ચેમ્બુરમાં બાળવિવાહનો કેસ: વડીલો સહિત બૌદ્ધાચાર્ય સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચેમ્બુરમાં 16 વર્ષની સગીરાનાં લગ્ન કરાવવા બદલ પોલીસે સગીરાના પતિ, બન્નેના વડીલો અને બૌદ્ધાચાર્ય સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર રવિવારની રાતે ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર પર અજાણી વ્યક્તિએ ફોન કરી ચેમ્બુરના વાશીનાકા ખાતે બાળવિવાહની માહિતી આપી હતી. ચાઈલ્ડ હેલ્પલાઈનના અધિકારીએ આ બાબતે આરસીએફ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે વાશીનાકા સ્થિત રાહુલ નગરમાં બુદ્ધવિહાર ખાતે સાંજના સમયે લગ્ન પ્રસંગનું આયોજન કરાયું હતું. માહિતીને આધારે પોલીસે લગ્નસ્થળે જઈ તપાસ કરી હતી. ક્ધયા સગીર વયની હોવાની માહિતી મળી હોવાથી તેની માતા પાસે ક્ધયાનો જન્મદાખલો માગવામાં આવ્યો હતો. બર્થ સર્ટિફિકેટ અનુસાર ક્ધયા 16 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું.
સગીર વયની હોવા છતાં તેનાં લગ્ન સગાંસંબંધીના પુત્ર સંતોષ વાઘમારે (27) સાથે કરાવવામાં આવ્યાં હોવાનું જણાયું હતું. આ પ્રકરણે પોલીસે સંતોષ, તેનાં માતા-પિતા, સગીરાનાં માતા-પિતા અને લગ્ન કરાવનારા બૌદ્ધાચાર્ય સામે ચાઈલ્ડ મૅરેજ ઍક્ટ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે.