ઉત્સવ

છગન મગન તારા છાપરે લગન

ટૂંકી વાર્તા -મધુ રાય

બે પરમાણુઓના સંયોગથી એક અણુ બને છે. ત્રણ અણુઓના સંયોગથી એક ત્રસરેણુ. એવા ત્રણ ત્રસરેણુને પાર કરવામાં સૂર્ય જે સમય લે, તે સમય, એક ત્રુટિ.

આઘે આઘે બહાર મંદિરના ચોકમાં ભાગવતસપ્તાહમાં લાઉડસ્પીકર ઉપર શાસ્ત્રીજી પાઠ કરતા હતા. નહાતાં નહાતાં હરિભાઈનું ધ્યાન નહોતું, પણ આ માહિતી એમના મગજના એક કોરનરમાં કરોળિયાના જાળાની જેમ ચોંટતી જતી હતી. હરિલાલ બાથરૂમમાં સાવર નીચે ઊભેલા. નીચેના બાથરૂમ કરતાં ઉપરના બાથરૂમમાં સોઈ સારી હતી. હોટ વોટરની ચકલી ખોલો તો ગીઝરમાં ભડકો થાય ને સડસડાટ હોટ વોટર આવે. પણ વોટર ગધનું કાયમ ટૂમચ હોટ હોય કે ટૂમચ કોલ્ડ હોય, ને તરત ઇમિજેટલી મોઢામાંથી ધરાર ગાયન નીકળી પડે, ‘છગન મગન તારા છાપરે લગન…’ વોટરની હોટાઈ ને કોલ્ડાઈ ઉપરથી ગાવાની સ્પીડ ને વોલ્યુમ એડજસ્ટ થઈ જાય. હોટ ને કોલ્ડ ઇક્વલ-ટુ-ઇક્વલ હોય તો છગનને બદલે ‘છગના’ બોલાય ને સરસ તાલ સાથે રાગમાં ગવાય. જોકે વોઈસ હરિભાઈ કરતાં મિસિસનો મોર સ્વીટ. દાળ પણ હરિભાઈ કરતાં મિસિસના હાથે બેટર બને.

સોપ બોપ ચોળીને હરિલાલે બરાબર બાથ લીધો. જોરદાર ફુવારો આવ્યો ને હરિલાલને રજનીભાઈનું ગાયન યાદ આવ્યું, સાવરિયો મારો સાવરિયો, હું તો ટીંપું માગું ને દઈ દે દરિયો. બાથ પછી મિરર સામે ઊભા ઊભા સેવિંગ!

ના’તા પેલાં દાઢી કરતા નથી પછી નાઈને પાછા ગંધારા થાવ છો, તેમની મિસિસ તેમને લાઉડલી કહેતી.

વશ્તુ સું હતી કે ના’યા પ-છી દાઢી કરિયેં તો બીજેદિ ઈ પાંચ મિનિટ મો-ડી ઊગે ને? હમણાં હમણાંથી હરિભાઈ મૂછ ઉગાડતા હતા. મઈનો દિ થઈ ગ્યો તો ને જરાક સરખાઈ આવીતી મૂછમાં. થોડાક વાઇટ વાઇટ વાળથી હરિભાઈ પીઢ લાગતા હતા. વશાવડાનું કેવાનું હતું કે તમે મિલિટરીના કમાન્ડર જેવા લાગો છો, વિથ નવી મૂછ. હરિભાઈ મૂછને બેય બાજુથી વળ દેતા હતા. સમહાઉ આજે એટેનસનમાં આવ્યું કે તેમની જમણી સાઇડની મૂછ લાંબી છે. ચપટો ભરે ત્યારે જમણી બાજુ મૂઠો ભરાય એટલા વાળ આવે છે. ડૉક્ટર મંજુશ્રી હસતાં હસતાં એને ‘મૂછનો પૂળો’ કહેતાં. હરિભાઈનો હાથ માથે ફરી ગયો. મૂછમાં છે એના કરતાં બાબરીમાં આટલો ગ્રોથ આપે તો એના બાપનું… હરિભાઈએ જીભ કચરી. દુવારકાના ધીસ માટે આવું ન બોલાય. સોરી.

અરીસા હામે ઊભા ઊભા હું કરો છો, ગાંડા થઇગ્યા છોવ? કપડાં સુકવતાં સુકવતાં વઉએ કહ્યું.

