મેટિની

જિંદગીની દોડમાં એકાદ વળાંક એવો અચૂક આવે છે કે જ્યાં સત્ય અને સમજણ બંને માણસ પાસે હોય, છતાં પણ નિર્ણય લઈ શકાતો નથી…

અરવિંદ વેકરિયા

ચંદ્રવદન ભટ્ટ , નિહારીકા ભટ્ટ

તારીખ ૨૨ જાન્યુઆરી, હિંદુઓ માટે એક અભૂતપૂર્વ દિવસ હશે જયારે ૫૦૦ વર્ષની ઘટનાને સાકાર કરવાનો રૂડો અવસર છે, અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો ! મારી બધા હિંદુ ભાઈ બહેનોને અરજ છે કે ઘરને પણ અયોધ્યા જેવું જ શણગારજો. દરવાજે તોરણ લગાડજો ને આંગણે દીપક પ્રગટાવજો.. રામજી આપણા બધાના છે અને એ રામજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા એટલે રોમ-રોમમાં વસતા રામની મૂર્તિનો ગ્રહ-પ્રવેશ. મન-પ્રવેશ.જેઓ અયોધ્યા જવાના છે એમને તો ઉત્તેજના હશે જ, પણ જેઓ નથી જઈ શકતા એમને રામ તો હૈયે વસેલા છે, ઉત્તેજના ઘરે બેઠા પણ એટલી જ હશે તો ઘરને ‘અયોધ્યા’ બનાવજો.આ આસ્થા બધાની અમર રહે કારણ કે અયોધ્યા નગરીમાં રામજી પધારે છે, જય શ્રીરામ !
તો…….
હું અને ધનવંત શાહ, રાજેન્દ્ર, ભટ્ટ સાહેબને ત્યાં અચાનક આવી ચડ્યા તુષાર શાહ. પારડીનું એમનું કામ, આવતી વખતે નડેલો ટ્રાફિક, એવી બધી ઔપચારિક વાતો ચાલી. હવે જો જલ્દીથી ભટ્ટ સાહેબ આવી જાય તો મૂળ વાત શરૂ થઇ જાય અને નિર્ણય, આ પાર કે પેલે પાર, લેવાઈ જાય. બાકી જિંદગીની દોડમાં એકાદ વળાંક એવો અચૂક આવે છે કે જ્યાં સત્ય અને સમજણ બંને માણસ પાસે હોય છતાં પણ નિર્ણય લઇ શકાતો નથી. પ્રભુને મનોમન પ્રાર્થના કરતો રહ્યો કે એવો વળાંક ન આવે તો સારું. ત્યાં રાજેન્દ્ર પણ આવી પહોંચ્યો. તુષારભાઈ પ્રશ્ર્નોત્તરી શરૂ કરે ત્યાં જ ભટ્ટ સાહેબ અને નિહારિકા બેન આવી પહોંચ્યાં. સામે આવેલા ચાફેકરના મિસળ અને કોથમ્બિર વડી બહુ સારા આવે છે. હો. આવતાની સાથે જ ભટ્ટ સાહેબે ખાવાની વાત કરી. આમ પણ ભટ્ટ સાહેબ ખાવાના કેવા શોખીન છે એની વાત પહેલા કરી જ છે. ખાવાની વાત પૂરી થતા જ મેં તુષારભાઈને ભટ્ટ દંપતીની ઓળખ કરાવી. સ્વાભાવિક કેમ છો? કેમ નહિ ! જેવી વાત પછી શરૂઆત ભટ્ટ સાહેબે કરી….
ભટ્ટ સાહેબ: ‘તમે થઈ ગયેલું નાટક પાછું કરવા ઉત્સાહિત છો?’
તુષારભાઈ: ‘હા, આ દાદુ અને રાજેન્દ્રની બહુ ઇચ્છા નહોતી પણ મને વિષયમાં વજૂદ દેખાઈ રહ્યું છે’.

