પાસ કે નાપાસ એ સમજાય પહેલા બીજી પરીક્ષા આવી. ‘અમારા નાટકોમાં તો છપ્પા બોલવાના હોય છે. તેં એવા કોઈ નાટક કર્યા છે ખરાં? અમને એકાદ છપ્પો સંભળાવ’, મને કહેવામાં આવ્યું. વિવિધ કંપનીઓ સાથે ગુજરાતમાં અલગ અલગ ઠેકાણે જે નાટકોમાં હિરોઈનનાં પાત્રો ભજવ્યાં હતાં એમાં છપ્પા બોલવાના હોય એવાં પાત્રો પણ હતાં. સદભાગ્યે ‘પૃથ્વીરાજ ચૌહાણ’ નાટકનો છપ્પો મને યાદ હતો. નાટકના દ્રશ્યમાં પૃથ્વીરાજ સિંહાસન પર બેઠો છે અને નૃત્યાંગના તેમની કલા દેખાડી રહી છે. એવામાં પૃથ્વીરાજ પૂછે છે કે ‘તમારા વૃંદની પ્રખ્યાત નર્તકી કર્ણાટકી ક્યાં છે?’ આ સવાલ પૂરો થતાની સાથે મીઠો રણકાર સંભળાય છે ‘આપના દર્શનથી પાવન થવા કર્ણાટકી હાજર છે મહારાજ.’ પૃથ્વીરાજ અને કર્ણાટકીની આંખો ચાર થાય છે અને પૃથ્વીરાજના મોંમાંથી શબ્દો સરી પડે છે કે ‘તું જ છે પ્રખ્યાત નર્તકી કર્ણાટકી?’ તરત કર્ણાટકી કહે છે, ‘જી મહારાજ. લોકો કહે જેનું વદન જાણે સુધા કર્ણાટકી, એવી નટી જેના નયન ભૃકુટિ કટિ કર્ણાટકી. સરખાવતાં માધુર્ય વાણી, સાત સાગર ના ટકી, કહેવાય મૂર્તિ અભિનયની તે જ આ… કર્ણાટકી’. એ સમયમાં એક જ નાટક બે – ત્રણ – ચાર કે એથી વધુ વખત જોવા આવનારા દર્શકોની સંખ્યા ખાસ્સી રહેતી. લોકપ્રિય સંવાદો તેમને મોઢે થઈ ગયા હોય અને અભિનેતા બરાબર જાણે કે ક્યાં અટકી જવું અને આ છપ્પો બોલતી વખતે કર્ણાટકી શબ્દ કોરસમાં પ્રેક્ષકો બોલતા અને તાળીઓનો ગડગડાટ થતો. જોકે, મારો ઈન્ટરવ્યૂ લેનારાઓએ મારી છટા પર ઓવારી જઈ કંઈ તાળીઓ ના પાડી પણ મારા અંતરમાં મને તાળીઓ જરૂર સંભળાણી. ટૂંકમાં પરીક્ષાનું પેપર બહુ સારું ગયું હતું. ‘અમે તને જાણ કરીશું’ એમ મને કહેવામાં આવ્યું. અમે વિસનગર પાછા ફર્યા અને હું મારી દુનિયામાં ગોઠવાઈ ગઈ. સાચું કહું તો ગુજરાતમાં નાટકો કરતી વખતે મને સપનાં તો દેશી નાટક સમાજના જ આવતાં હતાં. એ મારા સપનાને પણ હકીકત બનવાનું મન થયું અને એક દિવસ મુંબઈથી કાગળ આવ્યો કે ‘તમે આવી જાવ. તમારી પસંદગી થઈ ગઈ છે.’ મારા અંતરમાં પડેલી તાળીઓનો પડઘો પડ્યો. તરત હું ચીમન પેઈન્ટર પાસે ગઈ અને બધી વાત સમજાવી કહ્યું કે મારે હવે નીકળવું પડશે. આમ પણ વરસાદનો સમય નજીક હતો અને નિયમ અનુસાર કંપની પણ બંધ જ થવાની હતી. એટલે અમે રાજી ખુશીથી છૂટા પડ્યા. સિઝનની વચ્ચેથી જતા રહેવાનો પ્રસંગ ન ઊભો થયો એ માટે મેં બે હાથ જોડી ઈશ્ર્વરનો આભાર માની લીધો. વાત છે ૧૯૬૯ની, આજથી ૫૫ વર્ષ પહેલાની જ્યારે શ્રી દેશી નાટક સમાજના તખ્તા પર મેં એન્ટ્રી મારી અને રંગભૂમિના એક નવા અધ્યાય માટે હું સજ્જ થઈ ગઈ.

પત્નીના દાગીના વેચી કંપની ઉગારી
ગુજરાતમાં પહેલું પાકું થિયેટર ડાહ્યાભાઈ ઝવેરીએ ૧૮૯૪માં બંધાવ્યું હોવાની નોંધ છે. ડાહ્યાભાઈ કંપની માલિક તો ખરા જ, પણ સાથે સાથે શિક્ષક મટી લેખક સુધ્ધાં થયા હતા. લેખનકાર્યની શરૂઆત તેમણે અનુવાદથી કરી. ‘શાકુન્તલ’ નાટકના પહેલા ચાર અંકનો અનુવાદ તેમણે કર્યો. નાટક કંપની શરૂ કરી નાટક લખનારા ડાહ્યાભાઈ બીજા શિક્ષક હતા. જે સ્થળે નાટક ભજવાતા હોય ત્યાં જ નટોની સાથે રહી તેમણે નાટકો લખવાનું શરૂ કર્યું. ૧૮૯૩માં આગ લાગતા કંપનીને ખાસ્સું નુકસાન થયું, પણ ટેકીલા એવા કે પત્નીના દાગીના વેચી કંપનીને તારાજીમાંથી ઉગારી લીધી. પુત્રના ઉધામા જોઈ શ્રીમંત પિતાને રીસ ચડી ને તેમણે વારસામાંથી ડાહ્યાભાઇનું નામ રદબાતલ કરી નાખ્યું. ડાહ્યાભાઈ કંઈ ગભરાઈ ન ગયા તેમણે પોતાની મૂળ અટક ’ઝવેરી’નો ત્યાગ કર્યો અને ‘દલાલ’ અટક ધારણ કરી. બધાં મળીને ૨૪ નાટકો તેમણે લખ્યાં ને ભજવ્યાં. એમના ‘અશ્રુમતી’ નાટકનું ગીત ‘શું નટવર વસંત થૈ થૈ નાચી રહ્યો’ અફાટ લોકપ્રિયતાને વરેલું અને ઘણાં વર્ષો સુધી ગુજરાતમાં ઘણાં સ્થળોએ ગરબાના સ્વરૂપમાં સાંભળવા મળતું હતું. ડાહ્યાભાઈએ આ કંપની દ્વારા જ ભજવેલું પોતાનું ‘વીણાવેલી’ (૧૮૮૯) પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. ‘એમાંનો ઉગ્યો સખી સૃષ્ટિનો શણગાર ચાલ ચાલ જોવાને ચંદ્રમા’ ગરબો અનેક વર્ષો સુધી લોકપ્રિયતા ટકાવી રાખવામાં સફળ રહ્યો હતો. ‘મ્યુનિસિપલ ઈલેક્શન’ નામના નાટકમાં તેમણે પાલિકાની ચૂંટણીમાં ચાલતી ગેરરીતિઓ પર કટાક્ષ કર્યો હતો.
(સંકલિત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button