અભિષેક ઘોસાળકરની હત્યા બાદ ઉદ્ધવ જુથે સરકારને ઘેરી, સંજય રાઉતે ફડણવીસનું રાજીનામું માંગ્યું
મુંબઈ: શિવસેના(UBT)ના નેતા અભિષેક ઘોસાળકરની નિર્મમ હત્યાએ મુંબઈ ઉપરાંત સમગ્ર દેશના લોકોને સ્તબ્ધ કરી દીધા છે. ગઈ કાલે ગુરુવારે અભિષેકની નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શિવસેના(UBT)ના નેતા આદિત્ય ઠાકરે અભિષેકને શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે આ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માંગ કરી છે.
હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આરોપી મૌરિસ ભાઈ ઉર્ફે મૌરિસ નોરોન્હાએ અભિષેક સાથે ફેસબુક લાઈવ કર્યું, બંને વચ્ચેની વાતચીત પૂરી થતાં જ સેકન્ડોમાં જ અભિષેક પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ હુમલામાં અભિષેક ઘોસાલકર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. હુમલાખોર નોરોન્હાએ ગેરકાયદેસર પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો અને ઘટનાને અંજામ આપ્યા બાદ તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી.
આદિત્ય ઠાકરે એ અભિષેક ઘોસાલકરની ઘાતકી હત્યા અંગે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે ‘આ ઘટના આઘાતજનક છે. શિવસેનાના કોર્પોરેટર અને કટ્ટર શિવસૈનિક તરીકે તેમનું(અભિષેકનું) કાર્ય ભૂલી શકાય તેમ નથી. તેમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ! અમે ઘોસાલકર પરિવારના દુઃખમાં સહભાગી છીએ. ભગવાન તેમને આ ભયંકર પીડામાંથી બહાર આવવાની શક્તિ આપે.’ અન્ય એક પોસ્ટમાં આદિત્ય ઠાકરેએ લખ્યું કે, “મહારાષ્ટ્રમાં આ પ્રકારની અરાજકતા પહેલા ક્યારેય જોવા મળી નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આજની જેમ નિષ્ફળ જતી જોવી તે શબ્દોની પર આઘાતજનક છે.
શું સામાન્ય માણસની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા છે? શું કાયદાનો ડર બાકી રહ્યો છે? વ્યવસ્થા સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે.” શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે એક તસવીર શેર કરી છે, જેમાં હત્યારો મૌરીસ મુખ્યપ્રધાન એકનાથ શિંદે સાથે જોવા મળે છે. આ તસવીર શેર કરતા સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તે ગુંડાઓની સરકાર છે. શિંદે ચાર દિવસ પહેલા અહીંના મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે મૌરીસને મળ્યા હતા અને મુખ્ય પ્રધાને મૌરીસને તેમના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.
શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે રાજ્ય ‘ગુંડાઓ’ના હાથમાં છે. પોલીસને ‘શિંદે ગેંગ’ની સેવામાં તૈનાત કરવામાં આવી છે. અભિષેક ઘોસાળકર પર ગોળીબાર ચોંકાવનારી ઘટના છે. ગૃહ પ્રધાન ફડણવીસ ચા પર ચર્ચા કરતા ફરતા હોય છે. દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવું જોઈએ.
શિવસેના (UBT)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું, “…મહારાષ્ટ્રમાં અરાજકતાનું વાતાવરણ ઉભું કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે… કોઈ સુરક્ષિત જણાતું નથી… શું વિપક્ષના લોકોને પસંદગીપૂર્વક નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ?…મુખ્યપ્રધાનથી શરૂ કરીને, આખી એનડીએ સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે… અને આ સરકાર રામ રાજ્ય લાવવાનું વચન આપે છે… અમે તેને સંપૂર્ણપણે ઉખેડી નાખીશું…”
કોણ હતો મોરીસ ભાઈ?:
મોરીસ ભાઈ પોતાને સામાજિક કાર્યકર ગણાવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અભિષેક અને મૌરીસ વચ્ચે કોઈ બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો અંત લાવવા માટે બંનેએ ફેસબુક લાઈવ કર્યું હતું. ઘણા નેતાઓ સાથેના તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે IC કોલોની સ્થિત હુમલાખોર મોરિસની ઓફિસનો છે.