જાપાનને પછાડી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું જર્મની
જાપાનના સત્તાવાર આર્થિક ડેટા દર્શાવે છે કે જાપાન દેશ ટેકનિકલ મંદીમાં સરકી ગયો છે અને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા પરથી સરકીને ચોથા નંબર પર આવી ગયો છે. ત્રીજા નંબર પર હવે જર્મની છે. રેન્કિંગમાં આ ફેરફાર ખાસ કરીને યેનના અવમૂલ્યનને કારણે થયો છે. બેન્ક ઓફ જાપાનના નકારાત્મક વ્યાજ દરો જાળવી રાખવાના નિર્ણયે પણ જાપાની ચલણના અવમૂલ્યનમાં ફાળો આપ્યો હતો.
જાપાનનો સરકારી ડેટા દર્શાવે છે કે જર્મનીના 4.5 ટ્રિલિયન ડોલરની સરખામણીમાં 2023 માટે જાપાનનો નોમિનલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) 4.2 ટ્રિલિયન ડોલર હતો. 2022 અને 2023માં ડોલર સામે યેન 18% થી વધુ ઘટ્યો હતો. જર્મન અને જાપાનીઝ બંને અર્થતંત્ર મજૂરની અછત, ઘટી રહેલા જન્મદર અને વૃદ્ધાવસ્થા જેવા મુખ્ય મુદ્દાઓનો સામનો કરી રહ્યા છે. આશરે 125 મિલિયન લોકોની વસ્તી ધરાવતું જાપાન અને આશરે 83 મિલિયન લોકો સાથે નોંધપાત્ર રીતે નાનું જર્મની બંને વિશ્વભરમાં ઉચ્ચ સ્તરના ઉત્પાદિત માલના નિકાસકારો તરીકે ઓળખાય છે, જેનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ ઓટોમોટિવ ક્ષેત્ર છે.
વર્ષો સુધી જાપાન યુએસ પછી વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી, પણ વર્ષ 2010 માં ચીન દ્વારા તેને પછાડવામાં આવ્યું અને જાપાન ત્રીજા નંબરે સરકી ગયું હતું.
એમ માનવામાં આવે છે કે વધતી જતી યુવા વસ્તી અને ઉચ્ચ વૃદ્ધિ દર સાથે, ભારત આ દાયકાના અંતમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન પછી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા સ્થાનનો દાવો કરીને જાપાન અને જર્મની બંનેને પાછળ છોડી દેશે.