ઈન્ટરવલ

બંધ મૂઠી લાખની ઉઘાડી વા ખાય!

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

ઈશ્ર્વરની ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી. આવું આપણે બોલીએ, સાંભળીયે અને સમજીએ છીએ. કચ્છી ચોવકમાં એ હકીકત આ રીતે વર્ણાયેલી છે : “જનમ ડે જનેતા પ કરમ ડે કિરતાર ભાવાર્થ છે કે, માત્ર વૃક્ષનાં પાંદડાં જ નહીં પણ માવન જીવન પણ ઈશ્ર્વરકૃપાથી જ ચાલતું હોય છે : ‘જનમ ડે જનેતા’ એટલે કે માતા જન્મ આપે છે. ‘પ’ એટલે પણ અને આ શબ્દ સમૂહ ‘કરમ ડે કિરતાર’ નો અર્થ છે : જીવન ઈશ્ર્વરના હાથમાં જ હોય છે.

ઘણા લોકોની જબાન કડવી હોય છે. વક્ર હોય છે. ઘણા લોકો બહુ બોલતા હોય છે. ઘણા બોલવામાં થાપ ખાઈ જાય છે. માણસ કેવું બોલે છે, તેના પરથી તેનું સ્થાન નક્કી થાય છે. કક્ષા નક્કી થાય છે. જબાન એટલે જીભ. આપણે કહેતા હોઈએ છીએ કે, ‘લૂલી પર લગામ’ જરૂરી હોય છે. એ જ જીભ ઘોડે પણ ચઢાવે અને એ જ જીભ ગધેડે પણ બેસાડે! ચોવક પ્રચલિત છે : “ઈજ જિભ ઘો઼ડે ચ઼ડાય, ઈજ જિભ ગડો઼ડે ચ઼ડા઼ય ‘જિભ’ એટલે જીભ. અને એક અજાણ્યો શબ્દ તમારા માટે કદાચ હોઈ શકે : ‘ગડો઼ડે’ તેનો અર્થ થાય છે, ગધેડા પર!

એક અદ્ભુત ચોવક છે : “ધૂ઼ડ વગર ધાણીન ને વા વિગર પાણી ન ‘ધૂ઼ડ’ એટલે ધૂળ, ‘ધાણી’ એટલે પણ ધાણી, જે ભઠ્ઠી પર રેતી સાથે શેકવામાં આવે છે, જેને આપણે ‘ફુલા’ પણ કહીએ છીએ. ‘વા’ નો અર્થ છે પવન. શબ્દાર્થ થાય છે : ધૂળ વગર ધાણી ન શેકાય અને પવન વગર વરસાદ (પાણી) ન હોય! પરંતુ ચોવકને કહેવું એટલું જ છે કે, બધું વાતાવરણ (સંજોગ) પ્રમાણે થાય.

“ડીં ડીં કે ખેંધા અચેં બહું સરસ ચોવક છે. ગુજરાતીમાં આપણે કહેતા હોઈએ છીએ કે, “સમય જતાં વાર નથી લાગતી. એ જ વાત ચોવક આ રીતે કરે છે. ‘ડીં’ એટલે દિવસ. ‘ખેંધા’ નો અર્થ થાય છે, ખાય છે કે, ખાઈ જાય છે અને ‘અચેં’ જાયના અર્થમાં અહીં પ્રયોજાયેલો શબ્દ છે. શબ્દાર્થ સરળ થઈ ગયો. દિવસ દિવસને ખાઈ જાય છે. એવા જ અર્થમાં ભાવાર્થ છે કે, સમય ઝડપથી નીકળી જવો!

માણસમાં જે સ્વભાવ દોષ હોય છે, એ કૂતરાની પૂંછડી જેવો હોય છે. પૂંછડી સીધી કરવાના હજારો પ્રયાસો કરવા છતાં વાંકી જ રહે છે તે જ રીતે કોઈ માણસોનો સ્વભાવ દોષ લાખ પ્રયત્નો પછી પણ દૂર નથી થતો. એટલે જ આપણામાં કહેવત છે કે, ‘પ્રકૃતિ અને પ્રાણ ભેગા જ જાય’! એવી જ રીતે ચોવક પણ કહે છે કે, “પ્રાણ નેં પ્રકૃતી ભેરા વિંઝે

ઘણી કહેવતો અને ચોવકો સરખી જ હોય છે માત્ર તેમાં ભાષાનો ફરક જોવા મળે છે. ગુજરાતીમાં કહીએ કે, ‘બાંધી મુઠી લાખની ખુલે તો વા ખાય’ એ જ ભાવાર્થ સાથેની ચોવક પણ છે : “ભંધ મુઠ લખજી, ખુલઈ ત કખજી ‘ભંધ’ એટલે બંધ. મૂઠીને કચ્છીમાં મુઠ કહેવાય છે. ‘લખજી’ એટલે લાખની. ‘ખુલઈ ત’ આ બે શબ્દોનો સમૂહ છે જેનો અર્થ થાય છે : ખુલી જાય તો! ‘કખજી’ ‘કખ જી’ આ પણ બે શબ્દોનો સમૂહ છે, જેનો અર્થ થાય છે : તણખલા જેવી (અહીં જેટલી). બાંધી મૂઠીની કિંમત લાખની (એટલે કે અમોલ) અને જો મૂઠી ખુલી જાય તો તેની કિંમત તણખલા જેટલી થઈ જાય છે. પણ મૂઠીમાં શું હોય છે, જે અમૂલ્ય છે? વાત છે કોઈ એક ખાસ વાતની. જે કોઈને કહેવાની નથી હોતી! અને જો ન રહેવાય અને કોઈને કહેવાઈ જાય તો તેનો જે ભેદ છે તે જાહેર થઈ જાય! વળી, બીજા અર્થમાં કહીંએ તો, મૂઠી ખુલી જવી એટલે માણસ ઓળખાઈ જવો! તેની અસલિયત બહાર આવી જવી!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button