હરિભાઈ કહે, જો તો, જો તો, આ સાઇડની મૂછ જરા લાંબી નથી લાગતી? હરિલાલે મોઢું લંબાવ્યું.

તો કાપી નાખો ને, સારા નથી લાગતા. વઉએ ભીનો ટુવાલ હરિલાલની સામે ઝાટકતાં કહ્યું. ગેસ મગાવવાનો છે, ને ફિનાઇલ લયાવવાની છે, ને એરકન્ડિસન હોકારા કરે છે ને ઈ સમુ કરાવવાનું છે, બધું કરવાને બદલે ઊભા ઊભા મૂછું જોયા કરો છો.

હરિલાલે વઉ તરફ હાથ લંબાવી સ્વીટલી કહ્યું, સોઓરી.

જાવ ને રોગા કંટાળા દિયો છો તી. ને આ ફાંદો ઓછો કરો, ફાંદો, કહીને વઉ હસતી હસતી નીચે ઊતરી ગઈ. ઓત્તારીની, વઉનો જમણો પગ સહેજ મોટો હોય તેવું નથી લાગતું? હરિભાઈએ મિરરમાં જોયું કે એની ડાબી સાઇડની મૂછ મિરરમાં જમણી સાઇડે દેખાતી હતી.

પછી હરિલાલને ખ્યાલ આવ્યો કે પોતાનો જમણો હાથ ડાબા કરતાં હાફે-તસુ લાંબો છે. માથે ડાબી કરતાં જમણી સાઇડે વાળ વધુ ધોળા છે. ને મિરરમાં એનાથી રિવર્સ દેખાય છે. પરમાત્માની માયા બીજું સું.

-૨-
સપ્રાઈઝ
કોકદિ ટેરિફિક બાથ લેવાણો હોય તો હરિભાઈ ટેસમાં આવી જતા ને દુવારકાધીસે તેને યુગવિમાનની બક્ષિસ આપેલી તેમાં બેસીને બ્રહ્માંડનો એક રાઉન્ડ મારી આવતા. એરકન્ડિસનવારા પાસે જાઉં છું, કહીને હરિભાઈ નીકળી આયવા પોતાના મકાનમાંથી. યુગવિમાનમાં બેસવાની પ્રોસિજર એવી હતી, કે મંદિર પાસે એક પીપળાનું અપટુડેટ ઝાડ હતું. તેની નીચે ઊભા રહીને હરિભાઈ ગણગણે ગાયત્રી, ને સંકલ્પ કરે એટલે બધું અદૃશ્ય થઈ જાય ને ઇમિજેટલી હાજર થાય, પુસપક. હરિભાઈએ યુગવિમાનને નામ આપેલું પુસપક.

ક્યાં જાસું, ક્યાં જાસું? પુસપકે પૂછ્યું.

જે લોકમાં વનસ્પતિને લાગણીયું થાતીતી ને માણસો લાકડા જેવા સૂકા હતા ઈ યુગ તો ડન. ઊંટલોકમાં ઊંટોનું રાજ હતું ને હ્યુમન માણસો પાળેલાં પ્રાણી ગણાતાં ઈયે કંપલીટ. જ્યાં માણસોને વાચા જ નહોતી ને પાંપણના ઇશારે માણસો વાતો કરતાતા ઈયે…
સપ્રાઇઝ આપો આજે, પુસપકભાઈ, સપ્રાઈઝ.

ઓકે સર, કહીને પુષ્પકે તો ચાપું દાબી, ને હરિભાઈએ જોયું તો-
ગધેડીનું ઓસ્ટેલિયા?

ગધનો આકાસનો એક કટકો કાપીને ઊભો ખોડી દીધો હોય એમ મારા ડાડા જેવડું મોટું એરપોર્ટ ને એમાં હજારો તારલિયાની જેમ ઝગમગ ટ્યૂબલાઇટું, ને લાલ લાલ સેલારા મારતા અક્ષરે મોટું સાઇનબોડ, વેલકમ ટુ સિડની. ચારે કોર ફાઇન ફાઇન ટોલ ટોલ બિલ્ડિંગ્ઝો ને ટોટલી ફોરેન ટાઇપ કોલ્ડ કોલ્ડ એર-વોટર?

