આમચી મુંબઈ

મુંબઈ સેન્ટ્રલ ‘ટર્મિનસ’નું નામ બદલવાની આ નેતાએ કરી માગણી

મુંબઈ: પશ્ચિમ રેલવેના સૌથી મહત્ત્વના ટર્મિનસ મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસનું નામ બદલવાની ફરી એકવાર માગ ઊભી થઈ છે. રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા(આરપીઆઇ)ના સુપ્રીમો રામદાસ આઠવલેએ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ બદલાવવાની માગણી કરી છે. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ બદલાવીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કરવાની માગણી રામદાસ આઠવલેએ કરી છે.

રામદાસ આઠવલેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ(એક્સ) ઉપર આ અંગે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ઘણો સમય મુંબઈમાં વિતાવ્યો હતો અને અનેક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આ કારણે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ બદલાવીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કરવાની માગણી કરવામાં આવી રહી છે.


મુંબઈ સેન્ટ્રલ એ પશ્ચિમ રેલવે લાઇનનું એક મુખ્ય સ્ટેશન છે અને તેના ઉપર અનેક લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન પણ અહીં રોકાણ કરે છે. આઠવલેએ કહ્યું હતું કે વિક્ટોરિયા ટર્મિનસનું નામ બદલાવીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કરવામાં આવ્યું ત્યારે તેનું દલિતોએ સ્વાગત કર્યું હતું. એ જ રીતે જો મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ ‘ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર’ કરવામાં આવે તો દલિતોને ખૂબ જ આનંદ થશે.


પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ એ ખૂબ જ મહત્ત્વનું સ્ટેશન છે અને પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ લાઇન સહિતની ટ્રેનો અહીં થોભે છે. આ સિવાય ઇન્ટરસિટી એક્પ્રેસ અને અન્ય એક્સપ્રેસ ટ્રેનનો પણ અહીંથી શરૂ થાય છે અને થોભે છે.
અહીં એ જણાવવાનું કે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસનું નામ બદલીને જગન્નાથ શંકરશેઠ રાખવાની માગણી કરી હતી. મુંબઈ રેલવે માટે મહત્ત્વના યોગદાન બદલ જગન્નાથ શંકરશેઠનું નામ રાખવા મુદ્દે પશ્ચિમ રેલવેથી લઈને પાટનગર દિલ્હી સ્થિત રેલવે મંત્રાલયમાં તેની ચર્ચા પણ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button