19.79 કરોડ રૂપિયાના કોકેઈન સાથે વિદેશી મહિલાની ધરપકડ

મુંબઈ: શૅમ્પૂ અને મોઈશ્ર્ચરાઈઝરની બૉટલ તેમ જ શૂઝમાં સંતાડીને લવાયેલું અંદાજે 19.79 કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કરી ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) વિદેશી મહિલાની ધરપકડ કરી હતી.
મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ડ્રગ્સની તસ્કરીની માહિતી મળતાં ડીઆરઆઈએ રવિવારે છટકું ગોઠવ્યું હતું. કેન્યાના નૈરોબીથી આવેલી મહિલાને શંકાને આધારે તાબામાં લઈ તેના સામાનની તપાસ કરવામાં આવી હતી.
આપણ વાંચો: Gujarat: ગુજરાતના યુવાનો મારી રહ્યા છે દમ, રાજ્ય બની ગયું છે ઉડતા ગુજરાત?
સિયેરા લિઓન ખાતે રહેતી મહિલાના સામાનમાં રાખેલાં શૂઝ, મોઈશ્ર્ચરાઈઝરની બૉટલ, શૅમ્પૂની બૉટલ અને અન્ય વસ્તુઓ વજનદાર અને થોડી સખત જણાઈ હતી. આ વસ્તુઓની બારીકાઈથી તપાસ કરતાં તેમાં સફેદ પાઉડર ભરવામાં આવ્યો હોવાનું જણાયું હતું.
ડીઆરઆઈના અધિકારીઓએ ચકાસણી કરતાં સફેદ પાઉડર કોકેઈન હોવાની ખાતરી થઈ હતી. મહિલા પાસેથી અંદાજે 19.79 કરોડ રૂપિયાનું ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ધરપકડ કરાયેલી મહિલાને કોર્ટે અદાલતી કસ્ટડી ફટકારી હતી. ડ્રગ્સની તસ્કરીના આ રૅકેટની વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)