એરપોર્ટ ઉપર દીકરી જમાઈ લેવા આવેલાં. ફ્રેન્કલી ગધનાં ગૈઢાં લાગતાંતાં! એમની ભેગો એક જુવાન જણ હતો. દીકરી જમાઈ પગે લાગ્યાં, અને, ઈ જુવાન જણેયે પગે લાગવાનો ચાળો કીધો, પગેલાગણ નાનાભા. તમારો દૌહિત્ર અજિત! દીકરીએ હરિભાઈને વાંહે ધબ્બો મારીને કહ્યું.

ઘોડા મારે સીંગડાં? ઓક્કે, તો આપણે ફ્યુચરમાં પૂગી આયવા છીએં, કરેક્ટ? હરિભાઈએ પુસપક સામે જોયું. પુસપકે આંખ મારીને ડોકું નીચું કર્યું, મીન્સ કે યસ, સર, ફ્યુચરમાં પૂગી આવ્યા છીએ. હેંક હેંક! ‘યુગ’વિમાન છે ને! સપ્રાઇઝ સાચો, ભાઈ.

રિયલ સપ્રાઇઝની વારી તો હજી હવે આવસે. પુસપકે ધીમા સાદે કહ્યું.

વોટ? હરિભાઈએ ફોરેનના હિસાબે ઇંગ્લિસમાં પૂછ્યું.

ભગવાન જાણે. કહીને પુસપક હશી હશીને બેવડો થઈ ગયો.

એરપોર્ટમાંથી નીકળીને ગાડીમાં બેઠાં ને ગાડી તો ઊડી. ને આકાસમાં ડઝનબંધ ગાડીયું સુર્રસુર્ર કરતી આડી ને ઊભીને સામસામી ઊડે છે. સટાક દેખે ડોટરનું ઘર આવી ગયું.

ઓત્તારીની? અરે? બારણામાં અજિતના બે જોડકા બાબલાઉંને તેડીને ઊભીતી હરિભાઈની મિસિસ હસ્તે પોતે? ઘોડા મારે સીંગડાં? હાઉ? હરિભાઈ ઘાંઘાવાંઘા થઈ ગયા. ફ્રેન્કલી વહુયે ગૈઢી લાગતીતી, જોકે આંખમાં ઓલી મેજિક સાઇનિંગ ઇની ઇ જ.

-૩-
ગોડ પાર્ટિકલ
હરિભાઈએ અજિતના બબ્બે મહિનાના જોડકા બાબલાંવને ફાંદા ઉપર સુવડાવી દીધા. એકના મોઢામાંથી લાળ ટપકે ને બીજો ખાલી ખાલી હડો ડોલાયવા કરે. લાલ લાલ ગલગોટા. હરિભાઈને દ્વારકાધીસ યાદ આવી ગયા. ઘણા લોન્ગ ટાઇમથી કનવરસેસન થઈ નથી.

કાં ગગા, કાંઈ મુંઝાણો છો?

હેંય? ભગવાનનો વોઇસ? હરિભાઈ ભઈડકા. વોઇસ પોતાના ફાંદા ઉપરથી આવતો હતો. ફાંદા ઉપર અજિતના દીકરા કબૂતરની જેમ ગુટરગું ગુટરગું કરતા કરતા હાથપગ પછાડતા હતા ને ભગવાનનો વોઇસ ઈ બે બાબાઉંના મોઢામાંથી સ્ટીરિયોની જેમ આવતો હતો: મોઢામાંથી? બાબાઉંના મોઢામાંથી?

વ્હાય નોટ? ભગવાને પૂછ્યું: ડિડયા મિસ મી?

હરિભાઈને લાગી આવતું કે આટલો સબન્ધ હોવા છતાં હજી એકેય વાર લખમીજીની મુલાકાત નોતી થઈ. તરત ભગવાને દાંત કાઢ્યા.

કાં હશો છો, અંતરજામિ?

ગગા, તમને લોકોને અમારા લોકો માટે કેવી કેવી કલપનાઉં હોય છે! સેસનાગે પ્રથવી ઉપાડી છે! ને એના ફિંડલા ઉપર પગ લાંબા કરીને ભગવાન સૂતા છે! ને લખમીજી ચામર ઢાળે છે! ને બે પરમાણુઓના સંયોગથી એક અણુ બને છે. ત્રણ અણુઓના સંયોગથી એક ત્રસરેણુ. એવા ત્રણ ત્રસરેણુને પાસ કરવામાં સૂર્ય જે સમય લે, તે સમય, એક ત્રુટિ.

