ઉત્સવ

અને સંયુક્તા પૃથ્વીરાજને છોડીને ભાગી ગઈ!

મહેશ્ર્વરી

ગુજરાત પ્રવાસના કડવા – મીઠા અને કેટલાક થથરાવી દેનારા અનુભવોને સ્મૃતિના દાબડામાં બંધ કરી હું મુંબઈમાં ફરી નાટકોની દુનિયામાં પ્રવૃત્ત થવા વિશે વિચારવા લાગી. ‘છોકરીઓ મળવા આવજો’ એ ચંદ્રકાન્ત માસ્તરની વાત યાદ આવતા હું અને મારી બહેન તેમને મળ્યા અને હું ગણપતિ ઉત્સવના નાટકોની નાનકડી દુનિયામાં ફરી ગોઠવાઈ ગઈ. મુંબઈમાં બોરીવલીથી સાંતાક્રુઝ ઉપરાંત એ વખતે તો મેં ધારાવીમાં સુધ્ધાં નાટકો કર્યાં હતાં. ધારાવી વિસ્તારની કાયાપલટ થવાની છે એ વાત કોઈએ હમણાં મને કરી તો મને મારા નાટકોના દિવસ તાજા થઈ ગયા. એક પછી એક દૃશ્ય મારી આંખ સામે તરવા લાગ્યાં. એ સમયે (૧૯૬૦ના દાયકામાં) ધારાવીમાં માછીમારો મોટી સંખ્યામાં રહેતા હતા. જેમ પોલીસ કોલોનીનાં નાટકોમાં પોલીસ કર્મચારીઓ સહભાગી થતા હતા એ જ રીતે માછીમારોના મંડળ હતાં અને નાટકો કરતાં હતાં. તેમની સાથે ગણેશ ઉત્સવ દરમિયાન મરાઠી નાટક ‘મામલેદાર’ (ગુજરાતીમાં મામલતદાર કહેવાય) કર્યું. પોલીસ મંડળની જેમ આ માછીમાર મંડળ સાથે નાટકો કરવાનો અનુભવ પણ સારો રહ્યો. આ નાટકોના દિવસો દરમિયાન એક મજેદાર ઘટના બની. આજે પણ જ્યારે યાદ આવે છે, હસવું નથી રોકી શકાતું.

ગણપતિ ઉત્સવના નાટકોના લીધેલા શો મેં પૂરા કર્યા પછીની આ વાત છે. બન્યું એવું કે હું અને મારી બહેન નાટકો કરીએ છીએ એવી ક્યાંકથી ખબર પડતા નાનુભાઈ (આખું નામ અત્યારે યાદ નથી) કરીને કોઈ ભાઈ અમારા ઘરે આવ્યા. ઔપચારિક વાતચીત પછી મને કહેવા લાગ્યા કે ‘તમે ગુજરાત જઈ નાટકો કરી આવ્યાં એ ખબર પડી એટલે મળવા આવ્યો છું. હું પણ બોમ્બેમાં (એ સમયે મુંબઈ બોમ્બે તરીકે ઓળખાતું હતું) ગુજરાતી નાટકો કરું છું.’ એમની વાતમાં મને રસ પડ્યો, પણ વધુ વિગત જાણવી જરૂરી લાગી. એટલે તરત સામે સવાલ કર્યો કે ‘કયા નાટકો કરો છો? થોડાં નામ કહેશો?’ એટલે તેમણે ‘વહુરાણી’, ‘પૃથ્વીરાજ ચૌહાણ’, ‘માલવપતિ મુંજ’ જેવાં નાટકોનાં નામ કહ્યા. તેમની વાત સાંભળી મારા કાનમાં ઘંટડી વાગી અને મગજમાં ઝબકારો થયો. હું કરતી આવી છું એવા સરસ નાટક જો મુંબઈમાં જ કરવા મળે તો ગુજરાત જવાની, દોડધામ કરવાની જરૂર જ શું છે એવા વિચાર મારા મનમાં દોડાદોડ કરવા લાગ્યા. ઘેર બેઠા ગંગા મળતી હોય તો બીજો વિચાર કોઈ શું કામ કરે? એટલે મેં તો તરત મલકાતાં મોંએ હોકારો ભણી દીધો. બંને બહેનો ફરી નાટક કરતી થઈ જશે એ વિચાર માત્ર આનંદ આપનારો હતો. મારી સાથે બહેનને પણ કામ મળશે એ વિચારમાત્રથી હું રાજી રાજી થઈ ગઈ. જોકે, મારી તૈયારી જોઈ ઉત્સાહમાં આવી ગયેલા નાનુભાઈએ મારા રાજીપાના ફુગ્ગામાં ભરાયેલી હવા ઓછી કરી નાખી.

તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે ’મહેશ્ર્વરી, મને ફક્ત તારી જ જરૂર છે. નવરાત્રી ઉત્સવ દરમિયાન આપણે ‘પૃથ્વીરાજ ચૌહાણ’ નાટક કરવાનું છે જેમાં તારે સંયુક્તાનો રોલ કરવાનો છે. આ નાટક કુંભારવાડામાં કરવાનું છે.’ કુંભારવાડા, એ વળી ક્યાં આવ્યું? એવો સવાલ મનમાં ઉઠ્યો. વાચકમિત્રો, તમને નવાઈ લાગશે કે કેટલાક વર્ષથી હું મુંબઈમાં રહેતી હોવા છતાં મને કુંભારવાડા વિસ્તાર વિશે કશી જ ખબર નહોતી. મારું મુંબઈ દહિસરથી શરૂ થઈ પાર્લા – સાંતાક્રુઝમાં પૂરું થઈ જતું હતું. ધારાવીના અપવાદને બાદ કરતા સાન્તાક્રુઝથી આગળ નાટક કરવા ક્યારેય ગઈ જ નહોતી અને નાટક કરવા સિવાય બીજે ક્યાંય જવા માટે મારી પાસે કારણ નહોતું અને ત્રેવડ પણ નહોતી. કલાકારના અંગત જીવન પણ અનેક નાટ્યાત્મક ઘટનાથી ભરપૂર હોય છે. ખેર.

કુંભારવાડા કેમ પહોંચાય એ મેં જાણી લીધું અને િંજદગીમાં પહેલી વાર હું ગ્રાન્ટ રોડ સ્ટેશન પહોંચી. ઉતરતા પહેલા બે વાર પૂછી લીધું કે ‘આ ગ્રાન્ટ રોડ જ છે ને?’ નાનુભાઈએ સમજાવ્યું હતું એમ પહોંચવાનું હતું એ દિશામાં આગળ વધી. થોડી વારમાં કુંભારવાડા લખ્યું હોય એવા પાટિયા ધરાવતી દુકાનો રસ્તાની બંને તરફ દેખાવા લાગી, પણ નાટકનો હૉલ ક્યાં હશે એ વિચાર કરતી કરતી હતી ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા અને ‘તમે નાટકમાં કામ કરવાના છો ને?’ એવો સવાલ કર્યો. મેં હા પાડી એટલે મને આદરપૂર્વક બેસાડી રાહ જોવા કહ્યું. નાટકના વિચાર મારા મનમાં દોડી રહ્યા હતા એટલામાં સાડા સાત – આઠ વાગ્યા અને ફટાફટ બધી દુકાનો બંધ થવા લાગી. માણસોની અવરજવર પણ અટકી ગઈ. ચાહેલપહેલવાળો એ વિસ્તાર થોડી વારમાં તો સૂમસામ થઈ ગયો. હું થોડી મૂંઝાઈ. એવામાં નાનુભાઈ આવ્યા ને મેં લાગલો સવાલ કર્યો કે ‘નાનુભાઈ, સ્ટેજ ક્યાં છે? હૉલ ક્યાં છે?’ મારા સવાલો સાંભળી નાનુભાઈ હસવા લાગ્યા અને બોલ્યા કે ‘અહીંયા રસ્તા પર જ આપણે નાટક કરવાનું છે. મેં પડદો પણ બાંધી દીધો છે.’ રસ્તા પર પડદો બાંધેલો જોયો અને હું હસી પડી. જીવન એક રંગમંચ છે એ ફિલસૂફી જાણતી હતી, પણ રસ્તો રંગમંચ છે એ હકીકત પહેલી વાર જાણી.

આ ‘આઘાત’માંથી હું બહાર આવું એ પહેલા ત્યાં રંગલાલ નાયક (મૂળ નામ પ્રભાકર કીર્તિ, ભવાઈ કળા, રંગમંચ અને ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય કલાકાર અને ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ના લોકપ્રિય પાત્ર નટુકાકા – ઘનશ્યામ નાયકના પિતાશ્રી) આવ્યા. પોતાની ઓળખાણ આપી બોલ્યા કે ‘હું પૃથ્વીરાજનો રોલ કરવાનો છું.’ મેં એમને સવાલ કર્યો કે ‘હેં, આપણે અહીં આવી જગ્યાએ નાટક કરવાનું?’ મારી વાત સાંભળી હસી પડ્યા અને મને સમજાવ્યું કે ‘અરે ગાંડી છોકરી. આને રામલીલા કહેવાય. નવરાત્રીમાં નવ દિવસ થાય.’ હસવું કે રડવું એ જ મને સમજાતું નહોતું. ખાડાની કંપનીમાં તો કામ કરી લીધું. હવે રામલીલામાં? આ લોકો નાટકને રામલીલા ગણે છે? બે ઘડી માટે સીતામૈયા અને તેમની ‘ધરતી મારગ આપે તો..’નું સ્મરણ થઈ આવ્યું. મેં તો રંગલાલ નાયકને કહી દીધું કે થિયેટર નાનું મોટું હોય એનો વાંધો નહીં, પણ વ્યવસ્થિત સ્ટેજ જોઈએ. હું કંઈ અહીં રસ્તા પર નાટક નહીં કરું. મને ઉશ્કેરાયેલી જોઈ રંગલાલ ભાઈએ મને સમજાવી અને એ દિવસે તો ટાણું સાચવવા મેં સંયુક્તાનો રોલ કર્યો. પણ શો પૂરો થયા પછી મેં નાનુભાઈને સાફ શબ્દોમાં કહી દીધું કે હું આવી રીતે નાટકો નહીં કરું. તમે જો રામલીલાની વાત મને પહેલા કરી હોત તો ત્યારે જ મેં ના પડી હોત. તેમણે તો નવ દિવસના એડવાન્સ પૈસા પણ આપી દીધા હતા. એ મેં એમને પાછા આપી દીધા. ઈતિહાસ અનુસાર પૃથ્વીરાજ સંયુક્તાને ઘોડા પર બેસાડી ભગાડી ગયો હતો અને મુંબઈની રામલીલામાં તો સંયુક્તા પૃથ્વીરાજને તરછોડીને જતી રહી. આને કહેવાય નાટકમાં ભજવાયું નાટક. એટલામાં ફરી ગુજરાતની ટૂરનો સમય આવ્યો અને મેં ગુજરાતના નાટકોનો કોન્ટ્રેક્ટ સાઈન કરી લીધો. એ સમયે હું અને મારી બહેન જોગેશ્ર્વરી ચંદ્રકાન્ત માસ્તરના ઘરે મળવા ગયા અને તેમને ગુજરાત આવવા સમજાવ્યા, કારણ કે તેમને સંગીત તો આવડતું જ હતું અને ગુજરાતમાં સંગીત પ્રધાન નાટકો ભજવાતાં હતાં. ત્યારે ક્યાં ખબર હતી કે મારું જીવન સંગીત જ બદલાઈ જવાનું હતું.

લગ્નની બેડી: એડવાન્સ બુકિંગનો પ્રારંભ
ચંદ્રવદન ભટ્ટ. મુંબઈની નૂતન વ્યાવસાયિક ગુજરાતી રંગભૂમિના અગ્રણી નાટ્ય નિષ્ણાત અને પ્રવીણ જોષી, કાંતિ મડિયા અને વિજય દત્ત જેવા મહારથીના નાટ્યગુરુ હતા. ફિલ્મોમાં ખાસ સફળતા ન મળતા રંગભૂમિ તરફ વળેલા ભટ્ટ સાહેબનો વ્યાવસાયિક રંગભૂમિ પર પ્રવેશ શ્રી મુનશીના નાટક ‘છીએ તે જ ઠીક’ નાટકથી થયો. ઈન્ડિયન નેશનલ થિયેટર – આઈએનટીનું પહેલું નાટક ‘લગ્નની બેડી’ ભટ્ટસાહેબે રજૂ કર્યું હતું. અખબારમાં જાહેર ખબર આપી નાટકની ટિકિટનું એડવાન્સ બુકીંગ કરવું જોઈએ એવી પ્રથા ‘લગ્નની બેડી’થી શરૂ થઈ. તેમનાં પત્ની નિહારિકા ભટ્ટ પણ નાટ્ય અને ચલચિત્રનાં યશસ્વી કલાકાર. પત્ની વિશે એક ઈન્ટરવ્યૂમાં ભટ્ટ સાહેબે બહુ સુંદર વાત કરી હતી કે નિહારિકા બહેન મૂળ નૃત્યાંગના હોવાથી એમના પગ સ્થિર નહોતા રહેતા. તેમના જ શબ્દો છે કે ‘એમની હાલચાલ અટકાવવા માટે હું એમના પગ પકડી રાખી ડાયલોગ બોલવા કહેતો. એ સમયે મેં તેમના પગ પકડ્યા અને ભવિષ્યમાં તેમણે મારા હાથ પકડ્યા.’ નવી રંગભૂમિનું પહેલું રહસ્ય નાટક ‘સ્નેહનાં ઝેર’ પણ ચંદ્રવદન ભટ્ટે જ ભજવ્યું હતું. ૭૦ વર્ષ પહેલાં છેક ૧૯૫૩માં ‘રાખનાં રમકડાં’ ભજવ્યું જે નવી રંગભૂમિના પ્રથમ સંગીત નાટકની ઓળખ ધરાવે છે. ત્યારબાદ તેમના અમલદાર નાટક (૧૯૫૫)થી કાંતિ મડિયા, પ્રવીણ જોષી અને વિજય દત્તનો નાટ્ય વિશ્ર્વમાં પ્રવેશ થયો. સંજીવ કુમાર હજી ફિલ્મોમાં નહોતા પ્રવેશ્યા ત્યારે ’દીદી’ સહિત અન્ય કેટલાક નાટકોમાં ચંદ્રવદન ભટ્ટના દિગ્દર્શનમાં અભિનેતાના અભિનય કૌશલનો પરિચય કલા પ્રેમીઓને થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…