અધૂરી ઊંઘ એટલે હતાશા અને ચિંતાનું ઘર
ઉંમર પ્રમાણે જાણો કે તમારે કેટલા કલાક સૂવું જરૂરી છે
અગમચેતી -ભરત પટેલ
ઘણા ડૉક્ટરોનું માનવું છે કે અધૂરી ઊંઘ લેનારા માનવોને ઘણી વાર હતાશા અને ચિંતા ઘેરી વળે છે. ઘણા લોકો એવું સમજે છે કે થોડીવાર ઊંઘ કાઢવાથી પણ ફ્રેશ થઈ જવાય છે, પણ એવું નથી હોતું. દરેક વ્યક્તિએ પોતાની ઉંમર પ્રમાણે જરૂરી ઊંઘ લેવી જોઈએ, નહીં તો તેની સીધી અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે અને તેઓના હતાશા અને ચિંતામાં ગરકાવ થવાની સંભાવનાઓ વધી જાય છે.
શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ રહેવા જેટલો જરૂરી શુદ્ધ આહાર છે, તેટલી જ જરૂરી પૂરતી ઊંઘ પણ છે. આજે આપણો સમાજ જે લાઈફસ્ટાઈલ અપનાવી રહ્યો છે તેમાં મોડી સાંજે ઘરે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં પરોવાઈ જવાથી પૂરતી ઊંઘ લઈ શકાતી નથી. યુવાનો મોડી રાતે ચેટિંગ અથવા ગેમમાં રત રહેતા હોવાથી પૂરતી ઊંઘ લઈ શકતા નથી અને આપણે તેને હલકામાં લઈએ છીએ, પણ આની આપણા માનસિક સ્વાસ્થ્ય પર ખતરનાક અસરો પડી રહી છે.
પૂરતી ઊંઘ ન લેવાથી આપણું મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી, અધૂરી ઊંઘથી માણસના સ્વભાવમાં ગુસ્સો અને થકાવટ જોવા મળે છે અને મગજ યોગ્ય રીતે કામ કરી શકતું ન હોવાથી યોગ્ય અને ઝડપી નિર્ણય લઈ શકાતા નથી, તેમજ તેની અસર જાતીય જીવન પર પણ પડતી હોય છે. આની અસર પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ પર પણ પડે છે. આપ જીવનમાં સફળ થવા માગતા હો તો પોતાની ઊંઘ પર ધ્યાન રાખવાનું શરૂ કરો.
અધૂરી ઊંઘ આપના જીવનમાં ઘણી મુસીબતો લાવી શકે છે એટલે ચેતી જાઓ અને જાણી લો કે તમારી ઉંમર પ્રમાણે કેટલા કલાક ઊંઘ લેવી જરૂરી છે.
૪ મહિનાથી ૧૨ મહિનાના બાળકો માટે ૧૨ થી ૧૬ કલાક ઊંઘ જરૂરી છે, ત્યારે ૧ થી ૨ વર્ષના બાળકોને ૧૧ થી ૧૪ કલાકની ઊંઘ જરૂરી હોય છે, ત્રણથી પાંચ વર્ષના બાળકોને ૧૦ થી ૧૩ કલાકની ઊંઘ જરૂરી છે તો ૬ થી ૧૨ વર્ષના બાળકો માટે ૯ થી ૧૨ કલાકની ઊંઘ જરૂરી હોય છે. ૧૩ થી ૧૮ વર્ષના તરુણ-તરુણીઓએ ૮ થી ૯ કલાક ઊંઘ જરૂરી છે અને અંતે ૧૮વર્ષથી વધુ ઉંમરના લોકોએ ૮ થી ૧૦ કલાકની ઊંઘ બહુ જરૂરી છે.