ભટ્ટ સાહેબ: ‘સરસ! પણ પહેલા ન ચાલવાનું કારણ?’
તુષારભાઈ: ‘પ્રેક્ષકોની નાડ આજ સુધી કોઈ નિર્માતા પકડી શક્યા નથી. હું તો હજી નવો છું. પણ કદાચ ‘કોમેડી’ ઉપર ‘રહસ્ય’ હાવી થવાનું પણ એક કારણ હોય એવું મને લાગે છે.’
ભટ્ટ સાહેબ: ‘તો પાછું હવે કરો છો….’

તુષારભાઈ: ‘ના..ના.. હતું એમનું એમ રજૂ નથી કરવું. રાજેન્દ્રએ એમાં ગલીપચી થાય તેવા વન-લાઈનર સરસ ગોઠવી દીધા છે, અને આમ પણ કથાવસ્તુ તો મારા હિસાબે સારી જ છે.’
ભટ્ટ સાહેબ: ‘તમને તમારા નિર્ણય માટે એવું લાગે છે કે હવે પ્રેક્ષકો સ્વીકારશે?’

તુષારભાઈ: ‘ખોટા નિર્ણય લેતી વખતે વિચારવાનો સમય જોઈએ, સાચા નિર્ણય વખતે નહિ. મને કોણ જાણે, મારા નિર્ણય માટે ભરપુર આશા છે કે સફળ થઇશું જ! બાકી મહત્ત્વકાંક્ષા વધે ત્યારે તો મહેલ પણ નાના પડે, બરાબર ને?’

ભટ્ટ સાહેબ: ‘તમારો વિચાર અને વિશ્ર્વાસ મને ગમ્યો. તમે દોડવામાં માનો છો, સારું છે. બાકી દરવાજા ઉપર નાળ લગાડવાથી સફળતા નથી મળતી. સફળતા માટે પોતાના બંને પગોમાં નાળ લગાડવી પડે અને તમે લગાડી દીધી છે.’

તુષારભાઈ: એટલે હું એ વિષય સાથે દોડવા માંગુ છું…

ધનવંતભાઈ: ‘પૈસા તમારા છે તુષારભાઈ.. અમને તો અમારા મહેનતાણાનાં મળવાના જ છે. હા, જી. આર. અને રિહર્સલ સિવાય વધુ ખર્ચ નથી, પણ આપણે બહુ જલ્દી રીવાઈવ કરી રહ્યા છીએ. હવે જો ખીચડી બરાબર રંધાઈ નહિ તો લોચો પડી જશે.’

તુષારભાઈ: ‘ધનુભાઈ! ખીચડી જો વાસણમાં રંધાય તો બીમાર માણસને સજા કરી દે, પણ જો મનમાં રંધાય તો સારા માણસને પણ બીમાર કરી દે. તમે તમારી આવી ખીચડી મનમાં રાંધી મને જ બીમાર કરી દેશો.’
રાજેન્દ્ર: ‘હવે આ ‘ખીચડી’ ની વાત પર ખીજ ‘ચડે’ છે. આપણે મૂળ વાત પર આવી જઈએ?’
ભટ્ટ સાહેબ: એ વાત મુદ્દાની કરી તે રાજેન્દ્ર. જુઓ તુષારભાઈ.. મેં દાદુને કલાકાર તરીકે લઇ બૈરી મારી બાપ રે બાપ રીવાઈવ જ કરેલું અને સફળ પણ રહ્યું. પણ સુખના સુખડ જલે જે મારું જુનું નાટક હતું, એને ‘ભાગ્ય-રેખા’ નાં નામે રજૂકર્યું એ સરિયામ નિષ્ફળ રહ્યું.