તે નહીં? હરિએ ફોંગરાઈને કહ્યું.

અથવા, ભગવાને સ્માઇલ આપ્યું, વિગનાની કલપના કરે છે તેમ એટમ, ને પ્રોટોન ને ઇલેક્ટ્રોન ને ભગવદ રેણુ? સકળ પદાર્થ અણુનો બનેલો છે. અણુ પરમાણુનો અને પરમાણુના વીજાણુ તેના નાભિકની પ્રદક્ષિણા કરે છે.

તો નહીં?

ગગા, પહેલાં તમે લોકો કેતાતા કે પ્રથવી સપાટ છે. પછી ગોળ થઈ ગઈ. પછી સૂરજ ને ચંદ્ર પ્રથવીની આજુબાજુ ચક્કર મારવા મંઈડા. ને પછી પ્રથવી અવળી થઈને સૂરજની આસપાસ
ભમવા મંડી ગઈ. હવે કહો છો કે સૂરજ વળી કોક અતિસૂરજની આસપાસ ફરે છે. ને તમારી સૂર્યમાળા બૃહદ આકાશગંગામાં એક છાંટા સમાન છે…. ને બ્રહ્માણ્ડમાં એવી અબજો આકાશગંગાઓ છે.
જી. હરિએ અવાચક થઈને કહ્યું.

ને માનો કે બીજા સો વરસમાં તમે જાણશો કે આ બ્રહ્માણ્ડ જેવાં કોપી ટુ કોપી અસંખ્ય બ્રહ્માણ્ડો તમારી સાથે સોલ્ડર ટુ સોલ્ડર વસેલાં છે જેને પારખવાની ચાંપું તમારી પાસે નથી. તે લોકોને ત-મે દેખાતાં નથી, કે તમને તે-ઓ કર્ણગોચર થતા નથી.

ભડાક કરતો જાણે એક ભડકો થયો ને હરિને શેસનાગજી દેખાણા, વિષ્ણુજીની ડૂંટીમાંથી કમળ ઊંચું થાય છે, એની પાંદડીઓની વચોવચ બ્રહ્માજી શોભે છે. પાસે લક્ષ્મીજી રેયોનની દક્ષિણી સાડી પહેરીને ચામર ઢાળે છે… અને ભડાક કરતા ભડકામાં બધું અંતર્ધાન!

વોટ? અચાનક હરિભાઈ પાછા પોતાના મકાનમાં અરીસાની સામે ડાઢી કરે છે ને તેમની મૂછ જમણીના ઠેકાણે હવે ડાબી સાઇડે લાંબી થઈ ગઈ? વઉ હરિભાઈના ફાંદાનો ગોકીરો કરી જાય છે ને જમણાને બદલે હવે વહુનો ડાબો પગ મોટો લાગે છે? પુસપકે હરિભાઈને કાનમાં કહ્યું કે સાયેબ, હું, ને તમે, ને આ ઓસ્ટ્રેલિયા ને ઇન્ડિયા એક ક્ષુદ્ર પરમાણુનાયે વીજાણુ ઉપર વશેલું છે.

-૪-
જ્યૌં કદલી કે પુષ્પ મેં પાત પાત ઔર પાત
વોટ? હરિભાઈના મગજમાં ચારે તરફથી ઉજાસ ફેલાયો. તત્ક્ષણ તેમની ખોપરીમાંથી નવા વિચાર, નવ્ય શબ્દાવલિ ને નૂતન અભિજ્ઞતાની વરાળ નીકળવા લાગી. ઓમાઈગોડ, માઈ ગોડ! ચાલો પાછા જાયેં ભાઈ, આપણું સેક્ટર સેવન ભલું ને આપણે ભલા. હરિભાઈએ બૂમ મારી, પુષ્પ..ક! પુષ્પ..ક?

ને પુષ્પક પણ ગંભીરતાથી, અદબ વાળીને ઊભો હતો. પરમાત્માની માયા, સાહેબ. તમે આ ક્ષણે પ-ર-મા-ણુની સૂર્યમાળામાં છો.

