બેરોજગારને 24 કરોડ રૂપિયાનો ટૅક્સ ભરવા જીએસટીની નોટિસ!
પ્યૂનની નોકરી માટે આપેલા દસ્તાવેજોનો દુરુપયોગ: ઠગ ટોળકીએ કંપની શરૂ કરી ફરિયાદીને ડિરેક્ટર બતાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્યૂનની નોકરી માટે અરજી કરનારા થાણેના એક રહેવાસીને 24 કરોડ રૂપિયાનો ટૅક્સ ભરવા સંબંધી ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) ઑફિસ દ્વારા નોટિસ ફટકારવામાં આવતાં તેને આંચકો લાગ્યો હતો. નોકરી માટે આપેલા દસ્તાવેજોનો દુરુપયોગ કરી એક કંપની શરૂ કરવામાં આવી, જેનો ડિરેક્ટર ફરિયાદી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું અને એ કંપનીના નામે ઠગ ટોળકીએ કરોડો રૂપિયાના વ્યવહાર કર્યા હોવાનું તપાસમાં જણાયું હતું.
થાણેના કોપરી ગાંવ ખાતે રહેતા 42 વર્ષના ફરિયાદીએ આ પ્રકરણે ચેમ્બુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે એક ખાનગી બૅન્કના અધિકારી-કર્મચારી સહિત પાંચથી છ જણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે ફેબ્રુઆરીના છેલ્લા પખવાડિયામાં ફરિયાદીને જીએસટી ઑફિસ તરફથી એક નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસ જોઈ ફરિયાદીને આંચકો લાગ્યો હતો. ફરિયાદી જે કંપનીનો ડિરેક્ટર છે તે કંપનીએ 2021થી 2023ના નાણાકીય વર્ષમાં 23.99 કરોડ રૂપિયાનો જીએસટી ચૂકવ્યો નહોતો. આ માટે નિવેદન નોંધાવવા માટે જીએસટી ઑફિસમાં હાજર રહેવા સંબંધી સમન્સ ફરિયાદીને પાઠવાયા હતા.
આ બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે જાન્યુઆરી, 2022માં ફરિયાદી નોકરીની શોધમાં હતો. થાણે રેલવે સ્ટેશન નજીક બૅન્કમાં ક્લર્ક અને પ્યૂનની નોકરી માટેની જાહેરખબર ફરિયાદીએ જોઈ હતી. જાહેરખબરમાં આવેલા મોબાઈલ નંબર પર ફરિયાદીએ ફોન કર્યો હતો. વૈભવ નામના શખસે ફરિયાદીને ચેમ્બુરમાં મળવા બોલાવી પ્યૂનની નોકરી અપાવવાને બહાને આધાર કાર્ડ, પેન કાર્ડ સહિતના દસ્તાવેજોની ઝેરોક્સ કૉપી લીધી હતી.
બાદમાં અલગ અલગ કારણો રજૂ કરી ફરિયાદીને નોકરી આપવાનો વૈભવે ઇનકાર કર્યો હતો. આ દરમિયાન એક કંપનીની પ્રક્રિયા તરીકે ફરિયાદીને વીડિયો કૉલ સામે આધાર કાર્ડ અને પેન કાર્ડ દેખાડવાનું કહ્યું હતું. નવમું નાપાસ ફરિયાદીને આ પ્રક્રિયાનો ઉપયોગ જીએસટી નંબર મેળવવા થઈ રહ્યો હોવાની જાણ નહોતી. બાદમાં વૈભવના ત્રણેય મોબાઈલ નંબર સ્વિચ ઑફ્ફ આવતા હતા.
વૈભવે બે બૅન્કમાં ખાતું ખોલાવવા ફરિયાદીને મદદ કરી હતી. તે બૅન્ક ખાતાં ફરિયાદીએ બંધ કરાવ્યાં હતાં. જોકે તેની જાણ બહાર ચેમ્બુરની ખાનગી બૅન્કમાં એક ખાતું ખોલાવવામાં આવ્યું હતું. આ ખાતામાં ફરિયાદીના બનાવટી હસ્તાક્ષરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ખાતા મારફત જ ઠગ ટોળકી ફરિયાદીના નામે ખોલવામાં આવેલી કંપનીનો આર્થિક વ્યવહાર કરતા હતા, એવું તપાસમાં જણાયું હતું. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.