ભારત 255 રનથી આગળ, એક ઇનિંગ્સથી જીતવાનો મોકો
બેન સ્ટૉક્સે આઠ મહિના પછીના પહેલા જ બૉલમાં હરીફ કૅપ્ટન રોહિતને ક્લીન બોલ્ડ કર્યો
ધરમશાલા: ભારતે હિમાચલ પ્રદેશના ડુંગરાળ પ્રદેશમાં આવેલા ધરમશાલાના મેદાન પર ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને આખરી ટેસ્ટમાં બીજા દિવસે મૅચ પરની પકડ એટલી બધી મજબૂત બનાવી હતી કે રોહિત શર્મા ઍન્ડ કંપનીને આ મૅચ એક દાવથી જીતવાની તક મળી શકે એમ છે.
બ્રિટિશ ટીમને ગુરુવારે 218 રનમાં ઑલઆઉટ કર્યા બાદ શુક્રવારે રમતના અંત સુધીમાં ભારતે આઠ વિકેટે 473 રન બનાવ્યા હતા અને એ સાથે યજમાન ટીમે 255 રનની સરસાઈ મેળવી લીધી હતી. કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ 45 રનની અતૂટ ભાગીદારી સાથે રમી રહ્યા હતા.
શનિવારે ત્રીજા દિવસે આ લીડમાં થોડોઘણો ઉમેરો કર્યા પછી ભારતીય બોલરો ઇંગ્લૅન્ડને સરસાઈની અંદર જ આઉટ કરીને એક દાવથી વિજય અપાવી શકે એમ છે. એવું થશે તો ભારત શનિવારે કે રવિવારે જ 4-1થી સિરીઝ જીતી લેશે. બાકી, આ મૅચમાં હવે બેન સ્ટૉક્સની ટીમને ચમત્કાર જ પરાજયથી બચાવી શકે.
શુક્રવારની બીજા દિવસની રમતમાં છ બૅટરે કમાલનું પર્ફોર્મ કર્યું. રોહિત શર્મા (103 રન, 162 બૉલ, 239 મિનિટ, ત્રણ સિક્સર, તેર ફોર)એ કુલ બારમી અને આ સિરીઝની બીજી ટેસ્ટ-સદી ફટકારી હતી અને શુભમન ગિલે (110 રન, 150 બૉલ, 160 મિનિટ, પાંચ સિક્સર, બાર ફોર) ચોથી સેન્ચુરી ફટકારવા ઉપરાંત રોહિત સાથે બીજી વિકેટ માટે 171 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી.
બન્ને બૅટરે ગુરુવારના 135/1ના સ્કોર પરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને પાર્ટનરશિપને વધુ મજબૂત બનાવી હતી. રોહિત ત્યારે બાવન રને અને ગિલ 26 રન પર હતો. બન્નેએ મળીને ટીમના સ્કોરને પોણાત્રણસો સુધી પહોંચાડ્યો હતો અને ત્યારે રોહિતે વિકેટ ગુમાવી હતી.
તે હરીફ સુકાની બેન સ્ટૉક્સનો શિકાર થયો હતો. સ્ટૉક્સે આઠ મહિને ફરી બોલિંગ કરી હતી. છેલ્લે તેણે જુલાઈ, 2023માં બોલિંગ કર્યા પછી ઘૂંટણની સર્જરી તથા ફિટનેસના અભાવને લીધે બોલિંગ કરવાનું ટાળ્યું હતું, પણ શુક્રવારે પાછો બોલિંગના મોરચા પર આવ્યો હતો અને પહેલા જ બૉલમાં હરીફ સુકાની રોહિત શર્માને ક્લીન બોલ્ડ કર્યો હતો.
એમાં સ્ટૉક્સના બૉલની સીમ ગલીના સ્થાનની દિશામાં હતી, બૉલ બરાબર લેન્ગ્થમાં હતો અને ઑફ સ્ટમ્પની આગળ પડ્યો હતો અને રોહિતના ઑફ સ્ટમ્પની બેલ ઉડાડી ગયો હતો. રોહિતને શુક્રવારની રમતની શરૂઆતમાં જીવતદાન મળ્યું હતું. લેગ સ્લિપમાં ઝૅક ક્રૉવ્લી તેનો કૅચ નહોતો પકડી શક્યો.
કારકિર્દીની પહેલી જ ટેસ્ટ રમી રહેલા દેવદત્ત પડિક્કલે (65 રન, 103 બૉલ, 136 મિનિટ, એક સિક્સર, દસ ફોર) પણ બ્રિટિશ ટીમને પોતાની ક્ષમતા અને કાબેલિયતથી ચોંકાવી દીધા હતા. બે સેન્ચુરિયનો રોહિત-ગિલ પછી પડિક્કલ અને સરફરાઝ ખાન (56 રન, 60 બૉલ, 101 મિનિટ, એક સિક્સર, આઠ ફોર)ની જોડી ઇંગ્લૅન્ડને ભારે પડી હતી.
બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 97 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ બન્ને હાફ સેન્ચુરિયનોને સ્પિનર શોએબ બશીરે આઉટ કર્યા ત્યાં સુધીમાં ભારતનો સ્કોર 400 રનના પાર કરી ચૂક્યો હતો. રાંચીની ચોથી ટેસ્ટના હીરો અને યુવાન વિકેટકીપર ધ્રુવ જુરેલે પણ માત્ર 15 રનમાં બશીરના બૉલમાં વિકેટ ગુમાવી અને 100મી ટેસ્ટ રમી રહેલો આર. અશ્ર્વિન હરીફ સ્પિનર ટૉમ હાર્ટલીના બૉલમાં ઝીરોમાં જ આઉટ થઈ ગયો, પણ ત્યાર પછી કુલદીપ યાદવ (27 નૉટઆઉટ, પંચાવન બૉલ, બે ફોર) અને જસપ્રીત બુમરાહ (19 નૉટઆઉટ, પંચાવન બૉલ, બે ફોર) અડગ થઈને રમ્યા હતા અને છેક સુધી આઉટ નહોતા થયા.
ગુરુવારે ઇંગ્લૅન્ડની પાંચ વિકેટ લઈને ધરમશાલાના સ્ટેડિયમમાં છવાઈ ગયેલા કુલદીપ અને કમબૅકમૅન બુમરાહ વચ્ચે 108 બૉલમાં 45 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
ધરમશાલાની કાતિલ ઠંડીમાં છ બ્રિટિશ બોલરોને જાણે પસીનો આવી ગયો હતો. શોએબ બશીરે ચાર અને ટૉમ હાર્ટલીએ બે વિકેટ લીધી હતી. જેમ્સ ઍન્ડરસન તથા બેન સ્ટૉક્સને એક-અકે વિકેટ મળી હતી, પરંતુ ટીમમાં પાછા આવેલા ફાસ્ટ બોલર માર્ક વૂડને વિકેટ નહોતી મળી શકી. બોલિંગમાં જો રૂટ પણ કોઈ જ અસર નહોતો પાડી શક્યો.