ઉત્સવ

બોલો , તમારી ‘સનક’નું સ્કોર-બોર્ડ શું છે?

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: દરેક માણસમાં ૧ પાગલ વસે

છે, કેટલાંકમાં ૨-૩ કે વધુ! (છેલવાણી)
સંડે બપોરે પલંગ પર પડ્યા પડ્યા છતની ઊંચાઇ માપતાં માપતાં ૨-૩ કલાક ગાળતા હશો તો યા તો તમે પાગલ છો અથવા તો જીનિયસ! જો કે આમાં પાગલ હોવાની શક્યતા વધુ છે એવું જાત અનુભવ પરથી કહી શકીએ છીએ. પાગલપન- મેડનેસ કે દિવાનગી માટે મુમ્બૈયા ભાષામાં માઈન્ડ-બ્લોવિંગ શબ્દ છે. એ છે : સનકી…!
જાણે -અજાણે આપણે સૌ થોડાઘણાં સર્ટિફાડ સનકી છીએ જ…

  • તો ચાલો, ચેક કરીએ તમારી
    અંદર કેટલી ‘સનક’ ભરી છે? દર વરસે જગતમાં જાતજાતના સર્વે થાય છે તો કેટલાંક અજીબોગરીબ સવાલોના જવાબ આપો ને આ પ્રશ્ર્નોત્તરીથી ખબર પડશે કે તમે ખરેખર કેટલા પાગલ કે સનકી છો કે પછી નથી.
    સવાલ સામે ‘હા’ માટે ૨ માર્કસ ને ‘ના’ માટે ૧…
    (ચોખવટ: જવાબ શોધવા ઇંટરનેટ પર ભટકવું નહીં, કારણ કે એમાં બે શક્યતા છે: ‘કાં તો તમે પાગલ થઇ જશો અથવા તો પાગલ છો’ એવું માનવા મંડશો!)
  • તો, આ રહ્યા એ સવાલ…
    ૧.) ટી.વી. પર સમાચારો જોઇ દેશની ચિંતા થાય છે? (અહીં દેશ એટલે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા વગેરે કોઇપણ)
    ૨) તમે પિત્ઝાને છૂંદા કે ગોળકેરી સાથે ખાઇને મજા લીધી છે?
    ૩) તમને સવારે એની એ જ ચા-બિસ્કીટ જોઇને, જિંદગી રિપીટ થઈ રહી છે એવું લાગે છે?
    ૪) તમને બજારમાં જૂની ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ મળે, જે હવે પરણેલ છે, તો એની સાથેનાં બાળકને જોઇને એમ થાય કે બાળક થોડું તમારા જેવું જ દેખાય છે? (બાળક એના પાડોશીનું હોય- એમ પણ બની શકે!)
    ૫) તમને રસ્તે જતાં કોઇ અજાણ્યાનાં વરઘોડામાં નાચવાની તીવ્ર ઇચ્છા થાય છે?
    ૬) તરબૂચ પર ‘બૂચ’ કેમ નથી? એવું વિચારીને સતત ચિંતા કરો છો?
    ૭) તમે સદગત પી.એમ. નહેરૂને રાસ્તાના ખાડા કે સેફ્ટી પિનનાં ભાવ વધારા માટે જવાબદાર ગણો છો?
    ૮) ગાંધીજી એટલે માત્ર સ્વચ્છતાનો ‘સંદેશ’ આપનાર કોઇ બુઢો હતો- એમ માનો છો?
    ૯) તમે આયનામાં ખુદને જોઇને હવે તો ‘સુધર! ’ એમ કહ્યું છે?
    ૧૦) તમે સ્વિમિંગપૂલમાં સૂ-સૂ કરવાની હલ્કી હરકત કરી છે?
    ૧૧) તમને રાશિ ભવિષ્ય વાંચીને એવું લાગે છે કે હવે તમારે તમારી રાશિ બદલવી જોઇએ?
    ૧૨ ) તમને તમારું લોહી વેંચીને પણ શેરબજારમાં પૈસા રોકવાનું મન થાય છે?
    ૧૩) તમને એમ થાય છે કે ડોરબેલને હાથથી નહીં પણ પગથી દબાવવી જોઇએ?
    ૧૪) તમે તમારા પડોશીની કચરા ટોપલી ચેક કરવાનું મન થયું છે?
    ૧૫) તમે શોપિંગ મોલમાંથી કશું પણ ખરીદ્યા વિના બહાર આવવામાં એક જાતનો આનંદ આવે છે?
    ૧૬) પ્રસિદ્ધ વ્યક્તિનો ઓટોગ્રાફ લઈને બાય ધ વે, ‘તમે શું કરો છો?’ એમ કહીને મજાક ઉડાવી છે?
