Sanjay Raut’s serious allegations: ગુજરાતને ઉડતા ગુજરાત કરી નાખ્યું હવે મહારાષ્ટ્ર…
મુંબઈઃ ઘણીવાર તાર્કીક દલીલો કરતા ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉત એલફેલ બોલવા માટે પણ જાણીતા છે. તેમણે એક ગંભીર આક્ષેપ ગુજરાત પર લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે નાશિક, પુણે, મુંબઈની જેમ જ્યાં ડ્રગ્સ આવી રહ્યં છે તે ગુજરાતના માર્ગે આવી રહ્યું છે. ગુજરાતનું ઉડતા ગુજરાત કરવામાં આવ્યું છે ત્યારે મહારાષ્ટ્રની પણ આવી સ્થિતિ કરવી છે કે શું તેવો સવાલ તેમણે કર્યો છે. થોડા સમય પહેલા પંજાબમાં ડ્રગ્સની સ્થિતિ પર ઉડતા પંજાબ ફિલ્મ બની હતી તેનો સંદર્ભ લઈને ઉડતા ગુજરાત કહેવામાં આવે છે.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મુંબઈ સહિત અનેક રાજ્યોના અનેક પ્રોજેક્ટને ગુજરાત લઈ જવામાં આવે છે ત્યારે ડ્રગ્સનો વેપાર પણ ગુજરાતમાં થઈ રહ્યો હોવાનું તેઓ કબૂલી લે તો સારું. છેલ્લા કેટલાક સમયથી કરોડોની કિંમતનો માદક દ્રવ્ય ગુજરાતના બંદર પર જ ઉતારવામાં આવે છે. અને ગુજરાતની ધરતી પરથી સમગ્ર દેશની યુવા પેઢીને પહોંચાડવામાં આવી રહ્યો છે. સંજય રાઉતે કહ્યું કે નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર અને દેશને માર્ગદર્શન આપે તો સારું રહેશે કે મહારાષ્ટ્રમાં આવીને જ્ઞાન આપવાને બદલે હજારો કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં કેમ ઉતરી રહ્યું છે.
રાઉતે મોદીને અગાઉના નિવેદનો યાદ કરાવતા કહ્યું હતું કે વડાપ્રધાન ખોટું બોલી રહ્યા છે. વાસ્તવમાં દેશના વડાપ્રધાને જૂઠું ન બોલવું જોઈએ. તેમણે પોતાનું અગાઉનું નિવેદન યાદ કરવું જોઈએ. તેમણે અગાઉ કહ્યું હતું કે શરદ પવાર આ દેશના શ્રેષ્ઠ કૃષિ પ્રધાન હતા. જ્યારે યુપીએ સરકારે નરેન્દ્ર મોદી પ્રત્યે અલગ વલણ અપનાવ્યું ત્યારે કૃષિ પ્રધાન શરદ પવાર જ હતા જે નરેન્દ્ર મોદીને ગુજરાતના કૃષિવિકાસમાં મદદ કરી રહ્યા હતા. નરેન્દ્ર મોદી વારંવાર આ વાત જાહેરમાં કહી ચૂક્યા છે. જો તેઓ ગામમાં ચૂંટણી વિશે જૂઠું બોલવા માંગતા હોય, તો તેઓ કરી શકે છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે મેં શરદ પવારનો હાથ પકડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. મોદીએ એમ પણ કહ્યું કે શરદ પવાર મારા રાજકીય ગુરુ છે.