પાકિસ્તાનમાં પહેલીવાર હિન્દુ મહિલાએ નોંધાવી ચૂંટણીમાં ઉમેદવારી: શું રચાશે ઇતિહાસ?
ઇસ્લામાબાદ: ભારત અને ભારતીય મહિલાઓની વાત કરીએ અને એમાં પણ રાજકારણની વાત હોય તો અહીં ઘણી મહિલાઓ આગેવાની કરતી દેખાય છે. પણ વાત જ્યારે પાકિસ્તાનની છે તો અહીં હિન્દુ મહિલાઓ સાથે કેવું વર્તન થાય છે એની જાણ તો આખા વિશ્વ ને છે. આવી પરિસ્થિતીમાં એક હિન્દુ મહિલા પાકિસ્તાનમાં ચૂંટણી લડવાની છે. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર કોઇ હિન્દુ મહિલા ચૂંટણી લડવા જઇ રહી છે. ત્યારે આ સમાચાર બધાને જ ચોંકવાનારા છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર પહેલીવાર ખૈબર પખ્તૂનખ્વાના બુનેર જિલ્લામાંથી એક હિન્દુ મહિલાએ પાકિસ્તાનમાં યોજાનારી આગામી ચૂંટણી માટે એક સામાન્ય બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાનમાં 16મી નેશનલ એસેમ્બલીના સભ્યોની ચૂંટણી 8 ફેબ્રુઆરી, 2024ના દિવસે યોજાનાર છે. જેમાં એક હિન્દુ મહિલા સવેરા પ્રકાશે બુનેર જિલ્લાના પીકે-25ની સામાન્ય બેઠક માટે અધિકૃત રીતે તેનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે. હિન્દુ સમુદાયની સભ્ય સવેરા પ્રકાશ તેના પિતા ઓમ પ્રકાશની રાહ પર ચાલી રહી છે. તે પાકિસ્તાની પીપુલ્સ પાર્ટી (પીપીપી)માંથી ચૂંટણી લડશે. 35 વર્ષીય સવેરા પ્રકાશના પિતા ઓમ પ્રકાશ હાલમાં જ નિવૃત્ત થયા છે. તેઓ એક ડોક્ટર અને પીપીપીના સમર્પીત સદસ્ય પણ છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર સવેરા પ્રકાશ પાકિસ્તાનમાં ચૂંટણી લડનારી પહેલી હિન્દુ મહિલા છે. એબટાબાદ ઇન્ટર નેશનલ મેડિકલ કોલેજમાંથી 2022માં સ્નાતક બનેલ સવેરા પ્રકાશ પીપીપી મહિલાવિંગની સચિવ છે. સવેરા પ્રકાશ મહિલાઓના વિકાસ અને સુરક્ષા અને તેમના હક માટે કામ કરવા ઇચ્છે છે.
એક ઇન્ટર્વ્યુમાં સવેરા પ્રકાશે તેના પિતા ઓમ પ્રકાશના પગલે ચાલી વંચિત સમાજ માટે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સવેરા પ્રકાશે એમ પણ જણાવ્યું હતું કે, માનવ સેવા મારા લોહીમાં છે. મેડિકલ કોલેજમાં કામ કરતી વખતે ખરાબ સુવિધાઓ અને ટેક્નોલોજીનો અભાવ જોયા બાદ સવેરા પ્રકાશે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો.