ગુડ મોેર્નિંગ નહીં ગુડ વૉર્નિંગ
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી
આ વર્ષમાં મારા માટે બે સંસ્મરણો અદભુત રહ્યાં, બે વાર ઉજજૈન જવાનું થયું અને એક વાર વારાણસી ગયો, એ પણ પાંચ દિવસ માટે. દેવોના દેવ મહાદેવની ધરતી પર દર્શન કર્યા, ભગવાનની અનુભૂતિ નજીકથી માણી પણ સાથોસાથ ઇશ્ર્વર આસપાસ હોઇ શકે છે એ અહેસાસ અનુભવવા હજારો ભાવિક ભક્તોના ટોળાઓને નીરખવાનો મોકો શોધ્યો.
ઉજજૈન મહાકાલ મહાદેવ મંદિર પરિસરમાં ઊભો હતો, ત્યારે કોઈ મિત્રએ જણાવ્યું કે રોજના એવરેજ લાખેક ભાવિક આવતા હોવાનો અંદાજ છે.
મહાકાલ મંદિર પરિસરમાં એક પછી એક નવા ફેઝનાં કામો ચાલે છે. એક ઓફિસમાં બેસીને આવતા જતાં સંતો, પરિવારજનો, સ્ત્રીઓ, પુરુષો, યુવાનો, બાળકો, ભૂલકાંઓ, કર્મચારીઓ, સ્થાનિક કાર્યકરોના દર્શન કરતો રહ્યો, ચૂપચાપ કલાકો સુધી. દરેક ચહેરાને એકાદ જનમમાં જોયા હોય એવા ભાવથી બસ, ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો, દરેકની શ્રદ્ધા વિશેષ લાગી.
બસ આમથી તેમ માણસો સમુદ્રના મોજાંની જેમ હિલોળા લઇ રહ્યા છે. જેમ ભક્તોને દર્શન બાકી હતાં એમની આંખોમાં પ્રાપ્ત કરવા માટેની ચાહત અને દર્શન કરીને નીકળેલા કશું પ્રાપ્ત કર્યાના ભાવ સાથે ફરી એ જ ભૌતિક દુનિયામાં કશું પ્રાપ્ત કરીને પ્રવેશી રહ્યાનો ભાવ જોવા મળતો હતો. ઘણા ચહેરા જોતાં એવું લાગે કે આમને ક્યાંક જોયા છે, આ કદાચ સોશિયલ મીડિયા પર જાણીતો ચહેરો તો નહીં હોય? કપાળ પર લેપ, મહાદેવજીના આસ્થાને અનુરૂપ ડિઝાઇનર કપડાં, દરેક ચહેરો અનેરો તેજસ્વી લાગે. લાંબી લાઇનમાં દર્શન કરવા માટે ઊભા છે, ભગવાનના દર્શન કરી રહ્યા છે એ બધા પોતપોતાની ભાષામાં ભગવાનને કેટકેટલી વિનંતીઓ કરતાં હશે, એમના મનમાં કેટકેટલી વાતો ચાલતી હશે, મહાદેવને કેટકેટલી ફરિયાદ કરતાં હશે, કેટલાક મહાદેવનો આભાર માનતા હશે. ભક્તોની અસંખ્ય વાતો, અસહ્ય દર્દ, અપાર દુ:ખ વચ્ચે ભગવાન ક્ષુલ્લક માગણીઓ વિચારતા પણ નહીં હોય. મોટા પ્રોબ્લેમ સોલ્વ કરવાની લ્હાયમાં ભગવાન નાની મેટરને હોલ્ટ પર મૂકી દેતાં હશે, મૂકવી જ જોઈએ. આ તો મહાદેવ છે, કોઇને નિરાશ ન કરે.
