પાચનતંત્ર માટે રામબાણ વનસ્પતિઓ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
આપણે એ જાણવું જરૂરી છે કે આપણા શરીરમાં ભોજન પચે છે કે સડે છે. ખાવાનો કોળિયો ચાવીએ ત્યારે ત્યાંથી પચવાનું કામ શરૂ થઇ જાય છે. પેટમાં ભોજન પહોંચતા જ હાઇડ્રોક્લોરિક એસિડ (જે પેટમાં રહેલું છે) ખાવાનું પચાવવાનું શરૂ કરી દે છે. જો ભોજનમાં અપ્રાકૃતિક તત્ત્વોથી બનેલું હોય તો એસિડ વધુ પેદા થાય છે. તે જ એસીડીટીનું કારણ કબજિયાતનું કારણ અગ્નિમાંધનું કારણ, અપચાનું કારણ હોય છે. જો પાચન કામ બરાબર ન થાય તો તેનું પરિણામ અલગ અલગ પ્રકારના રોગો પેદા થાય છે. પાચનને દુરસ્ત રાખવા ભોજન પ્રાકૃતિક હોવું જરૂરી છે. ટેકનોલોજી દ્વારા બનેલો ખોરાક પેટ પચાવી શકતું નથી. એટલે કે ટેકનોલોજી બહાર ચાલશે પણ પેટ તેને સ્વીકારતું નથી.
પાચનતંત્રમાં રોગોને દૂર કરતી વનસ્પતિઓ અને ઔષધીનો સમજપૂર્વક ઉપયોગ કરવાથી પાચનની સમસ્યા રહેતી નથી. પાચનતંત્ર બરાબર ન ચાલે તો શરીરમાં ઝેરી તત્ત્વો વધતાં જાય છે. દવાઓથી પણ આ ઝેરી તત્ત્વો નીકળતાં નથી અને દવાઓના કારણે હજુ વધુ ઝેર શરીરમાં ઉત્પન્ન થાય છે.
ટેક્નોલોજીથી બનતાં ખાદ્ય પદાર્થો થોડા પ્રમાણમાં ઝેરી હોય છે. ફેકટરીઓમાં એલ્યુમિનિયમના તેમ જ સ્ટીલના કે લોખંડનાં વાસણો વપરાય છે. તે વધુ ગરમ થતાં તેમાંથી તે ધાતુના કણ છૂટા પડે છે ને ખોરાકને ઝેરી બનાવી દે છે. ખાદ્ય પદાર્થને ટકાવવા વપરાતા કેમિકલનાં સંયોજનો વગેરે ઝેરી પદાર્થનું સ્વરૂપ લઇ લે છે. ઘણીવાર હોટલ કે બહારના ખાદ્ય પદાર્થથી `ફૂડ પોઇઝન’થઇ જાય છે અને પાંચનતંત્ર અસ્તવ્યસ્ત થઇ જાય છે. પાચનતંત્રને દુરસ્ત રાખવાવાળી વનસ્પતિઓ અને ઔષધીઓ વિશે જાણીએ.
પાલક ભાજી લીલા ઘેરા રંગના પાંદડાવાળી ભાજી પાંચનતંત્ર માટે રામબાણ છે. શરીરમાં રહેલા ઝેરનો નાશ કરે છે. તેમ જ શરીરનું નવસર્જન કરે છે. સવારના એક કપ જેટલો પાલકનો કાચો રસ અથવા પાલકને ગરમ પાણીમાં નાખીને થોડીવાર ઢાંકીને રાખવું તેનો સ્ટોક પીવો.
તાંદળજો ભાજી-નાના પાંદડાવાળી ભાજી, શરીરને દરેક રોગોથી દૂર રાખે છે. સાપનું ઝેર, વીંછીનું ઝેર કે અન્ય કોઇપણ કીટાણુ ઝેર અથવા કેમિકલથી થતું ઝેર કાઢી નાખે છે. પાચનને ગતિ આપે છે. આનો તાજો કાચો રસ સુપ અથવા શાક રોજના ભોજનમાં હોવું જરૂરી છે. લગભગ બારે મહિના આ ભાજી મળે છે.
સરગવાના પાન ચોમાસાની ઋતુમાં આ પાન મળે છે. શરીરમાંથી તંબાકુનું ઝેર કાઢી નાખે છે. પગનાં દુ:ખાવા મટી જાય છે. કોલેસ્ટ્રોલને દુરસ્ત કરી નાખે છે. ચોમાસાની ઋતુમાં થતાં રોગનો રામબાણ ઇલાજ છે. આનો રસ, સુપ, શાક, ચટણી બનાવી લઇ શકાય છે. ગુટકા કે બીડી સિગારેટ પીતા વ્યક્તિએ આનો ઉપયોગ જરૂરથી કરવો.
ગરમાળો અથવા અમલતાસ-કબજિયાત કે અગ્નિમાંધ કે એસીડીટી કાઢવા માટે દુનિયાની બધી દવા આની સામે ફેલ છે. ગરમાળો એ માનવ જાતિ માટે કબજિયાત કાઢવા માટે વરદાન સ્વરૂપ છે. જે શરીરની ચરબીને પણ કાઢી નાખે છે. પાચનને લગતી બધી જ બીમારીનો ઇલાજ કરે છે.
અળસી લગભગ બધા જ ઝેર કાઢવામાં સક્ષમ છે. પારાથી બનતી દવાઓ જે શરીરમાં પાચનનું પ્રમાણ વધારી દે છે. ઘણાં રોગો થાય છે. નિકલનું ઝેર આર્સૌનિકનું સીસાનું, ધતૂરાનું, કોપર, ફાર્માડીહાઇડનું વગેરે જે દવાઓ કે ખાદ્ય પદાર્થમાં વપરાય છે. તેની માટે અળસીનું દૂધ અથવા ઉકાળો લેવો જોઇએ.
રીંગણા જે પાચનતંત્રને સુદ્ઢ બનાવે છે. તેમ જ શરીરમાંથી ધતૂરાનું ઝેર કાઢી નાખે છે. રીંગણા ઘણા રંગના તેમ જ ઘણીયે જાતિના મળે છે.
જવ જવની રોટલી કે ઉકાળો લેવાથી પાંચનતંત્રની દરેક હાનિ દુરસ્ત થાય છે. બધી જ ધાતુના ઝેર બહાર કાઢે છે. કીડનીમાંના દરેક ઝેર બહાર કાઢે છે.
સફેદ કેળાના દાંડા પાચનતંત્રને ગતિ આપે છે. પથ્થર જેવા જામેલા મળ કે દરેક પ્રકારની પથરી કાઢી નાખે છે. આનો તાજો રસ પીવો જોઇએ અથવા શેરડીની જેમ ચૂસી શકાય.
ત્રિફળાચૂર્ણ સદીઓથી વપરાય છે. ચરક ઋષિના મત અનુસાર ત્રિફળાચૂર્ણ ને ઘડામાં રાખી વાપરવો તેમ જ તેનો વરઘોડો કાઢવો. પાચનતંત્રની રામબાણ ઔષધી છે. આમળા, બહેડા, હરડે ત્રણેયનું સરખા માપના લઇ ચૂર્ણ બનાવવું આ ચૂર્ણથી કોઇ અજાણ નથી.
પાચનતંત્ર દુરસ્ત રાખતા લીંબુ, છાસ, ઇસબગુલ, હીંગ, ગાજર, કોથમીર, મૂળા, કાંદા-લસણ, જાંબુ, નાગરવેલના પાન વગેરેનો ઉપયોગ રોજબરોજ થવો જોઇએ. ઘણી વસ્તુ ઋતુ પ્રમાણે હોય તો તે ઋતુમાં તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ. શરીરને ઝેર મુક્ત રાખવા કે પાચનતંત્રને દુરસ્ત રાખવા સતત પ્રયત્ન અને પ્રાકૃતિક ભોજન જરૂરી છે. અપ્રાકૃતિક ખાઇને વનસ્પતિ કે ઔષધી વાપરવી એક મર્યાદા સુધી જ કામ કરે છે. માટે અપ્રાકૃતિક ખાદ્ય પદાર્થથી દૂરી જરૂરી છે. ઘણીવાર પ્રાકૃતિક ભોજન વધુ પડતું કે મર્યાદાની બહારનું ખાઇ લેવાથી કે શ્રમ વગર ભોજન કરવાથી પણ કબજિયાત કે પાચનની મુશ્કેલી રહે છે. ત્યારે આ વનસ્પતિ કે ઔષધી જરૂરથી કામ કરે છે.