ટોપ ન્યૂઝ

આસામ ઐતિહાસિક કદમ ઉઠાવવા તૈયાર, બહુપત્નીત્વ પર પ્રતિબંધ અને લવ જેહાદ પર કાયદો લાવશે

દિબ્રુગઢઃ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાનું બિલ ફેબ્રુઆરીમાં વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. સીએમ શર્માએ કહ્યું હતું કે વિધાનસભા સત્ર 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્રમાં રાજ્ય સરકાર બહુપત્નીત્વ પર બિલ રજૂ કરશે. આ ઉપરાંત રાજ્યમાં લવ જેહાદને રોકવા માટે બિલમાં એક સેક્શન પણ સામેલ કરવામાં આવશે.

આ પગલું 27મી ઑક્ટોબરે આસામ સરકારના અગાઉના નિર્દેશ પર બનેલ છે, જેમાં CM હિમંતા બિસ્વા સરમાએ સરકારી કર્મચારીઓમાં બહુપત્નીત્વને અંકુશમાં લેવાના પગલાંની જાહેરાત કરી હતી. સરમાના જણાવ્યા અનુસાર, જ્યારે જીવનસાથી જીવિત હોય ત્યારે બીજા લગ્નને રાજ્ય સરકારની પૂર્વ પરવાનગી વિના મંજૂરી આપવામાં આવશે નહીં, ભલે અમુક ધર્મો દ્વારા તેને પરવાનગી આપવામાં આવી હોય


સીએમ શર્માએ આ નિર્દેશ પાછળના તર્કને સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, ‘આસામ સરકારના કર્મચારી તરીકે, અમારા સેવા નિયમો અનુસાર, વ્યક્તિ બીજા લગ્ન કરવા માટે હકદાર નથી. જો કેટલાક ધર્મો તેને મંજૂરી આપે તો પણ રાજ્ય સરકાર પાસેથી પરવાનગી લેવી જરૂરી છે. આ પગલાનો હેતુ કર્મચારીના અવસાન પછી બે હયાત પત્નીઓ વચ્ચેના પેન્શન વિવાદોથી ઊભી થતી ગૂંચવણોને રોકવાનો છે.’


આ બિલ વિવિધ સંગઠનો સાથે મહિનાઓની ચર્ચા બાદ તૈયાર કરવામાં આવ્યું છે. સરકારે 21 ઓગસ્ટના રોજ નોટિસ જારી કરીને બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવા અંગે લોકોનો અભિપ્રાય માંગ્યો હતો. નોટિસમાં લોકોને 30 ઓગસ્ટ સુધીમાં ઈમેલ અથવા પોસ્ટ દ્વારા વિચારો સબમિટ કરવા વિનંતી કરવામાં આવી છે. જાહેર સૂચનાના જવાબમાં સરકારને વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી 149 સૂચનો મળ્યા છે.


આ ઉપરાંત રાજ્યમાં આવો કાયદો બનાવવા માટે કાયદાકીય ક્ષમતા ચકાસવા માટે સરકાર દ્વારા નિષ્ણાત સમિતિની પણ રચના કરવામાં આવી હતી. કમિટીએ અનેક લોકો અને સંસ્થાઓ સાથે પરામર્શ કર્યા બાદ પોતાનો રિપોર્ટ સીએમને સુપરત કર્યો હતો. સમિતિએ રિપોર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે વિધાનસભા આવો કાયદો બનાવી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button