વેપાર

ફેડરલ રિઝર્વ વ્યાજદર કપાતમાં ઉતાવળ નહીં કરે સોનામાં ₹ ૩૩૧નો અને ચાંદીમાં ₹ ૪૭૫નો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર કપાતમાં ઉતાવળ નહીં કરે એવી શક્યતા સપાટી પર આવતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારો આગળ ધપતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ૧.૩ ટકાનો ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં વધુ ૦.૩ ટકાનો અને ચાંદીના ભાવ ૦.૬ ટકા જેટલા ઘટીને ક્વૉટ થઈ રહ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૨૯થી ૩૩૧નો અને ચાંદીના ભાવમાં રૂ. ૪૭૫નો કડાકો બોલાઈ ગયો હતો.

આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૭૫ કડાકા સાથે રૂ. ૭૧,૧૯૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૨૯ ઘટીને રૂ. ૬૨,૦૨૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૩૧ ઘટીને રૂ. ૬૨,૨૭૭ના મથાળે રહ્યા હતા.

દરમિયાન ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વ જ્યાં સુધી ફુગાવો નીચા મથાળે સ્થિર નહીં થાય ત્યાં સુધી વ્યાજદરમાં કાપ મૂકવાની ઉતાવળ નહીં કરે એવી ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે ટીપ્પણી કરતાં ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું અને ટ્રેઝરીની યિલ્ડમાં ત્રણ મહિનાનો સૌથી મોટો ઉછાળો આવતાં અમેરિકી ઈક્વિટી બજારો ગબડ્યા હતા. તેમ જ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ૧.૩ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે પણ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને અનુક્રમે ઔંસદીઠ ૨૦૨૧.૫૯ ડૉલર અને ૨૦૨૪.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૬ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૨.૭૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

નોંધનીય બાબત એ છે કે ક્રિસ્ટોફર વૉલરની ટીપ્પણી પશ્ર્ચાત્ આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર બજાર વર્તુળો ફેડરલ દ્વારા માર્ચ મહિનામાં વ્યાજદરમાં કપાતની શક્યતા જે અગાઉ ૭૫ ટકા મૂકાઈ રહી હતી તે હવે ૬૫ ટકા મૂકાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button