અફઘાનિસ્તાનમાં પૈસાની તંગી વચ્ચે ખર્ચો બચાવવા 50-50 યુગલોએ કર્યા સમૂહલગ્ન
અફઘાનિસ્તાન: તાલિબાની શાસનમાં આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા અફઘાનિસ્તાનના નાગરિકોને હવે લગ્નનો ખર્ચો પણ પોસાય તેમ નથી. પૈસાની તંગી વચ્ચે લગ્ન કરવા ઇચ્છતા અફઘાન યુગલો સામૂહિક વિવાહના કાર્યક્રમો યોજી રહ્યા છે, જેમાં ખર્ચો બચાવવા માટે એકસાથે 50 યુગલોએ લગ્ન કર્યા હતા.
દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેના ધામધૂમપૂર્વક લગ્ન થાય પરંતુ કેટલાક લોકોને એ પણ નસીબમાં હોતું નથી. ઓગસ્ટ 2021થી અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવ્યો એ પછી ત્યાના લોકોને મોટો આર્થિક ફટકો પહોંચ્યો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હવે એક પ્રથા અસ્તિત્વમાં આવી છે કે જેમાં જે અફઘાન યુગલ લગ્ન કરવા માગતું હોય પરંતુ લગ્નનો ખર્ચો ઉપાડી શકવા સક્ષમ ન હોય તેમના માટે સામૂહિક લગ્નના કાર્યક્રમો યોજાય, જેથી સામાન્ય ખર્ચામાં તેઓ પ્રસંગ પાર પાડી શકે. અફઘાનિસ્તાનમાં ઠેરઠેર હવે લોકો આ પ્રકારે લગ્ન કરતા જોવા મળી રહ્યા છે.
તાલિબાન શાસકોએ લગ્નમાં નૃત્ય-સંગીતને ઇસ્લામની વિરુદ્ધ ગણાવીને તેને બંધ કરાવી દીધા છે આથી ખૂબ સાદાઇપૂર્વક સમારંભ યોજાઇ રહ્યા છે. કાબૂલમાં યોજાયેલા આ સમારંભમાં લગ્ન કરનાર એક યુવકે જણાવ્યું હતું કે પારંપરિક રીતે લગ્ન કરવામાં તેમને અંદાજે 2થી 2.5 લાખનો ખર્ચ આવે છે. જે તેમને પરવડે એમ નથી. તેઓ વધુમાં વધુ 10થી15 હજાર સુધીનો જ ખર્ચ કરી શકે એમ છે.
અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતથી કાબૂલમાં લગ્ન સમારોહ માટે આવેલા અન્ય એક યુવકે જણાવ્યું હતું કે તે અલ્પસંખ્યક સમુદાયમાંથી આવે છે અને પ્રતિદિન 350 અફઘાની તેમની આવક છે. જેમાં માંડમાંડ તેઓ જીવનનિર્વાહ કરી શકે છે. એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આ લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવવિવાહિત યુગલને 1600 અમેરિકન ડોલર જેટલી મદદ, અમુક ઘરવપરાશની ચીજવસ્તુઓ-સાધનો વગેરે પણ આપવામાં આવ્યા હતા