ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ રહ્યું હોવા છતાં વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સાધારણ નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલની જ ૮૨.૯૦ની સપાટીએ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૯૦નાં બંધ સામે ભાવ ટૂ ભાવ ધોરણે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૯૩ અને ઉપરમાં ૮૨.૮૮ની સાધારણ પાંચ પૈસાની સાંકડી રેન્જની વધઘટે અથડાઈને અંતે ગઈકાલની જ ૮૨.૯૦ની સપાટીએ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા વધીને ૧૦૩.૮૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. આ સિવાય સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૧૯૫.૧૬ પૉઈન્ટ અને ૪૯.૩૦ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.