ઋણાનુબંધન : સંબંધો લેણદેણના
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
નિયતિ સમયાનુસાર આપણને જોડે છે
આમાં પસંદગીને કોઈ અવકાશ નથી
માણસનું જીવન ખૂબ જ રહસ્યમય છે. તે ખરેખર શું છે, તેના મનમાં કેવા વિચારો ઘુમી રહ્યા છે તે તેના સિવાય બીજું કોઈ જાણી શકે નહીં. સંબંધોના આટાપાટા અને ગૂંચવણ ઉકેલવામાં જિંદગી પૂરી થઈ જાય છે. ખબર રહેતી નથી આયખું કેવી રીતે પૂરું થયું. પારિવારિક સંબંધો આપણને બાંધે છે અને ભેગા કરે છે. સંબંધો પૂરા થાય એટલે વિખૂટા પડવાનો વારો આવે છે. વહેલું કે મોડું અલગ પડવાનું છે. મૃત્યુ સામે આપણું કશું ચાલતું નથી, પરંતુ જ્યાં સુધી સાથે છીએ ત્યાં સુધી અરસપરસના સંબંધોમાં પ્રેમ અને મીઠાશ જળવાઈ રહે, પોતાના થકી સંબંધોમાં ઘસારો ન લાગે તે જોવાનું દરેક માણસનું કર્તવ્ય છે. પતિ – પત્ની, પુત્ર – પુત્રી, ભાઈ – બહેન, માતા – પિતા આ બધા સંબંધો કઈ રીતે જોડાયા ? માતા-પિતા, ભાઈ – બહેન આ બધા સંબંધોની શું આપણે પસંદગી કરી
હતી ? નિયતિ આપણને આ બધા સંબંધોથી જોડે છે. આમાં પસંદગીને કોઈ અવકાશ નથી. આપણે કર્મ અનુસાર એકબીજાથી બંધાઈએ છીએ અને સમય પૂરો થાય એટલે જુદા પડીએ છીએ. કર્મ અનુસાર આપણે એકબીજાને સુખી અને દુ:ખી કરીએ છીએ. આ સંબંધો એટલે એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી. પારિવારિક સંબંધોના પાયામાં જો પ્રેમ, લાગણી અને સંવેદના હશે તો આ સંબંધો મહેકી ઊઠશે. નહીંતર એકબીજા પ્રત્યે નફરત, ધ્રૂણા અને તિરસ્કાર સિવાય કશું પ્રાપ્ત થશે નહીં. આમાં એકબીજા પ્રત્યે ઋણ અદા કરવાનું છે. સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે આ લેણદેણના સંબંધો છે. આપણે વિચારવું જોઈએ કે આપણી દૃષ્ટિ લેવા તરફ છે કે દેવા તરફ, જે માણસની નજર લેવા તરફ છે તેને પ્રેમનો અનુભવ નહીં થાય. પ્રેમમાં મેળવવા કરતાં આપવાનું વધુ મહત્ત્વ છે. તેમાં કોઈ જાતનો સ્વાર્થ હોતો નથી. જેમ જેમ પ્રેમ વધતો જાય છે તેમ તેમ માણસ વધુ ઉદાર બનતો જાય છે.
સંબંધો પરિવાર પછી આસપાસના વિસ્તારમાં ફેલાયેલા હોય છે. જિંદગીમાં આપણે અસંખ્ય માણસોનાં પરિચયમાં આવીએ છીએ. સંબંધો આપણને જોડે છે અને તોડે છે. વૃક્ષો, વનસ્પતિ, પશુ પંખી અને પ્રકૃતિ સાથે પણ માણસનાં સંબંધો છે, જ્યાં આપણું વતન હોય, જ્યાં આપણો ઉછેર થયો હોય, જ્યાં આપણો વિકાસ થયો હોય એ ભૂમિ સાથે પણ આપણે જોડાઈ જઈએ છીએ. એટલે જ વતન પ્રત્યેનો પ્રેમ માણસના દિલમાં હંમેશાં રહે છે. તેના સંસ્મરણો ભૂલાતા નથી.
માણસની પ્રગતિ અને વિકાસ આ સંબંધો સાથે જોડાયેલા છે. કોઈપણ માણસ એકલા હાથે આગળ વધી શકે નહીં. જીવન વિકાસ અને પ્રગતિમાં પણ આપણને અનેક લોકોનો સહારો મળ્યો હોય છે. કુટુંબ, સમાજ, શિક્ષણ અને વેપાર વ્યવસાયમાં ઘણાની મદદ મળી હોય છે. માણસ સફળ થાય ત્યારે આ બધું ભૂલી જાય છે. કોઈનો નાનો એવો ઉપકાર પણ આપણા પર હોય તો તેને ભૂલવો જોઈએ નહીં. આપણો વિકાસ એકબીજા પર આધારિત છે. કોઈપણ માણસ મોટો બને છે ત્યારે નાના મોટા અનેક માણસોનો સધિયારો તેને મળ્યો હોય છે. સહાયક ને મદદરૂપ બનેલા નાના માણસોને ભૂલી જવાય ત્યારે સંબંધોમાં ઘસારો લાગે છે. નાના ઉપકારી માણસો પ્રત્યે પણ નમ્રતા અને આદર ન હોય તો આ મોટાઈની કોઈ કિંમત નથી. માત્ર પૈસાથી નહીં પણ તેની સભ્યતા અને સંસ્કારથી માણસ મોટો બને છે. સમય બદલાઈ ગયો છે. ખરેખર જેણે મદદ કરી હોય એવા માણસોને ભૂલી જવાય છે, પરંતુ કોઈએ કડવું લાગે એવું સત્ય કહ્યું હોય તે જલદીથી ભૂલાતું નથી. સફળતા મળ્યા પછી અહંકાર ન આવે અને બીજાને ઉપયોગી થવાની ભાવના ઊભી થાય તો એ એક મોટી સિદ્ધિ છે.