ગુજરાતીઓ માટે કેવળ નિજાનંદ થાય એ થકી દર્શન કરવાવાળા મોટી સંખ્યામાં હશે. નજીક ફરવા જઇએ અને દર્શન કરતાં આવીએ એવો મોટો વર્ગ હશે. આ બધા આનંદિત ભક્ત વર્ગ જોઇને મહાદેવજી સ્મિત કરતાં હશે. હાજરીની નોંધ લેતા હશે, ભગવાને ફરવા આવીને ખાસ દર્શન કરવા આવેલા ભક્તોને કદી સમસ્યા થાય તે વખતે વિઝિટ એડવાન્સમાં જમા ગણાવી હશે. ભોળાનાથ કોને કહેવાય?
ભગવાનના દર્શન કર્યા પછીનું ભાવકોનું તેજ અલગ જ લાગ્યું. દર્શન પછી મંદિર પરિસરમાં પરિવારજનોને મળતા એવું લાગે કે જાણે ભગવાને ધ્યાનથી વાત સાંભળી હશે. એટલા ખુશ ખુશ…કદાચ એવું જ ભગવાનનું પણ હશે. મહાદેવજીની અસિમ કૃપા છે, બનારસ પછી આજે મહાકાલ સમક્ષ લોકોને જોતાં લાગ્યું કે ભારતમાં કદાચ સૌથી તેજસ્વી ચહેરાઓ છે, કલાકો લાઇનમાં ઊભા રહીને દર્શન કરીને આનંદ વ્યક્ત કરતાં એનર્જેટિક, શ્રદ્ધાથી છલોછલ….
મંદિરમાં બેઠો હતો ને એક મિત્રનો ફોન હતો, ઉજજૈન છે તો વહેલી સવારે ભસ્મ આરતી જોવા જજે. કદાચ પહેલીવાર વિચાર આવ્યો કે ભસ્મ આરતી જોવાની હોય છે. પ્રશ્ર્ન એ છે કે ભસ્મ આરતી જોવી જોઈએ? ભસ્મ જોવાનો વિષય છે?
સ્મશાનની રાખ જોઇને શું કરવાનું? એ જન્મ્યા એ દિવસથી સાથે લઇને ફરીએ છીએ. ભસ્મ બનવાનો પ્રોસેસ તો પ્રતિ ક્ષણ નષ્ટ પામતા શરીર સાથે ચાલુ જ છે, ક્યારેક સ્વપ્ન રાખ થતાં હોય, ક્યારેક સંબંધો રાખ થતાં હોય, ક્યારેક મનુષ્ય. ભસ્મ ચોવીસ કલાક ચાલતી પ્રક્રિયા છે, એ જોવા જવાનું? રાત્રે બાર વાગ્યાથી લાઇનમાં ભસ્મ આરતી જોવા ઊભું રહેવાનું. મારો નંબર ક્યારે આવશે? ભસ્મ આરતી જોતાં યાદ આવે કે બહુ ગુમાન કરવા જેવું નથી. ભસ્મમાં ભળી જવાનું છે, આનંદસ્વરૂપ મહાદેવમાં સમર્પિત થવાનું છે.
રોજ ટીવી પર લાઇવ ભસ્મ આરતી આવે છે, મોટાભાગના વોટ્સએપ ગ્રૂપમાં ભસ્મ આરતીના ફોટા ગુડ મોર્નિંગ મેસેજ તરીકે આવે છે, કદાચ ગુડ મોર્નિંગ શબ્દને બદલે ગુડ વોર્નિંગ કહેવું જોઈએ.
ભસ્મ જોતાં જોતાં શું વિચારો આવતા હશે? આ મારું, પેલું મારા થકી બનેલું, આ ઘર, આ પરિવાર, આ વૈભવ, મારા સ્વતંત્ર વિચારો, મારો ઇગો, મારું સર્જન… કશું જ નથી, મારું તો મહાદેવ પર ચડતી ભસ્મ છે. એ જ પળે મહાદેવ એક જ શબ્દ કહેતા હશે, ચિદાનંદ સ્વરૂપે શિવોહમ્… તારી પાસે કેવળ આનંદ જ છે, બાકી બધું અહીં જ મૂકીને જવાનું છે.
આપણા હોવા કે ના હોવાથી શું ફર્ક પડવાનો છે? છાપાવાળો છાપું નાખશે જ. સમાચાર ક્યાં અટકવાના છે? સારો માણસ હતો કહીને સારી ચા પીવા લારી પર અટકશે, ભજિયાં મળતા હશે તો મંગાવીને કહેશે કે, એ ભજિયાંનો શોખીન જીવડો હતો. કામવાળા બહેન એકાદ વાસણ ઓછું ધોશે, પણ એમની રોજીરોટી માટે રોજેરોજ આવશે. સોશિયલ મીડિયામાં એકાદ એકાઉન્ટ ઓછું થશે. સોશિયલ મિડીયા કદાચ વધારે સારૂં ફોર્મેટમાં હશે, કદાચ વધારે સારું લખવાવાળાઓના મેળવડા થતાં રહેશે. ભસ્મ આરતીની લાઇન પણ લાંબી થતી રહેશે. કદી નહીં અટકવાવાળી દુનિયા આપણે નહીં હોય તો પણ તેજ ભાગતી રહેશે. પરિવારજનો પણ કહેશે કે વરસી વાળી લો, શુભ પ્રસંગો આવી રહ્યા છે… રોજ મહાદેવના ભસ્મ આરતી જોઇને કશું થયું નથી તો લાઇનમાં ઊભા રહીને બધાના મનમાં આવા વિચારો આવતા હશે?
કદાચ પૃથ્વી પર, ઇવન ભારતમાં તો સતયુગ જ હોત જો ભસ્મ આરતી જોવાને બદલે સમજવાની કોશિશ કરતાં હોત તો… પણ આપણને જોવાની જ મજા આવે છે, જોવું અને પછી જજ બનવું એ આપણી સૌથી ગમતી પ્રક્રિયા છે. ભસ્મ બનવાના છીએ એ જાણવા છતાં ભસ્મ બનવામાં શક્ય એટલો વધારે સુખદ સમય માગવા તો મહાદેવ પાસે રૂબરૂમાં પ્રાર્થના કરીએ છીએ. રાખની સામે ઊભા રહીને રાખના રમકડાં રમવાની પ્રાર્થના કરવાની મજા પણ કંઈક ઓર છે. બહેતરથી બહેતરીન જિંદગી રાખમાં નહાતાં ભગવાન પાસે માગીએ છીએ, એ પણ રાખ સામે જોયા વિના… કદાચ આ જ માનવસ્વભાવ છે. માનવીને બધું જોઈએ છે, એની ક્ષમતા હોય કે ના હોય…
સતત બે દિવસ મહાકાલ પરિસરમાં હતો, બપોરે તો અસહ્ય ગરમી, પણ ભાવિકોનો ફ્લો જેમનો તેમ, હજારો લોકોના પ્રવાહ પર ઋતુઓની કોઈ અસર નથી. ભાવિકો કેટકેટલી તકલીફો વેઠીને આવતા હશે એવા અસંખ્ય લોકો ભગવાનને મળવા આવતા હશે. મંદિર પરિસરમાં જૂતાં પહેર્યા ન હોય, કેટલાક સ્પોટ પર કાર્પેટની સગવડ ના હોય તો પગ ચંપાય. ચહેરા પર દર્દ છલકી ઊઠે પણ જરા સરખી રાહત મળે એટલે સાક્ષાત મહાદેવ મળ્યાની ખુશી તેમની આંખોમાં છલકે. આ જિંદગીની વ્યાખ્યા જેવું નથી લાગતું?
પ્રશ્ર્ન તો એ થાય કે ભરતડકામાં ભગવાન શિવ સમક્ષ શા માટે હાજર થવાનું? સાંજે કે વહેલી સવારે દર્શન કરવા જઇએ તો થોડી રાહત લાગે. ઉજજૈનમાં તો આજે સવારે સાડા આઠ વાગે ય બપોર જેવું લાગે, એમાં પણ લોકોની ભાગદોડ. બસમાં બેસીને નાનો પ્રવાસ કરીને ઓમકારેશ્ર્વર તરફ જતાં પ્રવાસીઓ ભાગદોડ કરતાં હોય. ઢળતી બપોરે પરત આવીને પાછા મહાકાલના શરણે આવે. ઇશ્ર્વર પરત્વે માણસજાતની શ્રદ્ધાને ય વંદન કરવાનું મન થાય.
બપોરે પરિસરમાં એક ખૂણે બેઠો હતો, આવતા જતાં ભાવિકોને જોતાં રહો તો ધીમે ધીમે ભારત સમજાતું જાય. મંદિર તરફના માર્ગમાં પીળો લેપ કરીને જય મહાકાલ લખાવવામાં સૌથી વધારે યુવાનો નજરે ચડે. યુવતીઓના કપાળ પર જય મહાકાલ જોઇને આનંદ થાય કે આ રિયલ મહાકાલ સ્ટોરી છે, જેમને સનાતન સત્ય એવા મહાદેવને મળવાની તાલાવેલી છે. એક નાનકડું યુવાનોનું ગ્રુપ જોયું, લગભગ વીસ પચ્ચીસ વીસેક વર્ષના શહેરી છોકરા છોકરીઓ…. દરેકના કપાળ પર જય મહાકાલ, લગભગ અડધો કલાકની લાઇનમાં હર હર મહાદેવ, ઓમ નમ: શિવાય સિવાય કશું જ નહીં. એક યુવક સાથે વાત થતાં મને કહ્યું કે આજે સાંજ સુધી ‘નો મોબાઈલ’, બધા મોબાઈલ ઉતારા પર છે. બીજું આશરે ત્રીસ પાંત્રીસ વર્ષનાઓનું ગ્રૂપમાં એક નેતા સતત મહાદેવની વાતો થકી સ્મરણ કરાવે કે મહાકાલની ભૂમિ પર છો. આ જ આનંદસ્વરૂપ છે પછી બીજા ધરતી પરના તુચ્છ મનોરંજન દૂર રાખજો. ઉજજૈયનીના આ પરિસરમાં એક સ્થળે બેસીને નીરખવાની તક મહાદેવે આપી છે. ભરબપોરે, ભયાનક તાપમાં પણ ભગવાન માટે માણસની આસ્થા ક્યારેય ઘટી નથી, લાઇન એક ક્ષણ માટે ઓછી થઇ નથી. લાઇનમાં ઊભેલા દરેક એ ક્ષણ માટે ઝુરતા દેખાય કે ક્યારે મહાકાલ સમક્ષ હોઇશું….
મહાકાલ સમક્ષ લાંબી સાધના કરીને ઊભેલો માણસ નીરખવાને બદલે બંધ આંખોમાં સમાવવાનો પ્રયાસ કરતો હોય. વ્યવસ્થાપકો આગળ વધવા માટે આગ્રહ કરતાં હોય પણ સમય અટકી જતો હોય છે, એ ક્ષણ માટે એક મહિના પહેલાં રિઝર્વેશન કરાવ્યું હોય. એક અઠવાડિયા પહેલાં તૈયારીઓ કરી હોય, બે દિવસ પહેલાં પ્રવાસ શરૂ કર્યો હોય. મનમાં લાંબી તપસ્યા હોય કે ક્યારે એના દરબારમાં હાજરી પુરાવું… એ ક્ષણ જ્યારે મળે ત્યારે આપોઆપ આંખ બંધ કરીને કાયમી સ્મૃતિમાં એ ક્ષણને ડાઉનલોડ કરવાનો પ્રોસેસ આપોઆપ થવા લાગે છે. ઘણા વડીલોની આંખો આપોઆપ ભીંજાવા લાગતી હોય, નવદંપતીઓ એકબીજાને સાથે રાખીને આશીર્વાદ માગતા હોય કે અમારો સાથ જન્મોજન્મ બની રહે. બાળકો પાસે એમના ભવિષ્યની માગો હશે, મારી પાસે મારું લિસ્ટ… ભગવાન પાસે કરોડો લોકોના લિસ્ટ હશે, જે યોગ્ય ડિમાન્ડ હશે એ મંજૂર કરતાં હશે. બાકી ફરી ફરી આવતા રહેવાનું.