    ૧૭) તમે પોતે ભલે કોઇ ગુજરાતનાં ગામડાંમાં કે મુંબઈની ચાલમાં રહેતા હો પણ ઇન્ટરનેટથી માહિતીઓ વાંચીને એલન મસ્કથી એરંડિયા સુધી કોઈપણ વિષય પર ભાષણ આપવાની હિમ્મત ધરાવો છો?
    ૧૮) તમને તમારાં સપનાં ‘બ્લેક એંડ વ્હાઇટ’ જ આવે છે એવું કાયમ લાગે છે?
    ૧૯) તમે ફેસબુક કે ટ્વિટર પર ચર્ચામાં લોકોને ગાળો આપીને બહાદુરી અનુભવો છો કે સ્ટાઇલ માનો છો?
    ઇન્ટરવલ:
    યે મેરા દીવાનાપન હૈ,
    યા મહોબ્બત કા સુરૂર? (શૈલેંદ્ર)
    ૨૦) તમે ટી.વી. પર આવતાં ગીત-સંગીતના ‘રીયાલિટી શોને ’ સાચા માનીને ઉશ્કેરાઇ જાઓ છો?
    ૨૧) તમે લિફ્ટ ના આવે ત્યાં સુધી બટન દબાવ્યે જ રાખો છો?
    ૨૨ મિત્રો વચ્ચે કોઇ ઉગ્ર ચર્ચા ચાલતી હોય ત્યારે આંધળા-બહેરાનો અભિનય કરી ચૂપ રહો છો?
    ૨૩. કોઇ પપૈયાને કાપીને ખાય કે એનો જ્યુસ પીવે,,, એ પરથી માણસનું મૂલ્યાંકન કરો છો?
    ૨૪) તમે ઓશો રજનીશ કે જે.કૃષ્ણમૂર્તિ વગેરેને વાંચ્યા વિના જ એમને ગાળો આપી શકો છો?
    ૨૫) તમે લંગોટિયા મિત્ર સાથે રાજકારણની નકામી ચર્ચા કરીને સંબંધ તોડ્યો છે?
    ૨૬ ) તમને ગરબા રમતી વખતે, બાજુમાં ઉતારેલા તમારાં ચપ્પલની ચિંતા સતાવે છે?
    ૨૭.) તમે પુરુષો સામે ‘સ્ત્રીઓ…’ વિરુદ્ધ અને ;સ્ત્રીઓ સામેં ‘પુરુષો’ વિરુદ્ધ બોલીને
    ખુશ થાઓ છો?
    ૨૮.) તમે પલંગની કઇ બાજુએથી નીચે ઊતરવું?- એ વિશે વિચારીને નીચે ઊતરતાં બીવો છો?
    ૨૯) તમારું વજન ભલે નેવું કિલો હોય ને તોય તમે હીરો-હિરોઈનનાં સિન્થેટીક સૌંદર્ય વિશે ચિંતા કરો છો?
    ૩૯) તમારા સંતાનને ચિત્રકાર, ક્રિકેટર કે કવિ બનવા પ્રોત્સાહન આપતાં ડરો છો?
    ૩૧) તમને થર્મોકોલનાં દાણાં ફોલવામાં એક જાતની આંતરિક શાંતિ મળે છે?
    ૩૨) તમે સાવ અજાણી વ્યક્તિને રોંગ નંબર લગાડીને અમસ્તાં જ લાંબી વાત કરી છે?
    ૩૩ ) તમે ગુસ્સામાં ક્યારેય ભગવાન સાથે સાચ્ચા દિલથી કિટ્ટા કરી છે?
    ૩૪) તમે જૂના પ્રેમપત્રો વાંચીને એમાં વ્યાકરણની ભૂલો શોધો છો?
    ૩૫) તમે કદી કોઇ પતંગિયાને પકડવા દોડ્યા છો? કે પછી એનાં વિશે નિબંધ કે કવિતા જ લખીને ખુશ છો?
    …યારો, તમારો સ્કોર જે પણ હોય પણ ‘સનક’ વિનાની લાઈફ નમક વિનાના ‘આંસુ’ જેવી છે. વળી આવી ક્વિઝનાં જવાબ આપવા એ પણ એક જાતની દીવાનગી જ છે. સાચી દીવાનગી તો જીવનનું સત્ય પામવાની મથામણમાં છે. બાકી રવિવારની રજામાં પણ જો તમે આવી પ્રશ્ર્નોત્તરીનો સ્કોર ગણતાં બેઠા હોવ તો તમે નક્કી દીવાના છો જપણ એની યે ઘડી બેઘડી મજા લઇ લો, કારણ કે મતલબ વિનાની મજા લેવાથી વધુ કોઇ ‘મસ્ત મેડનેસ’ નથી.
    એન્ડ-ટાઇટલ્સ:
    ઇવ: તું ઈશ્ર્વરમાં માને છે?
    આદમ: હા, પણ શું ઈશ્ર્વર મને
    સાંભળે છે?
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…