આમચી મુંબઈ

કોરોનાના નવા વેરિયન્ટથી પેનિક થવાની જરૂર નથી: સુધરાઈ

કોરોના ટેસ્ટિંગ અને જીનોમ સિક્વેન્સિંગ પર ભાર અપાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કોરોનાના નવા વેરિયન્ટનો કેસ નોંધાયા બાદ મુંબઈ મહાનગરપાલિકા એલર્ટ થઈ ગઈ છે. પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહી હોવાથી પેનિક થવાની જરૂર નથી. તકેદારીના પગલારૂપે આગામી દિવસમાં કોરોનાની ટેસ્ટિંગ વધારવાની સાથે જ કોવિડ પોઝિટિવ કેસના જીનોમ સિક્વેન્સિંગ પર ભાર આપવામાં આવશે એવું સુધરાઈના એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ જણાવ્યું હતું. તેમ જ મુંબઈગરાને સાવ બેદરકારી નહીં દાખવતા આવશ્યકતા જણાય તો કોવિડ ટેસ્ટ કરાવવાની અને ભીડભાડવાળા વિસ્તારમાં તકેદારીરૂપે ગંભીર બીમારી ધરાવનારા નાગરિક તથા સિનિયર સિટિઝનોને માસ્ક પહેરવાની સલાહ પ્રશાસને આપી હતી.


નવા વેરિયન્ટને પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારને એલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકા એેલર્ટ થઈ ગઈ છે. પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ ગુરુવારે જણાવ્યું હતું કે નવા વેરિયન્ટને લઈને એલર્ટ રહેવાના નિર્દેશ બાદ મુંબઈમાં આવશ્કતા જણાઈ તો કોરોનાના ટેસ્ટિંગ વધારવા પર ભાર આપવામાં આવશે. તેમ જ કોવિડ પોઝિટિવ કેસ નોંધાય અને આવશ્યકતા જણાઈ તો જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવશે, જેથી કરીને નવો વેરિયન્ટનો કેસ તો નથી તે જાણી શકાશે.


ગુુરુવારે પત્રકાર પરિષદમાં સુધાકર શિંદેએ કહ્યું હતું કે રાજ્યમાં હાલ કોરોનાના ૧.૯ ટકા એક્ટિવ કેસ છે. તો મુંબઈમાં નવેમ્બર, ૨૦૨૩માં પોઝિટિવિટિ રેટ ૧.૬ ટકા તો હાલ ડિસેમ્બરમાં ૩.૩ ટકા છે. એપ્રિલ ૨૦૨૩માં મુંબઈમાં પોઝિટિવિટી રેટ ૧૧.૯ ટકા હતો. છેલ્લા ત્રણ મહિના અને ૨૧ દિવસથી મુંબઈમાં કોવિડથી એકે મૃત્યુ થયું નથી. છેલ્લે સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં કોવિડથી મૃત્યુ નોંધાયું હતું. ડિસેમ્બરમાં અત્યાર સુધી ૧,૦૦૫ કોરોના ટેસ્ટ કર્યા છે, તેમાંથી અત્યાર સુધી માત્ર ૩૫ કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે. મુંબઈમાં હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ કેન્દ્ર સરકારના આદેશ બાદ પાલિકાએ નવા વેરિયન્ટનો સામનો કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ સાથે સજજ છે.


સુધાકર શિંદેએ વધુમાં કહ્યું હતું કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, છતાં આગામી દિવસોમાં મુંબઈમાં કોવિડના કેટલા કેસ નોંધાય છે, તેને ધ્યાનમાં રાખીને આવશ્યકતા જણાઈ તો આઈસોલેશન સેન્ટર અને ક્વોરન્ટાઈન સેન્ટરની તૈયારી કરવામાં આવશે. અગાઉ કોવિડ મહામારી દરમિયાન બનાવવામાં આવેલા ક્વોરન્ટાઈન સેન્ટરની યાદી પાલિકા પાસે છે. તેથી જરૂર પડી તો તેનો ફરી ઉપયોગ કરાશે. તેમ જ પાલિકાની કસ્તુરબા હોસ્પિટલ તેમ જ સેવન હિલ હોસ્પિટલમાં કોવિડના કેસ વધે તો તે માટે બેડની તૈયારી પણ રાખી છે. હાલ પાલિકા પાસે કોવિડના દર્દી માટે ૩,૨૯૫ બેડ, ૧,૨૭૬ આઈસોલેશન બેડ, ૧૧૮ ઓક્સિજન બેડ, ૪૪૧ આઈસીયુ બેડ અને ૪૧૭ વેન્ટિલેટર સાથેના બેડની તૈયારી છે.


માસ્કને પહેરવાને મુદ્દે એડિશનલ કમિશનરે કહ્યું હતું કે માસ્ક પહેરવો ફરજિયાત કરવાને મુદ્દે હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આગળ પરિસ્થિતિ કેવી છે તેને ધ્યાનમાં લઈને માસ્ક સંદર્ભમાં નિર્ણય લેવાશે. જોકે વરિષ્ઠ નાગરિક અને હાર્ટની તેમ જ અન્ય ગંભીર બીમારી ધરાવતા લોકો, ગર્ભવતી મહિલાઓ ભીડભાડવાળા વિસ્તારમાં ધ્યાન રાખવું અને આવશ્યકતા જણાઈ તો માસ્ક પહેરવો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button