જ્યાં મહાકાલના દર્શનની ક્ષણ પૂરી થાય અને એ ચહેરા જોઈએ તો એવું લાગે કે બધા દર્દ, બધા સુખ, બધા સ્વપ્ન મહાદેવના ચરણકમળમાં સોંપ્યા, હવે એમની જવાબદારી, તેરા તુજ કો અર્પણ જેવો ભાવ થાય. બસ સંતોષ નજરે પડે. તડકો હોય કે અસહ્ય ઠંડી, વરસાદ હોય કે ભયાનક ગીરદી વચ્ચે ભગવાન સાથે બે ક્ષણનો પ્રવાસ મહત્ત્વનો છે, યાદગાર રહેતો હશે. દરેક વ્યક્તિ એટલું તો માંગ કરતી હશે કે, ઇશ્ર્વર વારંવાર નજીક લાવવાનો પ્રયાસ કરાવે, વારંવાર પ્રવાસો કરતાં રહીએ અને તમારા ચરણકમળમાં આવતા રહીએ.
હા, ધાર્મિક સ્થાનો પર ભક્તો પરિસરમાં હોય છે, બહાર માર્કેટની દુનિયામાં પ્રવાસીઓ યાદગીરી માટે ખરીદીના મૂડમાં હોય છે. આ પ્રવાસીઓ માટે દરેક સ્થળો પર જાત જાતની દુનિયા બની છે. રાંચી પાસે ઘણા ધોધ છે, ત્યાં વુડની કારીગરી કરતાં કારીગરો કળા વેચે છે, ડાકોરમાં ભજિયા છે, વારાણસીમાં સ્થાનિક નાસ્તા મળે છે. ક્યાંક કોઈ ગરીબી અને લાચારી વેચે છે, એ પણ એને વેચે છે જે ભગવાન પાસે માગવા આવ્યો છે. ભક્ત અજાણ્યા ભિક્ષુકને મદદ કરતા વિચારતો હોય છે કે આ લાચારના વેશમાં કોઈ અંશ મારી પરીક્ષા તો લઇ રહ્યો નથીને?
સરવાળે બધા સર્વાઇવ થાય છે, ધાર્મિક સ્થળો પર ઇકોનોમીની નાનકડી સાઇકલ ચાલે છે. આપણે નાના હતાં ત્યારે ડાકોરથી નાના ઢોલ, રમકડાંની પતરાની ગાડી ખરીદતા. અંબાજીથી દીવો કરીને ચાલે એવી નાની બોટ જેવા રમકડાં હજી મળે છે. આ સામાન્ય રમકડાં કેટલા બધા લોકોને રોજગાર આપે છે….
આપણી આસપાસ સંપત્તિ ધરાવતા, ઓળખીતો મધ્યમ વર્ગ અથવા સોશિયલ મીડિયા પરના મહાનુભાવો સિવાય એક વિશાળ દુનિયા છે, અલગ ઇકો સિસ્ટમ છે. ધાર્મિક સ્થળો, હીલ સ્ટેશન કે ફરવાનાં સ્થળો આસપાસ વિશાળ માર્કેટ બન્યું છે, એકવાર શાંતિથી નજર નાખશો તો આશ્ર્ચર્ય થશે કે આ બધું ખરીદતું કોણ હશે? ક્યારેક કોઈ નાનકડા લારીવાળાને, જમીન પર બેઠેલાને, તૂટલી ફૂટલી દુકાનમાં ખાણીપીણી વેચનારને પૂછો કે આ બધું વેચાય છે? તું પાંચસો રૂપિયાનો માલ વેચેને વીસ ટકા પ્રોફિટ હોય તો તારું ઘર ચાલે છે? દૂર દૂરથી ભક્તો પોતાનું ભવિષ્ય સુધારવા ભગવાન પાસે આવે છે, ત્યારે તને ભવિષ્યની ચિંતા છે કે વર્તમાનની?