સંબંધોમાં પ્રેમ, ઉદારતા અને બીજા પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના અને ભોગ આપવાની તૈયારી હોય તો આ સંબંધો ઉષ્માભર્યા બને છે. પ્રેમ એ સંબંધોની સુગંધ છે. પારિવારિક અને માનવીય સંબંધોમાં આપણે કેટલીક બાબતોનો ખ્યાલ કરીએ અને કોઈ જાતની અપેક્ષા ન રહે તો આ સંબંધો મીઠા મધુર બને છે.
(૧) સૌ પ્રત્યે પ્રેમ ભાવના રાખવી, પ્રેમ જેટલો આપશો તેટલો મળશે. આ એક એવી વસ્તુ છે જે આપ્યા વગર મળશે નહીં. પ્રેમ અને આનંદ જીવનનું અમૃત છે. ધન, દોલત, સંપત્તિ બધું હશે પણ પ્રેમ નહીં હોય તો બધું વ્યર્થ બની જશે. પારિવારિક શાંતિ એ સૌથી મોટું સુખ છે.
(૨) આપણાં સિદ્ધાંતો, વિચારો, આદર્શો અને માન્યતાઓ બીજા પર ઠોકી બેસાડવાનો પ્રયાસ કરવો નહીં. વિચારોની આસક્તિએ ઘણા અનર્થો સર્જ્યા છે. સૌને સૌની રીતે ચાલવા દેવા. જરૂર પડે તો માર્ગદર્શન આપવું પણ આગ્રહ રાખવો નહીં. દરેક માણસ પોતાના અનુભવમાંથી શીખે છે.
(૩) આપણા સ્વપ્નો જે સિદ્ધ થયા નથી તે આપણાં સંતાનો દ્વારા પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરવો નહીં. દરેકના ગુણધર્મો અલગ અલગ હોય છે તે બીજા પર થોપી શકાય નહીં. સંતાનોને તેની રીતે ચાલવા દેવા આપણે માર્ગદર્શન આપીને તેમની સફળતામાં નિમિત્ત બનવું.
(૪) વણમાગી સલાહ કોઈને આપવી નહીં. કુટુંબ, પરિવાર અને સમાજમાં બધુ જોવું, સમજવું પણ ક્યાંય બિનજરૂરી માથું મારવું નહીં. કોઈ સલાહ માગે તો આપવી પણ તેમને ગેરમાર્ગે દોરવા નહીં.
(૫) કોઈ પોતાનું રહસ્ય કે હૃદયની વાત કરે તો સાંભળવી, પરંતુ બીજાને કહેવી નહીં. વચમાં પ્રશ્ર્નો કરીને વધુ જાણવાનો પ્રયાસ કરવો નહીં.
(૬) પરસ્પરના સંબંધોમાં કોઈપણ જાતની અપેક્ષા રાખવી નહીં. ઈચ્છા અને અપેક્ષા બૂરી ચીજ છે. મોટાભાગના મન દુ:ખો તેમાંથી સર્જાતા હોય છે.
(૭) કોઈની ટીકા અને નિંદા કરવી નહીં. કાજીની જેમ કોઈનો ન્યાય તોળવા બેસી જવું નહીં. કોણ સારું ને કોણ ખરાબ છે તેનો હિસાબ રાખવો નહીં. “આપ ભલા તો જગ ભલા.
(૮) કુટુંબ અને પરિવારમાં આપણે કહીએ તેમ થવું જોઈએ તેવો આગ્રહ રાખવો નહીં. પરિવારના પ્રશ્ર્નો બધાને વિશ્ર્વાસમાં રાખીને ઉકેલવા. આમાં ખુલ્લુ મન રાખવું. સંપત્તિ અને મિલકતના ઝઘડામાં મન મોટું અને ઉદાર રાખવું. થોડું ઓછું મળશે તો ચાલશે પણ કૌટુંબિક સંબંધો ખરડાશે તો તે જોડવા મુશ્કેલ છે.
(૯) જે કામ આ આપણે પોતે કરી શકીએ તેનો બોજો બીજા પર લાદવો નહીં. પોતાના કામો જાતે કરી લેવા. થોડું ચલાવી લેવાની ભાવના રાખવી.
આટલી વાતને ધ્યાનમાં રાખીએ તો સુખેથી રહી શકીએ અને જીવનનો આનંદ માણી શકીએ.