વસઇમાં લાઠીથી હુમલો કરી મહિલાને મોતને ઘાટ ઉતારી: સગા વિરુદ્ધ ગુનો
પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં વિવાદને લઇ લાઠીથી હુમલો કરીને મહિલાને મોતને ઘાટ ઉતારવા બદલ તેના સગા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
વસઇના કામણ વિસ્તારમાં સોમવારે રાતે 9.30 વાગ્યે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલી આદિવાસી મહિલાની ઓળખ મંજુલા કોલ્હા (55) તરીકે થઇ હતી. પોલીસે આ પ્રકરણે આરોપી સાગર બેન્ડગા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જે મંજુલાનો દૂરનો સગો છે.
નાયગાંવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રમેશ ભામેએ જણાવ્યું હતું કે સાગર વારંવાર મંજુલાના ઘરે જતો હતો અને કોઇ બાબતે બંને વચ્ચે વિવાદ થયો હતો.
દરમિયાન સાગરના વર્તન વિશે મંજુલાએ તેની પુત્રી સમક્ષ ફરિયાદ બાદ પરિસ્થિતિ વણસી હતી. આની જાણ સાગરને થતાં તેણે સોમવારે રાતે મહિલાને તેના ઘર નજીક આંતરી હતી. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા સાગરે લાઠીથી મંજુલા પર હુમલો કર્યો હતો. મંજુલાને બચાવવા તેનો પતિ વચ્ચે પડતાં સાગરે તેના પર પણ હુમલો કર્યો હતો.
આ હુમલામાં ગંભીર ઇજાને કારણે મંજુલાનું મોત થયું હતું, જ્યારે તેના પતિને ઇજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
દરમિયાન મંજુલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યા બાદ પોલીસે સાગર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)