આપણું ગુજરાતટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

અમરેલી લોકસભા સીટ પર બે લેઉવા પાટીદાર વચ્ચે રસાકસી, ભાજપના ભરત સુતરીયા અને કોંગ્રેસના જેની ઠુમ્મર મેદાને

લોકસભા ચૂંટણી 2024ને લઈ રાજકીય પક્ષો તેમના ઉમેદવારો મેદાનમાં ઉતારી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની અતિ મહત્વની અમરેલી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે ભરત સુતરિયાને જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેની ઠુમ્મરની જાહેરાત કરવામાં આવી છે. આમ પણ અમરેલી સૌરાષ્ટ્રના રાજકારણમાં એપીસેન્ટર બની રહ્યું છે.

અમરેલી સીટ લેઉવા પાટીદાર સમાજનો ગઢ છે. આ સીટ પર કોણ મેદાન મારી જશે તે તો 4 જૂને જ્યારે પરિણામ જાહેર થશે ત્યાર બાદ જ ખબર પડશે પણ આ સીટ પર જબરદસ્ત રસાકસી જોવા મળશે તેવું તો રાજકીય પંડિતો પણ માની રહ્યા છે.

અમરેલી લોકસભા બેઠકમાં વિધાનસભાની સાત બેઠકનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકમાં ધારી, અમરેલી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધાર બેઠકનો સમાવેશ થાય છે. આમ તો અમરેલી જિલ્લાની વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું સારુ પ્રભુત્વ હતુ.

પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પરીણામે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો હતો. અમરેલી લોકસભા બેઠકમાં આવેલી વિધાનસભા બેઠકો મોટા ભાગે ભાજપના હસ્તક છે.

આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ ચહેરા ઉતરશે પ્રચારના મેદાનમાં

અમરેલી બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. અમરેલીના લોકો સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત અહીં ખેતી સૌથી મોટો વ્યવસાય છે. ખેતી સાથે સંકળાયેલો તેલની મીલોનો ઉદ્યોગ પણ આ વિસ્તારમાં ધમધમે છે. પાટીદાર અનામત આંદોલન સમયે અમરેલી સૌથી વધુ સક્રિય રહ્યું હતું.

આ કારણે જ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અમરેલી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું. જો કે વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સારૂ પ્રદર્શન કર્યું હતું. આ વિસ્તારમાં પાક વીમાની સમસ્યાઓ, ખેતરમાં પાણીની સમસ્યાઓ, વિજળીની સમસ્યાઓ સહિતના મુદ્દે ખેડૂતોમાં ભાજપ સામે રોષ છે.

અમરેલી લોકસભા બેઠક પર વર્ષ 1957થી 2019 સુધીમાં 16 ચૂંટણી યોજાઈ છે, જેમાં 8 વાર કોંગ્રેસ, 7 વાર ભાજપ અને 1 વાર જનતાદળના ઉમેદવારની જીત થઈ છે. છેલ્લી ત્રણ ટર્મથી અહીં ભાજપના નારણ કાછડિયા વિજેતા બનતા આવ્યા છે, જો કે ભાજપે આ વખતે તેમનું પત્તુ કાપીને ભરત સુતરિયાને ટિકિટ આપી છે.

ભરત સુતરિયા કેટલું ભણેલા છે?

ભાજપે આ વખતે અમરેલી લોકસભા બેઠકના વર્તમાન સાંસદ નારણ કાછડિયાનું પત્તુ કાપીને ભરત સુતરિયાને ટિકિટ આપી છે. ભરત સુતરીયા ખેડૂત પરિવારમાંથી આવતો ચહેરો છે, તથા લેઉવા પાટીદાર અગ્રણી છે. અને હાલમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. જિલ્લા પંચાયતમાં અકાળા બેઠક ઉપરથી ચૂંટાયા છે અને તેમને પક્ષે નારણ કાછડિયાનાની ટિકિટ કાપીને આમને ટિકિટ આપી છે.

તેઓ ધોરણ 10 પાસ છે અને વર્તમાન સમયમાં તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. મૂળ લાઠી તાલુકાના જરખીયા ગામના વતની ભરતભાઈ સુતરીયાનો જન્મ 17 સપ્ટેમ્બર 1971ના દિવસે થયો હતો. હાલ તેઓ અમરેલી જિલ્લા પંચાયતની 24 મતીરાળા સીટના સદસ્ય તરીકે ચૂંટણી જીતીને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે. ભરત સુતરીયા વર્ષ 1991થી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયા હતા.

આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ માપમાં રહેજો ઉમેદવારો, ખર્ચાઓ અંગે જાણી લો મહત્ત્વની ગાઈડલાઈન

ભરત સુતરીયા કોણ છે?

મૂળ લાઠી તાલુકાના જરખીયા ગામના વતની ભરતભાઈ સુતરીયાનો જન્મ 17 સપ્ટેમ્બર 1971ના દિવસે થયો હતો. હાલ તેઓ અમરેલી જિલ્લા પંચાયતની 24 મતીરાળા સીટના સદસ્ય તરીકે ચૂંટણી જીતીને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે. ભરતભાઈ સુતરીયા જરખિયા ગામના વતની અને લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે અને લેઉવા પાટીદાર અગ્રણી છે. ખેડૂત પરિવારમાંથી આવતા ભરત સુતરીયા ખેડૂત વ્યસાય સાથે સંકળાયેલા છે.

જેમને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. જેઓ 1991થી ભાજપના કાર્યકર છે. વર્ષ 2009થી 2011 સુધી તાલુકા મહામંત્રી, 2010થી 2015 સુધી તાલુકા પંચાયત પ્રમુખ, વર્ષ 2019થી નગરપાલિકા પ્રભારી સહિત પાર્ટીમાં નાના મોટી શહેર અને તાલુકાના જવાબદારી નિભાવી ચુક્યા છે. હાલ 6 માસથી જિલ્લા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ફરજ બજાવે છે.

કોણ છે જેની ઠુમ્મર?

જેની ઠુમ્મર અમરેલી કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા અને પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરની દીકરી છે. જેની ઠુંમરનો જન્મ 23 એપ્રિલ 1984ના દિવસે અમરેલીમાં થયો હતો. જેની ઠુંમર લંડનની મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી માનવ સંસાધન વ્યવસ્થાપનમાં એમબીએની પદવી ધરાવે છે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ પક્ષમાં ખેડૂત નેતા તરીકે વીરજી ઠુમ્મરની છાપ છે. પ્રજાના પ્રશ્નનો અંગે વાંરવાર સરકારને ઘેરવામાં વીરજી ઠુમ્મર સતત અવાજ ઉઠાવતા હોય છે.

શિક્ષિત મહિલા નેતા જેની ઠુમ્મર અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, પ્રથમ વખત જિલ્લા પંચાયતના સભ્ય બનવાની સાથે જેની ઠુંમરના હાથમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ પણ આવ્યું હતું. અઢી વર્ષ સુધી મહિલા પ્રમુખ તરીકે જેની ઠુમરે અમરેલી જિલ્લા પંચાયતનો વહીવટ પણ સંભાળ્યો હતો. વારસામાં મળેલા રાજકારણને કારણે જેની ઠુંમર આજે રાજકીય રીતે એક પરિપકવ નેતા તરીકે અમરેલી અને સમગ્ર ગુજરાત કોંગ્રેસમાં સારી નામના ધરાવે છે, જેની ઠુમ્મરની કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં પણ ગજબની લોકચાહના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button