વેપાર

ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે માસાન્તને કારણે ડૉલરમાં ટ્રેડરોની નીકળેલી લેવાલી અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૮૭૯.૨૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ છતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ૮૨.૯૧ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૯૧ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૨.૮૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૯૪ અને ઉપરમાં ૮૨.૮૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલની ભાવ ટૂ ભાવ ૮૨.૯૧ની સપાટીએ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો. અમેરિકા ખાતે વર્ષ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિકગાળાનો જીડીપી બજારનાં અંદાજ કરતાં નીચો રહ્યો હોવાના અહેવાલો સાથે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૯ ટકા ઘટીને ૧૦૩.૭૮ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧૭ ટકા ઘટીને બેરલદીઠ ૮૩.૫૪ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૯૫.૪૨ પૉઈન્ટનો અને ૩૧.૬૫ પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હોવાથી રૂપિયો ગબડતો અટક્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button