તુષારભાઈ: અચ્છા! એટલે આ લોકો રીવાઈવ કરવા માટે ગભરાય છે?
ભટ્ટ સાહેબ: એ લોકો ખોટા ગભરાય છે. મારી વાત કરું તો મેં દાદુ સાથે વાત કરેલી કે મારે હવે નાટક કરવા જ છે, તો કોઈ સારી સ્ક્રિપ્ટ મળે તો ધ્યાન રાખજે.

હું: ‘હા, મારું એ કામ ચાલુ જ છે ભટ્ટ સાહેબ.’

ભટ્ટ સાહેબ: (હસતા) ‘હા, બધા જ કહેતા હોય છે કે કામ હોય તો કહેજો પણ જયારે કામ પડે ત્યારે બધા કામમાં જ હોય છે. સોરી! તો તુષારભાઈ તમે આ નાટક કરવા જ માગો છો તો મારી ઇચ્છા છે કે હું પણ એ નિર્માણનો એક ભાગ બનું.’

તુષારભાઈ: ‘મેં આ બંનેને કહ્યું જ છે, તમને પણ જણાવું છું કે મારા અનુભવે મને ભાગીદારી સદતી નથી.’

ભટ્ટ સાહેબ: ‘બરાબર! પણ દર વખતે એવું ન પણ બને. તમારો સિદ્ધાંત તમારી જગ્યાએ હશે. બાકી મારી વાત જો સ્વીકારો તો સિદ્ધાંત કરતાં સહકાર અને બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ હોય છે.’
તુષારભાઈ: ‘આ તમારી વાત મને બહુ ગમી.’
ભટ્ટ સાહેબ: સાથે રહેશું તો ખાતરીપૂર્વક કહું છું કે મારી કંપની તમને બહુ ગમશે. બાકી એક વાત સમજી લેજો કે કોઈની સાદાઈ કે ગરીબી જોઈ એણે જરૂરિયાતમંદ સમજવાની ભૂલ ન કરવી જોઈએ.
તુષારભાઈ: ‘ના…ના… એવું નથી. તમારી વાતો મેં રાજેન્દ્ર અને દાદુ પાસે સાંભળી છે, પણ મારો જે સિદ્ધાંત છે એ મને નડી જાય છે.’

ભટ્ટ સાહેબ: ‘એક વાર સિદ્ધાંતને જરા કોરાણે મૂકી જુઓ, શક્ય છે આ નડતર કાયમ માટે દૂર થઇ જાય.’ તુષારભાઈ મારી, રાજેન્દ્રની અને ધનવંત શાહની સામે નિરુત્તર જોવા લાગ્યા. અમારા મોઢાના હાવભાવ કદાચ એ જ હતા કે ભટ્ટ સાહેબ એમની રીતે સાચા છે. જે હોય તે, તુષારભાઈએ ભાગીદારીમાં જોડાવાનો પ્રસ્તાવ મૂકી જ દીધો.

તુષારભાઈ: ‘ઠીક છે ભટ્ટ સાહેબ, ૭૫% મારા અને ૨૫% મા તમે મારી સાથે જોડાઈ જાવ, જો ઠીક લાગે.’
ભટ્ટ સાહેબ: ‘મારે તો નાટકમાં પાછું ‘રંગફોરમ’ બેનર સાથે સક્રિય થવું છે.’

તુષારભાઈ: ‘બસ, તો પછી કરીએ કંકુના?’

ભટ્ટ સાહેબ: ‘ધનવંત, ચાફેકરમાંથી મિસળ અને કોથમ્બરી વડી લઇ આવ, આપણે મીઠું મોઢું કરવાને બદલે ભાવતું’ ખાઈને ઉજવણી કરીએ..’
****
ટચ સ્ક્રીનના ઠંડા કાચ પર, લાગણીઓ અથડાય છે,
સંબંધોની હૂંફની હવે ઘણી ખોટ વર્તાય છે.


ડોક્ટર: તમારે રાત્રે ટેન્શન સાથે ન સૂવું જોઈએ.
દર્દી: તો શું એને પિયર મોકલી દઉં?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button