ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Lok Sabha Election 2024 માટે આજે ચૂંટણી પંચ તારીખો જાહેર કરશે! કંઇક આવું હોઈ શકે છે શેડ્યુલ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના શેડ્યુલ (Lok Sabha Election schedule) અંગે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે, આ અટકળોનો જલ્દી અંત આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કે ચૂંટણી પંચ (Election Comission) આજે શુક્રવારના રોજ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આજે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પણ 2019ની જેમ સાત તબક્કામાં યોજાઈ શકે છે.

ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરોના બે ખાલી પડેલા પદ પર નિમણુંક કરવામાં આવી છે. વડા પ્રધાનની અધ્યક્ષતામાં ગઈ કાલે ગુરુવારે મળેલી પસંદગી સમિતિની બેઠકમાં કેરળના જ્ઞાનેશ કુમાર અને પંજાબના બલવિંદર સંધુને ચૂંટણી કમિશનર તરીકે નિમવામાં આવ્યા હતાં. આ બેઠકમાં વિપક્ષના નેતા અધીર રંજને પણ ભાગ લીધો હતો.

વર્ષ 2019 જમ્મુ કાશ્મીરના વિભાજન અને પુર્નગઠન બાદથી રાજ્યમાં કેન્દ્રીય સાશન છે, જમ્મુ કાશ્મીરના લોકો વિધાનસભાનું ગઠન કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. અહેવાલો અનુસાર જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બુધવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ અનેક રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળ્યા હતા. તમામ પક્ષોએ જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી યોજવાની પણ માંગ કરી હતી.

અહેવાલો અનુસાર લોકસભા ચૂંટણીની સાથે જ ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને અંતિમ તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. 2019માં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેના રોજ મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામો 23 મેના રોજ જાહેર થયા હતા.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી અને ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને કુલ 353 બેઠકો મળી હતી. ગત ચૂંટણીમાં ભાજપને 37.36 ટકા વોટ મળ્યા હતા જ્યારે NDAને 45 ટકા વોટ મળ્યા હતા. જયારે કોંગ્રેસ પાર્ટીએ 52 બેઠકો જીતી હતી અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UPAને 92 બેઠકો મળી હતી, જયારે અન્ય પક્ષોએ 97 બેઠકો જીતી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button