પ-ર-મા-ણુની સૂર્યમાળામાં? હરિના મગજમાં ફરિથી ભડકો થયો, અને કોઈના કહ્યા વગર હરિના મગજમાં ગોઠવાયું: પ્રત્યેક એટમ પોતે સ્વતંત્ર સૂર્યમાળા છે. તેના ઇલેક્ટ્રોન તેના પ્લાનેટ છે. અને તેનો ન્યૂક્લિયસ તેનો સૂર્ય!

પુષ્પકે ડોકું નમાવી સંમતિ દર્શાવી. યસ! તેનો ન્યૂક્લિયસ તેનો સૂર્ય!

અને હરિને તત્ક્ષણ સમજાયું, પુષ્પકે કહેલુ: હું, ને તમે, ને આ ઓસ્ટ્રેલિયા ને ઇન્ડિયા, એક ક્ષુદ્ર પરમાણુનાયે વીજાણુ ઉપર વશેલું છે: એટલે શું.

હરિએ ગદ્ગદ્ થઈને પોકાર કર્યો, અંતર્યામિ! દયાળુ? દેવાધિદેવ, તો પ્રત્યેક ઇલેક્ટ્રોનની અંદર પાછા ક્ષુદ્રાતિક્ષુદ્ર ઇલેક્ટરોનોની સૂર્યમાળાઓ હશે શું? ને અને એ દરેકની અંદર પાછી બીજી …
પ્રભુએ ન હા કહી કે ન ના કહી. વત્સ! બૃહદ ને સૂક્ષ્મ, વિરાટ અને ક્ષુદ્ર તમને લોકોને લાગે. લાંબું ને પહોળું વગેરે પરિમાણ તથા સમય, સ્થળ અને કાર્ય અને કારણ તે સર્વ તમારી ભ્રમણા છે; તમે જેને માયા કહો છો તે માયા છે!

-૫-
ત્યૌં સજ્જન કી બાત મેં બાત બાત ઔર બાત
હરિભાઈના ફાંદા ઉપર કાંઈ ચળવળ થતી હતી. લાલિયો! પાડોશી રાધાબેનનો ભાંખોડિયાં ભરતો બાબલો લાલિયો હરિભાઈના ફાંદા ઉપર બે હાથે ઝાપટ મારતો હતો. આંખ ખોલીને હરિભાઈએ મૂછ તપાસી. ઓરિજિનલ હતી તેમ જમણી સાઇડની મૂછ લાંબી છે. મીન્સ કે પાછા ઓરિજિનલ પ્રથવી ઉપર આવી ગયા છીએ. પ્રથવીના એકેએક પરમાણુ માઇક્રોસૂર્યમાળાઓ છે. તે દરેક ઉપર વળી સૂક્ષ્માતિસૂક્ષ્મ માનવો, પ્રાણીઓ ને વનસ્પતિની સૃષ્ટિ જીવે છે. તે પ્રત્યેકની ભીતરમાં અનંત શ્રેણીમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ બ્રહ્માણ્ડો વસેલાં છે! રાઈટ? હરિભાઈએ રાધાબેનના લાલિયાના ગાલે ચીટિયો ભરીને પૂછ્યું, રાઈટ?

ઓમાઇ ગોડ! ફરી ઝબકાર થયો ને હરિભાઈ બેઠા થઈ ગયા. શંખચક્રગદાપદ્મધારી સાક્ષાત્ ભગવાન તેની સામે ઊભા હતા.

અંતર્યામિ! આ આખી સૃષ્ટિનો અણ્ડ કોઈ રાક્ષસી ઇલેક્ટ્રોનની જેમ કોઈક ‘પરમ-બ્રહ્મ-અણ્ડ’ની પ્રદક્ષિણા કરતો હશે?

હરિ મુગ્ધતાથી કમલનયનને નીરખી રહ્યો.

અને ઓહ, ઓહ! એવાં પરમ બ્રહ્માણ્ડોના વીંટલા કોઈક ‘પ્રપિતા-બ્રહ્માણ્ડ’ના ચકરાવા લેતા હશે. અને એવા તમારી અનાદિ અનંત લીલામાં એવા વીંટલા ઉપરાઉપરી ખડકેલા હશે? એવું હોય?
કે નયે હોય, કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