પ્રવાસીનો જીવ બચાવવા લોકોનો વજનદાર રેક હટાવવાનો પ્રયાસ
તેમ છતાં પ્રવાસીને બચાવી શકાયો નહીં
મુંબઈ: નવી મુંબઈના વાશી રેલવે સ્ટેશને એક પ્રવાસીનો જીવ બચાવવા માટે પ્રવાસીઓની એકતા જોવા મળી મુંબઈગરાની માનવતા મ્હેંકી ઊઠી હતી.
વાઈરલ વીડિયોમાં લોકલ ટ્રેનના વ્હિલની નીચે એક પ્રવાસી પડી ગયો હતો ત્યાર બાદ એની જાણ થયા પછી તેને બચાવવા માટે આખી લોકલ ટ્રેનની રેક (ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ-ઈએમયુ)ને સહેજ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્લેટફોર્મ પરની આખી ટ્રેનને હટાવવાની કામગીરીને જોઈ લોકો ચોંકી ગયા હતા.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો વીડિયો ૪૧ સેક્ધડનો છે, જ્યાં વાશી સ્ટેશન પર એક હરોળમાં સેંકડો પ્રવાસીઓ ટ્રેનને સહેજ ઉપરની બાજુ ધક્કો મારતા જોવા મળ્યા હતા. સ્ટેશન પરની પાર્ક ટ્રેનની નીચે પડેલા પ્રવાસીને બચાવવા માટે અમુક પ્રવાસીઓએ મોબાઈલની લાઈટ પણ ફેંકી હતી.
વાશી રેલવે સ્ટેશન પરનો આ બનાવ અંગે અનેક પ્રવાસીઓએ મોબાઈલમાં કેદ પણ કરી હતી. મોટરમેનની કેબિન સામે અનેક પ્રવાસીઓના ગ્રુપ એકસાથે લાઈનમાં ટ્રેનને પૂશ કરતા જોવા મળ્યા હતા, જ્યારે આ ટ્રેન પનવેલ જનારી હતી.
આ બનાવ પછી રેલવે સ્ટેશનનું સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યું ત્યારે પ્રવાસી ટ્રેક ક્રોસ કરીને બીજા પ્લેટફોર્મ પર જઈ રહ્યો હતો ત્યારે ટ્રેન નીચે પડ્યો હતો. તેમ છતાં ગંભીર રીતે ઘાયલ પ્રવાસીનું મૃત્યું થયું હતું.