ચોમાસામાં મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર થશે મોટી મુશ્કેલીનું નિર્માણ, જવાબદાર આ લોકો હશે?

મુંબઈ: ચોમાસા પહેલા મુંબઈ-અમદાવાદ હાઇ-વે પર ખાડાઓની સમસ્યા દૂર કરવા અને હાઇ-વેના કોંક્રિટીકરણના કામકાજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)એ હાથ ધર્યું છે, પરંતુ ભૂમાફિયાઓએ હાઇવેની બાજુમાં માટી અને કાટમાળનો ગેરકાયદે રીતે ઢગલો કરતાં હાઇ-વે પર વાહનો માટે મોટી સમસ્યા નિર્માણ થવાની છે.
આ સાથે ચોમાસામાં હાઇ-વેથી નજીકના ગામમાં પાણી ભરાવવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. જોકે પ્રશાસન તરફથી આ ગંભીર સમસ્યાની અવગણના કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં નિર્માણ થનારી સમસ્યા માટે સંબંધિત પ્રશાસન જવાબદાર હશે. આ મુદ્દે ગામના નાગરિકોએ સરકારી ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
વર્સોવા બ્રિજથી વિરાર ફાટક વચ્ચે મુંબઈ-અમદાવાદ હાઇ-વેના બંને તરફની જમીન સરકારના હાથમાં છે, તો અમુક જમીન ખાનગી છે. મુંબઈ-અમદાવાદ હાઇ-વેના વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ભૂમાફિયાઓએ જમીન પર ગેરકાયદેસર ભરણી કરીને જમીન કબજે કરી રહ્યા છે.
આપણ વાંચો: ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ કરવા ૪૮૧ પંપ બેસાડાશે
આ કારણસર ચોમાસા અને ભરતી દરમિયાન વર્સોવા ખાડીનું પાણી હાઇ-વે પર જમા થાય છે આ સાથે ગેરકાયદે ભરણીને કારણે હાઇ-વેની આસપાસની નાની ગટર અને નાળાઓ બંધ થઈ ગયા છે, જેથી ગામ અને હાઇ-વે પર પાણી ભરાવાની સમસ્યા નિર્માણ થશે અને આ વિસ્તારમાં મેન્ગ્રોવની પણ કાપણી કરવામાં આવી રહી છે, એવો આરોપ ગામના લોકોએ કર્યો હતો.
હાઇ-વે પર ચાલી રહેલા આ ગેરકાયદે કામગીરીને રોકવા માટે પ્રશાસન દ્વારા ભરણીને રોકવાનો આદેશ જાહેર કર્યો હતો તેમ છતાં આ ગેરકાયદે કામ થઈ રહ્યું છે. આ મામલે ગામના નાગરિકોએ અનેક વખત ફરિયાદ કરી હતી પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ગામમાં મોટા પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યાથી નાગરિકો ચિંતિત છે.
મુંબઈ-અમદાવાદ હાઇવેના કોંક્રિટીકરણ માટે 620 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે હાઇ-વેની આસપાસ ગેરકાયદે ભરણીની સમસ્યા વધી રહી છે. જો આ બાબતે કોઈ પગલાં ન લેવામાં આવતા હાઇવે પર પાણી જામતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવશે.
આ સમસ્યાને દૂર કરવા માટે ગામના લોકોએ સોમવારે પ્રશાસનની ઓફિસની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જો આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ હાઇ-વેને બંધ કરવાનો ઈશારો લોકોએ આપ્યો હતો.