અમેરિકામાં ફુગાવામાં વૃદ્ધિ ધીમી પડતાં વહેલા વ્યાજ કપાતનો આશાવાદ ફરી સપાટી પર
વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ચમકારો, પરંતુ વેપાર પાંખાં
કોમોડિટી -રમેશ ગોહિલ
અમેરિકા ખાતે ગત ડિસેમ્બર મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સમાં ૨.૬ ટકાનો વધારો જોવા મળ્યા બાદ ગત જાન્યુઆરી મહિનામાં ફેબ્રુઆરી, ૨૦૨૧ પછીનો સૌથી ધીમો ૨.૪ ટકાનો વધારો થતાં ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ ૨૦૨૪ના અંત આસપાસ રેટ કટની શક્યતા પ્રબળ બનતાં ગત ગુરુવારથી વૈશ્ર્વિક બજારમાં સોનામાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમ જ ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૨.૧ ટકાના તોતિંગ ઉછાળા સાથે ગત ડિસેમ્બર અંત પછીની સૌથી ઊંચી ઔંસદીઠ ૨૦૮૬.૨૧ ડૉલર આસપાસની સપાટીએ રહ્યા હતા. તેમ જ વાયદામાં ભાવ આગલા બંધ સામે બે ટકા વધીને ઔંસદીઠ ૨૦૯૫.૭ ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા.
વૈશ્ર્વિક બજારમાં ગત સપ્તાહના અંતમાં જોવા મળેલા ઉછાળાની અસર સ્થાનિક બજારમાં આગામી સપ્તાહના આરંભે જોવા મળે તેમ જણાય છે. જોકે, ગત ગુરુવાર સુધીનાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ તેજીનો કરંટ જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૨૩ ફેબ્રુઆરીના ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨,૦૦૮ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. ૬૨,૨૪૪ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૬૨,૧૩૫ અને ઉપરમાં સપ્તાહના અંતે રૂ. ૬૨,૮૧૬ના મથાળે બંધ રહ્યા હતા. આમ સ્થાનિકમાં સાપ્તાહિક ધોરણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૦૮ અથવા તો ૧.૩૦ ટકા જેટલો વધારો નોંધાયો હતો. જોકે, તેજીના આ માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જૂના સોનામાં રિસાઈકલમાં વધેલા દબાણ સાથે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ પાંખી રહી હતી.
એકંદરે અમેરિકામાં પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચરમાં વર્ષાનુવર્ષ ધોરણે ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી સોનાના ટ્રેડરોમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતનો આશાવાદ પ્રબળ બન્યો હોવાનું સિટી ઈન્ડેક્સના વિશ્ર્લેષક મેટ્ટ સિમ્પસને જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલના અધિકારીઓ ફુગાવાની વધઘટ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જોકે, નાણાં બજારનાં વર્તુળો વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ ત્રણ વખત વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી ધારણા મૂકી રહ્યા છે. અગાઉ ડિસેમ્બર મહિનામાં ફુગાવામાં વધારો થવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કપાતની શરૂઆત કરે તેવી શક્યતા ધૂંધળી બની હતી પરિણામે રોકાણકારોનું સોનામાં આકર્ષણ ઘટતાં ગત ફેબ્રુઆરી મહિનામાં સોનાના સૌથી મોટા એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટના સોનાના હોલ્ડિંગમાં ૩.૩ ટકાનો અને અત્યાર સુધીમાં ૬.૪ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત વર્ષ ૨૦૨૩નાં ચોથા ત્રિમાસિકગાળામાં સોનાના ભાવને ચીનની કેન્દ્રવર્તી બૅન્કની ખરીદીનો ટેકો મળ્યો હોવાનું એક આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડવાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન વૈશ્ર્વિક આર્થિક સ્થિતિ અને આંકડાઓને ધ્યાનમાં લેતા આગામી સપ્તાહ દરમિયાન સોનાના વૈશ્ર્વિક ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય. અમારા મતે આગામી સપ્તાહે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૮૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૬૨,૫૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે. વધુમાં ગત સપ્તાહે અમેરિકા ખાતે જાન્યુઆરી મહિનાના ફુગાવામાં જોવ મળેલા ઘટાડા ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં અમેરિકામાં ઉત્પાદન ક્ષેત્રમાં ઘટાડો થયો હોવાના તેમ જ મિશિગન વિદ્યાપીઠનાં ગ્રાહક સર્વેક્ષણમાં પણ નબળાઈ જોવા મળી હોવાથી ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કપાત શરૂ કરે તેવી શક્યતા સપાટી પર આવીહોવાથી સોનામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું ટીડી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ બાર્ટ મૅલૅકે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકાના આગામી આર્થિક ડેટાઓ નબળા જોવા મળશે તો આગામી ત્રણથી ચાર મહિનામાં સોનાના વૈશ્ર્વિક ભાવ વિક્રમ સપાટીએ પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય. આ ઉપરાંત સોનાની તેજીને વૈશ્ર્વિક કેન્દ્રવર્તી બૅન્કોની ખરીદીનો ટેકો પણ મળતો રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે વ્યાજદરમાં ઘટાડાના સંજોગોમાં સોનામાં સલામતી માટેની માગ પ્રબળ હોય છે.